બજેટ: જૂના વાહનોને ભંગાર કરવાને લઈને ગુજરાત સરકારની મોટી જાહેરાત
આ નિર્ણયથી 52 હજાર વાહનમાલિકોને 700 કરોડની રાહત થશે
Gujarat Budget 2024: ગુજરાત રાજ્યનું બજેટ આજે નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું હતું. આ વખતનું બજેટ ગુજરાતનું સૌથી મોટું બજેટ હતું. જેમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી હતી. ત્યારે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવવાના ઉદ્દેશથી વ્હિકલ સ્ક્રેપિંગ નીતિની દેશવ્યાપી જાહેરાત કરવામાં આવી હતી.
સ્ક્રેપિંગ નીતિનો મુખ્ય હેતુ વાહન પ્રદૂષણના કારણે પર્યાવરણને થતી હાનિ અટકાવી, વાહનોની ખામીના કારણે થતા માર્ગ અકસ્માતમાં ઘટાડો કરી લોકોને વધુ Fuel Efficient અને પર્યાવરણની દૃષ્ટિએ લાભદાયી વાહનો ખરીદવા પ્રેરિત કરવાનો છે. આ હેતુસર રીકરીંગ વેરો ચૂકવતા વાહન માલિકો પોતાના 8 વર્ષથી જૂના વાહનો જો નોંધાયેલા વ્હિકલ સ્ક્રેપર્સ મારફતે સ્ક્રેપ થવા મોકલશે તો તેવા તમામ વાહનો પર બાકી મોટર વાહન વેરો, વ્યાજ, દંડ અને મોટર વ્હિકલ એક્ટ હેઠળના કોઇ ચલણ પડતર હોય તો તેની વસૂલવાપાત્ર માંડવાળ ફી સહિત તમામ જવાબદારી માફ કરવા એક વર્ષ માટે માફી યોજના લાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
વાહન માલિકોને રાહત થશે
આ નિર્ણય થકી અંદાજે 52000 વાહન માલિકોને રૂપિયા 700 કરોડની રાહત થશે. તેઓ પણ આ વાહનને સ્ક્રેપ કરાવી તેની સામે અદ્યતન ટેકનૉલૉજીવાળા નવા વાહનો ખરીદવા પ્રેરિત થશે. જેના કારણે સરકારની કર આવકમાં પણ વધારો થશે.