"સિંહો એ રાજ્યના સંતાનો છે, જો સંતાનો જંગલની બહાર જાય અને અકસ્માત થાય તો શું તમે તપાસ નહી કરો..?" : હાઇકોર્ટ
સિંહોના મોત મામલે હાઇકોર્ટે રેલવે-ફોરેસ્ટ વિભાગને ફટકાર લગાવી
HC slams railways, forest dept for inertia on lion deaths: ગીરના જંગલ-અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા દાખલ જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન સિંહોના અકાળે અને અકસ્માતે મોતની ઘટનાઓને લઇ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને અનિરૂધ્ધા માયીની ખંડપીઠે ભારે ચિંતા વ્યકત કરી હતી.
વન્ય પ્રાણીઓના રક્ષણની રેલ્વે ઓથોરીટી અને ફોરેસ્ટ વિભાગની
હાઇકોર્ટે આજે ફરી એકવાર રેલ્વે ઓથોરીટી અને ફોરેસ્ટ વિભાગના સત્તાવાળાઓને આકરા શબ્દોમાં ઝાટકયા હતા અને તેમને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, સિંહો સહિત વન્ય પ્રાણીઓના રક્ષણની જવાબદારી તેમની છે. રાજ્ય સરકાર કે રેલ્વે વિભાગ પોતાની આ જવાબદારીમાં છટકી શકે નહી. કોઇપણ બહારના તત્વો કે પરિબળોથી સિંહો કે કોઇપણ વન્ય જીવનું મોત થાય તો સત્તાવાળાઓની જવાબદેહી બને છે. આ સાથે હાઇકોર્ટે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને ડિવીઝનલ રેલ્વે મેનેજરને સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો.
હાઇકોર્ટે ઇન્ક્વાયરી બાબતે ઉઠાવ્યા સવાલ
હાઇકોર્ટે રેલ્વે ઓથોરીટી અને ફોરેસ્ટ વિભાગ(સરકારના સત્તાવાળાઓ)ને ગંભીર ટકોર કરી હતી કે, સિંહો એ રાજ્યના સંતાનો છે, તે જંગલની બહાર જાય અને અકસ્માત થાય તો શું તમે તપાસ ના કરો..? સિંહોના મોત મામલે થયેલી જાહેરહિતની રિટ અરજીમાં ગીર ક્ષેત્રમાં વિવાદીત અકસ્માત સંદર્ભે રેલ્વે ઓથોરીટી કે સરકારના સત્તાવાળાઓ તરફથી કોઇ ઇન્કવાયરી રિપોર્ટ કે અહેવાલ રજૂ નહી થતાં હાઇકોર્ટે તેને લઇને પણ ગંભીર સવાલ ઉઠાવ્યા હતા કે, તમારા સોગંદનામાંમાં સિંહોના મોત મામલે તમે શું ઇન્કવાયરી કરી અને તેનો રિપોર્ટ કે તેને લગતી કોઇ વિગતો જ નથી. રેલ્વે ઓથોરીટી અને રાજ્ય સરકાર તરફથી આજે રજૂ કરાયેલા સોંગદનામાંમાં ઘણી વિગતોનો અભાવ હોવાથી કોર્ટે તેને લઇને પણ ટીકા કરી હતી.
હાઇકોર્ટે રેલ્વે ઓથોરીટીને કરી માર્મિક ટકોર
હાઇકોર્ટે સરકારપક્ષ અને રેલ્વે ઓથોરીટીને માર્મિક ટકોર કરતાં જણાવ્યું કે, શું હાઇકોર્ટે જ તમને નાની નાની બાબતોમાં દરેક વાતમાં કહેવાનું હોય કે, તમે આમ કરો, તમે તેમ કરો...તમને જાતે વધારાની વિગતો કે માહિતી રજૂ કરવાની કેમ ખબર પડતી નથી. શું અદાલતે તમને આવું કહેવુ પડે...અદાલત સમક્ષ તમામ વિગતો રજૂ કરવાની શું તમારી ફરજ અને જવાબદારી નથી. આ વર્ષે સિંહો સાથે થયેલા બે અકસ્માતમાં તમે કોઇ તપાસ કરી..? અને અકસ્માત નિવારવા માટેના શું પગલાં લીધા..? તમારી પર અદાલતની તલવાર લટકતી રહે તો જ શું તમે કામ કરશો..? ત્યાં સુધી નહી..
