Get The App

GIDCને જમીન ફાળવણીના નિયમમાં કરાયો ફેરફાર, કેટેગરી અનુસાર જંત્રી નક્કી કરાઈ, રાજ્ય સરકારનો નિર્ણય

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
GIDCને જમીન ફાળવણીના નિયમમાં કરાયો ફેરફાર, કેટેગરી અનુસાર જંત્રી નક્કી કરાઈ, રાજ્ય સરકારનો નિર્ણય 1 - image


GIDC News: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યમંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા, જે વિશે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી. ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સહિતના તમામ ઉદ્યોગોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયા છે. જેમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમને ઔદ્યોગિક વસાહત માટે જમીન ફાળવણી કરવાની નીતિમાં જરૂરી સુધારો કરી GIDCમાં ઉદ્યોગોને જમીન ફાળવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. 

જમીન ફાળવણીની પ્રક્રિયામાં બદલાવ

આ વિશે વધુ માહિતી આપતાં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, રાજ્યની ઔદ્યોગિક વસાહતો માટે સરકારી પડતર જમીન GIDCને તબદીલ કરવામાં આવે છે. જે જમીન GIDC દ્વારા ઉદ્યોગોને ફાળવવામાં આવે છે. હાલની પદ્ધતિ મુજબ, જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની કમિટી સરકારી જમીનના ભાવ નક્કી કરે છે, ત્યારબાદ નક્કી કરાયેલા ભાવમાં પડતર જમીન GIDCને ફાળવવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ ઘણાં કિસ્સામાં જમીનના ભાવ હયાત ભાવ કરતાં વધારે હોવાનું ધ્યાને આવ્યું હતું. તેથી, આવી તમામ સમસ્યાઓના નિકાલ માટે ગુજરાત સરકારે જમીન ફાળવણીની પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કાંકરિયાની 'રોનક' પાછી ફરી, અટલ એક્સપ્રેસ દોડતી થઇ, જાણો ટિકિટનો ભાવ

ત્રણ કેટેગરીમાં નક્કી કરાઈ જંત્રી

હવે ગુજરાત ઔદ્યોગિક નીતિ-2020 અંતર્ગત ઉદ્યોગ અને ખાણ વિભાગે કરેલા વર્ગીકરણ પ્રમાણે કુલ ૩3 કેટેગરીમાં GIDCને સરકારી પડતર જમીન ફાળવવામાં આવશે. જે મુજબ કેટેગરી-1માં સમાવિષ્ટ 119 તાલુકાની લઘુ વિકસિત GIDCને વર્તમાન ઔદ્યોગિક જંત્રીના દરે જ જમીન ફાળવવામાં આવશે. 

આ ઉપરાંત કેટેગરી-2માં સમાવિષ્ટ 76 તાલુકાની મધ્યમ વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના 125 ટકા દરે, જ્યારે કેટેગરી- 3માં સમાવિષ્ટ 56 તાલુકાની વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના 150 ટકા દરે જમીન ફાળવવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવાની ખાસ વ્યવસ્થા: આ શહેરોમાંથી દોડાવાશે વિશેષ ટ્રેન

મંત્રીના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયના પરિણામે ઔદ્યોગિક વસાહત માટે સરકારી પડતર જમીન ફાળવવા માટેની પ્રક્રિયા વધુ સરળ બનશે, સમયનો વ્યય અટકશે. તેમજ તમામ GIDC વચ્ચે જમીન ફાળવણી અને તેના વિકાસની સમાનતામાં પણ વધારો થશે. ખાસ કરીને MSME ઉદ્યોગકારોને અને રોકાણકારોને પણ આ નિર્ણયથી વધુ સુગમતા થશે. સરકારના આ નિર્ણયથી ઉદ્યોગકારોની રોકાણ કરવા માટેની દુવિધાઓ અને અનિશ્ચિતતાઓ પણ દૂર થશે. 


Google NewsGoogle News