સરકાર જૂના વાહનો સચિવાલયમાં પાર્ક કરીને ભૂલી ગઈ, સચિવાલય પાર્કિગમાં જૂની સરકારી ગાડીઓનો જમાવડો
Gujarat News: ગાંધીનગર નવા સચિવાલય ખાતે આવેલા પાર્કિંગમાં સરકારી વાહનો પાર્ક કરી દેવામાં આવ્યા છે. આ એવા વાહનો છે જે ઘણાં સમયથી ઉપયોગમાં લેવામાં ન આવતાં તેનો નિકાલ કર્યાં વિના પાર્ક કરી દેવાયા છે. આ તમામ વાહન હાલ સચિવાલયમાં ધૂળ ખાઈ રહ્યા છે.
ગાંધીનગર સચિવાલયમાં 4 મુખ્ય પાર્કિંગ આવેલા છે. આ પાર્કિંગમાંથી એક પાર્કિંગ ખાસ ધારાસભ્યો માટે છે અને અન્ય પાર્કિંગમાં સચિવાલય સ્ટાફ, અધિકારીઓ, મંત્રીઓ તેમજ મુલાકાતીઓ પોતાના વાહનો પાર્ક કરે છે. આ વાહન પાર્કિંગમાં જે સરકારી વાહનનો હવે ઉપયોગ નથી કરાતો તેને પણ પાર્ક કરી દેવાયા છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં પતંગ લૂંટવા મુદ્દે ધીંગાણું, એકબીજા પર ડંડા લઈને તૂટી પડ્યા
સચિવોની શાન ગણાતી કાર પાર્કિંગમાં ધૂળ ખાઈ રહી છે
એક સમયે સચિવાલયના કમ્પાઉન્ડમાં જે વાહનો થકી અવર-જવર રહેતી તે હાલ ધૂળ ખાવા છોડી દેવાયા છે. જેમાં ટોયોટા, સુઝુકી અને મહિન્દ્રા કંપનીની એક સમયની આલીશાન ગાડીઓ છે. એક સમયે સચિવોની શાન ગણાતી કાર હવે ભૂતિયા રંગમાં ઝાંખી થઈ ગઈ છે. જેમાં હવે માત્ર કાટ અને ધૂળ જ દેખાય છે. પરંતુ આવા વાહનો જ્યારે લાંબા સમય સુધી પડી રહે છે, ત્યારે તેને વાહનમાં ધૂળ, કાટ, જામ અને કલર ઉખાડવા જેવી સમસ્યા થાય છે, જેથી વાહનની કિમંત પણ ઘટે છે. બીજી બાજુ વાહન જ્યાં પાર્ક કરી દેવામાં આવે છે તે પાર્કિંગની જગ્યા પણ રોકે છે અને અડચણ ઊભી કરે છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે OBC નેતાની વરણીની શક્યતા, જાણો કોણ-કોણ રેસમાં સામેલ
ખાસ જ્યારે કન્ડમ સરકારી વાહનનો નિકાલ કરવામાં આવે છે ત્યારે સરકારી વાહનની હરાજી ખાતાની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવે છે અને કન્ડમ સરકારી વાહનની હરાજી અંગેની શરતોનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જેમાં સરકારના ગૃહ વિભાગનો ઠરાવ, નાણાં વિભાગના આદેશ અને મિકેનિકલ ડિવિઝનનો રિપોર્ટ ધ્યાને લઈને કન્ડમ વાહનની અપસેટ કિંમત નક્કી કરવામાં આવે છે. આવા કિસ્સાઓમાં હરાજી બાદ વાહન લેનાર સ્વ ખર્ચે વાહનને લઈ જતો હોય છે.