ધોરણ-10નાં નિયમિત વિદ્યાર્થીઓનાં હિતમાં રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત
ગાંધીનગર, 13 મે 2021 ગુરૂવાર
ધોરણ 10નાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ કોરોના રોગચાળાનાં કારણે પરીક્ષા યોજાશે કે નહીં તે અંગે સતત ચિતિંત રહેતા હતા, હવે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લઇને તેમની ચિંતાનું નિવારણ કરી દીધું છે, રૂપાણી સરકારે ધોરણ-10 SSCનાં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓનાં હિતને ધ્યાનમાં રાખીને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાનના નેતૃત્વમાં યોજાયેલી કોર કમિટિમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યનાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 શાળાઓ મળી કુલ 10,977 શાળાઓમાં ધોરણ-10 નાં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે.
રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ જે તા. 10 મી મે થી 25 મી મે સુધી યોજાવાની હતી તે કોરોના સંક્રમણની પરિસ્થિતીમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગત તા.15મી એપ્રિલે કર્યો હતો, જ્યારે ધો.12ની પરીક્ષા માટે 15 મી મે એ નિર્ણય લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે આ પુર્વે રાજ્ય સરકારે ધોરણ 1 થી 9 અને ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોના ફેલાતાનાં સંક્રમણની ચિંતાજનક પરિસ્થિતીને જોતા માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી.
જો કે ધોરણ-10 (SSC)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ નહીં મળે, તેમની પરીક્ષા અંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાનાં કેસોમાં ઘટાડો થયા બાદ તે સમયની પરિસ્થિતી અંગેની સમીક્ષા કરીને યોજવામાં આવશે.