Get The App

14 વર્ષીય સગીરાને 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટની આખરે મંજૂરી

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
Gujarat HC


Gujarat HC Minor Abortion: મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી અમેન્ડમેન્ટ બિલની જોગવાઈ હેઠળ સામાન્ય સંજોગોમાં 24 સપ્તાહ સુધીના ગર્ભના ગર્ભપાતની મંજૂરી હોય છે પરંતુ વલસાડની એક 14 વર્ષીય સગીરા કે જે ખુદ તેના પાડોશી દ્વારા જ દુષ્કર્મનો ભોગ બની હતી અને 26 સપ્તાહથી વધુનો ગર્ભ ધરાવી રહી હતી, તેને ગર્ભપાત કરાવવા ગુજરાત હાઇકોર્ટે એક અગત્યના હુકમ મારફતે મંજૂરી આપી હતી. 

હાઇકોર્ટે નિષ્ણાત તબીબની ટીમ દ્વારા ગર્ભપાત કરવાનો નિર્દેશ 

જસ્ટિસ જે.સી.દોશીએ મેડિકલ બોર્ડના રિપોર્ટને ધ્યાનમાં લઇ સગીરાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપતો હુકમ કર્યો હતો. હાઇકોર્ટે વલસાડની સિવિલ હોસ્પિટલના ત્રણ સિનિયર મોસ્ટ ગાયનેકોલોજીસ્ટ, સાયકોલોજીસ્ટ સહિતના નિષ્ણાત તબીબની ટીમ દ્વારા ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવા માટે નિર્દેશ કર્યો હતો. 

14 વર્ષીય સગીરાને ગર્ભપાત કરાવવા મંજૂરી 

વલસાડની 14 વર્ષીય સગીરા તરફથી કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ પૂનમ એમ. મહેતાએ હાઈકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, 14 વર્ષીય સગીરાને ખુદ તેના પાડોશી આરોપીએ જ તેની કુમળી વય અને માનસિકતાનો ગેરલાભ ઉઠાવી તેને દુષ્કર્મનો ભોગ બનાવી હતી, જેના કારણે તે ગર્ભવતી બની હતી. 

પીડિતા અને તેના પરિવારના સંજોગોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે લીધો નિર્ણય

જો કે, પીડિતાની માનસિક, સામાજિક અને શારીરિક સ્થિતિ અને સંજોગોને જોતાં તેણી બાળકને જન્મ આપવા ઇચ્છતી નથી અને ગર્ભપાત કરાવવા માંગે છે. પીડિતા એક પછાત વિસ્તારમાંથી આવે છે અને તેને પ્રેગનન્સી કે તેના એડવાન્સ સ્ટેજ વિશે કંઈ ખબર પણ નથી. 

આ પણ વાંચો: અમદાવાદમાં 1147 મસ્જિદ અને દરગાહ, 85% વક્ફ સંપત્તિઓમાં કોઇ મેનેજમેન્ટ જ નથી!

હાઈકોર્ટે પીડિતાની મેડિકલ તપાસનો વિગતવાર રિપોર્ટ મેડિકલ બોર્ડ પાસેથી મંગાવ્યો હતો. જેમાં પીડિતાની ગર્ભપાત માટે શારીરિક અને માનસિક રીતે સજ્જ હોવાની વાત સામે આવી હતી. જો તે બાળકને જન્મ આપે તો તેમાં ઘણા જોખમ અને દહેશત હોવાનો અભિપ્રાય પણ વ્યક્ત કરાયો હતો. 

પીડિતા અને તેના પરિવારની મનોદશા, માનસિક આઘાત અને સંજોગો ધ્યાનમાં લઈ આખરે 14 વર્ષીય સગીર પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી હતી. હાઈકોર્ટે પીડિતાની ગર્ભપાત પહેલા અને પછી સારવારમાં કાળજી અને ધ્યાન રાખવા હોસ્પિટલ સત્તાવાળાઓને નિર્દેશ કર્યો હતો.

14 વર્ષીય સગીરાને 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટની આખરે મંજૂરી 2 - image

Tags :