Get The App

સરકારી શાળાના શિક્ષકો માટે વધુ એક મોટા સમાચાર, બદલીના નિયમો જાહેર કરાયા

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
સરકારી શાળાના શિક્ષકો માટે વધુ એક મોટા સમાચાર, બદલીના નિયમો જાહેર કરાયા 1 - image


Gujarat Govt Change Transfer Rule: રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ વિશે માહિતી આપવામાં આવી છે. 

શિક્ષણ મંત્રીએ જાહેર કર્યાં નવા નિયમ

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછી 2 વર્ષની સેવા પૂરી થઈ હોય તેઓએ જિલ્લા બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકે પોતાની મૂળ નિમણૂકના જિલ્લા કચેરી મારફતે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ક્યારે મળશે ન્યાય? નીતિન પટેલ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા; ડાયરેક્ટર-ચેરમેન અને તબીબો ભૂગર્ભમાં

શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોએ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ શાળાના આચાર્ય દ્વારા પ્રમાણિત કરેલી અરજીને કમિશનરની શાળાઓની કચેરીએ મોકલવાની રહેશે. નિયત સમય મર્યાદામાં અરજીઓ મળ્યા બાદ કમિશનર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની વિભાગ અને વિષયવાર કામચલાઉ યાદી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરની મંજૂરી મળ્યા બાદ છેલ્લી ઓનલાઈન યાદી જાહેર કરવામાં આવશે, જેમાં ફેર-બદલીના હુકમો પણ ઓનલાઈન જ કરવામાં આવશે. 

કેમ્પમાં બદલી હુકમ થતાં જ જે-તે શાળાના આચાર્ય અને શિક્ષણ અધિકારીએ શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકને છૂટા કરી તે અંગેના હુકમો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.


મેરિટ આધારે લેવાશે નિર્ણય

નોંધનીય છે કે, આ જિલ્લા ફેર-બદલી અંગેની અરજીઓ માટે મેરિટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. આ મેરિટ પદ્ધતિ મુજબ જે-તે શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકને તેમની સેવાના સમયગાળા માટે વધુમાં વધુ 30 પોઇન્ટ્સ, ખાસ કેટેગરી જેવી કે, દિવ્યાંગ/ વિધવા/ ત્યક્તા/ વિધુર માટે 8 પોઇન્ટ્સ, સચિવાલયના બિન-બદલીપાત્ર કર્મચારીઓને પતિ-પત્નીને સરકારી નોકરીની કેટેગરી માટે પણ 10 પોઇન્ટ્સની જોગવાઇ કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ પી.વી. મૂરજાણી આપઘાત કેસમાં તેમની માનેલી પુત્રી અને તેની માતા ભાવનગર રાજકોટ હાઇવે પરથી પકડાયા

વધુમાં, છેલ્લા ત્રણ વર્ષમાં જે તે શિક્ષકે તેમના સંબંધિત વિષયમાં ધોરણ 10 અને 12માં છેલ્લા ત્રણ વર્ષમાં મેળવેલ સરેરાશ પરિણામ તથા વિધાર્થીની સંખ્યાને ધ્યાને લઇ વધુમાં વધુ 10 પોઇન્ટ્સની જોગવાઈ કરવામાં આવી છે.

દિવ્યાંગ શિક્ષકો માટે કે જેઓ 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય, તેઓએ તબીબી પંચનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. દંપતી કેસમાં પતિ-પત્ની જિલ્લા ફેર-બદલી માટે પતિ-પત્નીની નોકરીના કિસ્સમાં શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને પતિ/પત્ની રાજ્ય સેવા/પંચાયત સેવા કે રાજ્યના કોઇ જાહેર સાહસો/ બોર્ડ/ કોર્પોરેશન(નિગમ)/ અનુદાનિત સંસ્થાઓમાં નિયમિત ભરતી પ્રક્રિયા દ્વારા ફિક્સ પગાર કે નિયમિત નિમણૂંકથી નોકરી કરતાં હોય તેને લાગુ પડે છે.

આ દંપતીના કિસ્સામાં 1 માસના કરાર કે આઉટ સોર્સિંગથી નોકરી કરતાં કર્મચારીઓને લાભ નહીં મળે. વિધવા/વિધુર કિસ્સામાં તેઓએ વિધવા/વિધુર હોવા અંગેનું તથા પુનઃલગ્ન ન  કર્યાં હોવાનું  સ્વ-ઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે. આ જિલ્લા ફેરબદલીનો લાભ શિક્ષણ સહાયક/ મદદનીશ શિક્ષકને ફક્ત બે વાર મળી શકશે. શિક્ષકોને પ્રતિ-નિયુક્તિથી અન્ય જગ્યાએ સેવા બજાવવા માટે હુકમ કરવાની સત્તા સરકારની રહેશે.


Google NewsGoogle News