રખડતાં ઢોરની દ્વિધા: હાઇકોર્ટ લાલઘૂમ અને ઢોર માટે માલધારી સમાજ નારાજ
ગુજરાત, તા.06 સપ્ટેમ્બર, 2022 મંગળવાર
ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો મુદ્દો દિવસેને દિવસે ખૂબ ગરમાઈ રહ્યો છે. હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકારે રખડતા ઢોરને પકડવા કડક કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, આ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ઢોરને પકડવા ગયેલી ટીમ પર હુમલા કરવામાં આવ્યા હતા. હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે કહ્યું કે, ઢોર પકડવા જતી ટીમ પર હુમલો કરનાર સામે પાસા હેઠળ કાર્યવાહી કરો.
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રસ્તા પર રખડતા ઢોરની ત્રાસની સ્થિતિ યથાવત્ રહેતાં ગુજરાત હાઈકોર્ટે આજે ફરી એકવાર રાજય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ તંત્ર સહિતના સત્તાવાળાઓને જોરદાર ફટકાર લગાવી હતી અને મહત્વના નિર્દેશો જારી કર્યા હતા. અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરફથી રજૂ કરાયેલા મહત્વના સોગંદનામામાં જણાવાયુ હતું કે, હવેથી ઢોર પાર્ટી પર હુમલો કરનાર તત્વો વિરૂધ્ધ સીધી પાસા હેઠળ કાર્યવાહી કરાશે અને સાથે સાથે આઇપીસીની કલમ-338,332,188 અને 189 હેઠળ પણ કાર્યવાહી થશે. હાઇકોર્ટે આ સોગંદનામાને રેકર્ડ પર લઇ રાજયના પોલીસ વડાને બહુ મહત્વનો નિર્દેશ કરતાં જણાવ્યું હતું કે, રખડતા ઢોરના ત્રાસના નિવારણના ભાગરૂપે ઢોર પાર્ટી પર હુમલો કરનાર તત્વો વિરૂધ્ધ પાસા સહિતની કાર્યવાહી કરવા સહિતના નિર્દેશો જારી કરો. આ માટે તમામ જિલ્લા પોલીસ વડા સહિતના સંબંધિત ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી કાર્યવાહી કરો.
હાઈકોર્ટે સરકારને રખડતા ઢોર માટે સખત પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે તો બીજી તરફ ચૂંટણી પહેલા માલધારી સમાજ આ મામલે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યો છે. આ માટે તા. 08-09-2022 ગુરૂવારના રોજ માલધારી સમાજની પંચાયત મળશે.
ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, છેલ્લા ઘણા મહિનાથી માલધારી પંચાયત ગુજરાત સરકાર સામે ગાયો અને ગોવાળનાં કાળા કાયદા સામે તેમજ વિવિધ પ્રશ્નો અંગે લડત ચલાવી રહ્યા છે છતાંય ગુજરાત સરકારનું પેટનું પાણી પણ નથી હાલતું. હવે માલધારી સમાજ લડી લેવાના મૂડમાં છે આગામી ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે તેની સામે રણનીતિ નક્કી કરવા એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુ વાંચો: ઢોર પાર્ટી પર હુમલો કરનારને જોખમી તત્વો ગણી પાસા કરો : ગુજરાત હાઇકોર્ટ
આ મીટિંગમાં માલધારી સમાજના સંતો, મહંતો, ભુવાજીઓ, રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો, સામાજીક સંગઠનો તેમજ માલધારી સમાજના ભાઈઓ બહેનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આમ, ઢોર અંકુશ નિયંત્રણ કાયદો રદ થાય તેમજ ગાયો અને ગોવાળોની સમસ્યા અંગે માલધારી સમાજ ગુજરાત વિધાનસભા સત્રમાં ગાંધીનગરના ગાદીવાળાઓને હચમચાવી મુકશે.