દિવાળી પહેલા રાજ્ય સરકારની સૌથી મોટી જાહેરાત, પ્રાથમિક શાળામાં 13,800 વિદ્યા સહાયકોની ભરતી કરાશે
Gujarat Government Announcement : દિવાળી ટાણે રાજ્ય સરકારે રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકોની ભરતી અંગે મોટી જાહેરાત કરી છે. સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અંદાજે 13,800 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત પહેલી નવેમ્બર, 2024 ના રોજ કરાશે તેમ જણાવાયું છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ પણ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. સરકારના આ નિર્ણયથી હાલ ભરતીને સમાંતર કોન્ટ્રાક્ટ પર કામ કરતા શિક્ષકોને મોટો લાભ થશે.
ગુજરાત સરકારે સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને દિવાળીની ઉજવણી વચ્ચે મોટી ભેટ આપી છે. સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં અંદાજે 13,800 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરાઇ છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી આ અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સરકારની દિવાળી ભેટ, સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો માટે પહેલી નવેમ્બરે પ્રાથમિક શાળાઓમાં અંદાજે 13,800 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરાશે.
આ પણ વાંચોઃ CCE પરીક્ષા આપનાર તમામ ઉમેદવારને થઈ શકે ફાયદો, ગ્રુપ Aના પરીક્ષા કાર્યક્રમની થઈ જાહેરાત
શિક્ષકોની જિલ્લા ફેર બદલી કરાશે
પ્રફુલ પાનસેરિયાએ વધુમાં લખ્યું કે, આ ભરતીની સમાંતર હાલ કામ કરતા શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનું આયોજન હાથ ધરાશે. સરકારની આ જાહેરાત બાદ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. સરકારની જાહેરાત બાદ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ પણ ટ્વિટ કરી શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.