રેલ્વે લાઇનને બ્રોડગેજ કરવાનું રેલ્વે ઓથોરીટીનું આયોજન
દરમ્યાન કોર્ટ સહાયક હેમાંગ શાહે જણાવ્યું હતું કે, અમરેલીથી ખીજડીયા વચ્ચેની રેલ્વે લાઇનને બ્રોડગેજ કરવાનું રેલ્વે ઓથોરીટી આયોજન કરી રહ્યું છે, તે વાસ્તવમાં કરી શકાય તેમ જ નથી. કારણ કે, તેનાથી ગીર અભયારણ્ય ક્ષેત્રમાંથી આ લાઇન પસાર થતી હોવાથી મેઇન લાઇન કોરીડોર થાય છે. તેથી હાઇકોર્ટે અમરેલી-ખીજડીયા બ્રોડગેજ પ્રોજેકટને લઇને પણ રેલ્વે ઓથોરીટી અને સરકારને સવાલ કર્યા હતા. જેથી રેલ્વે ઓથોરીટીએ બચાવ કર્યો કે, આ રેલ્વે લાઇન પર પણ ટ્રેનની સ્પીડ મહત્ત્મ 40 થી 50 કિમી પ્રતિ કલાકની હશે, તેથી હાઇકોર્ટે સીધો સવાલ કર્યો હતો કે, તેનાથી સિંહોના અકસ્માત નહી થાય તેની શું ગેરેંટી..? રેલ્વેને હાઇકોર્ટ તરફથી આ લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવાની મંજૂરી મળશે નહી આ રૂટ પર કેટલા મુસાફરોની અવરજવર છે અને સાથે બે સિંહોના મૃત્યુ અંગેનો ઇન્કવાયરી રિપોર્ટ રજૂ કરવા પણ હાઇકોર્ટે હુકમ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી 23મી એપ્રિલના રોજ રાખી હતી.
સિંહોના મોત અટકાવવા રેલવે ઓથોરિટી દ્વારા એસઓપી જારી
દરમ્યાન રેલ્વે ઓથોરીટી અને સરકાર તરફથી રજૂ કરાયેલા સોંગદનામાંમાં જણાવાયું હતું કે, ગીર અભયારણ્ય ક્ષેત્રમાં ટ્રેન નીચે આવી જવાથી સિંહોના મોતના અકસ્માત અને સિંહોના આકસ્મિક બનાવોને અટકાવવા માટે રેલ્વે સત્તાવાળાઓ, ફોરેસ્ટ વિભાગ સહિતના સંબંધિત સત્તાવાળાઓની બેઠક યોજાઇ હતી, જેમાં આ મુદ્દાને લઇ એસઓપી તૈયાર કરવામાં આવી છે તેની સમગ્ર જંગલ વિસ્તારમાં ચુસ્તપણે અમલવારી કરાવાશે.
હવેથી જંગલ વિસ્તારમાં રાત્રે એક પણ ટ્રેન નહીં ચાલે
જે મુજબ, સૌથી મહત્ત્વની વાત કે, હવેથી જંગલ વિસ્તારમાં રાત્રિના સમયે એક પણ ટ્રેન નહી ચાલે. વળી, જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનની ઝડપી 30 કિમી પ્રતિ કલાકથી વધુ નહી રાખી શકાય. એ જ પ્રકારે જંગલ વિસ્તારની બહારથી પસાર થતી ટ્રેનની ગતિ મર્યાદા પણ 40 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. રેલ્વે અને વન વિભાગ દ્વારા સિંહોને ટ્રેક કરતા ટ્રેકર્સ રખાયા છે. તો સિંહોની રેલ્વે ટ્રેક પર મુવમેન્ટ અટકાવવા સોલાર લાઇટ લગાવાઇ છે. આમ, સિંહોના મોત અને અક્સ્માતની ઘટનાઓ રોકવા આ સિવાયની અન્ય બાબતો અને નિર્દેશો પણ લાગુ કરવામાં આવ્યા છે.