ચૂંટણી ટાણે જ હાઈકોર્ટના ચુકાદાથી ભાજપ ધારાસભ્ય હકુભાની ઊંઘ ઉડી ગઈ, ટિકિટમાં પત્તુ કપાય તેવી શક્યતા
અમદાવાદ,તા. 9 નવેમ્બર 2022, બુધવાર
વર્ષ 2007માં દેવભૂમિ દ્વારકામાં મારામારી તોડફોડ અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારના મંત્રી અને વર્તમાન MLA હકુભા જાડેજાને કોઈ રાહત આપી નથી.
આ કેસમાં ક્રિમિનલ કાર્યવાહી પડતી મુકવાની માંગ કરતી ખંભાળિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. સરકાર વતી પ્રોસિક્યુશન પડતું મૂકવાની માંગણી હાઇકોર્ટે ફગાવી છે.
કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં કાર્યવાહી પડતી મૂકવાના એવા કોઈ ખાસ સંજોગો દેખાતા નથી અને આ કેસને એક નોર્મલ કેસ તરીકે જ લેવામાં આવશે. જેના પગલે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે હકુભા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
શું હતો કેસ?
વર્ષ 2007માં દેવભૂમિ દ્વારકામાં મારામારી તોડફોડ અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના કેસમાં દાખલ થયેલ એફઆઇઆર બાદ ક્રિમિનલ કાર્યવાહી શરૂ કરાઈ હતી. આ કેસમાં સરકાર વતી પ્રોસિક્યુશન પડતું મૂકવાની માંગણી કરાઈ હતી જેને હાઇકોર્ટે ફગાવી છે.
હાલ દિલ્હીમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસ સ્થાને બીજેપીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજેપીના ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ તરફથી ગમે ત્યારે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી શકે છે, એવામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે કારણકે હાઈકોર્ટનો આ ચુકાદો તેમની ટિકિટ પર કાતર ફેરવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2019માં હકુભા જાડેજા કોંગ્રેસ છોડીને ભાજપમાં શામેલ થયા હતા.