પાટીદાર આંદોલન સમયના 9 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારની સત્તાવાર જાહેરાત
Harsh Sanghavi: ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનના પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતા. આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથરિયા, રેશ્મા પટેલ જેવા મોટા નેતાઓ પણ ઉભરી આવ્યા હતા. જો કે, આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ, આંદોલનના 10 વર્ષ સુધી ગુના પાછા ખેંચાયા ન હતા. જો કે, હવે 10 વર્ષ બાદ આ કેસ પરત ખેંચવામાં આવ્યા છે જેની પુષ્ટિ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.
હર્ષ સંઘવીએ કરી પુષ્ટી
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 'ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના યુવાનો જે પાટીદાર સમાજના આંદોલન વખતે સામેલ હતા અને એ દરમિયાન જે અમુક ઘટના બની હતી અને એ ઘટનામાં જે કેસ ચાલુ હતા અને જેની તપાસ અને ચાર્જશીટ પૂરી થઈ ગઈ છે, તેવા 9 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે'.
સમગ્ર મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, 'વખતો વખત કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. હવે લગભગ 4 જેટલા જ કેસ બાકી છે. દરેક કેસ ન્યાયિક પ્રક્રિયા હેઠળ પાછા ખેંચવામાં આવ્યા છે. જેમાં કેટલી કલમો લાગી છે? કેટલાં કેસ પરત ખેંચાઈ શકે તેવા છે તેની સમીક્ષા કર્યાં બાદ નિર્ણય લેવાયો છે. આ પ્રક્રિયામાં સમય લાગ્યો છે. પરંતુ, યોગ્ય રીતે અને ન્યાયિક રીતે પરત ખેંચવા જેવા કેસને પરત ખેંચવામાં આવ્યા છે. પાટીદાર આંદોલન વખતે જે પણ ભાગદોડ કે અમુક ઘટના બની હતી તે કોઈ ખાસ હેતુ માટે નહતી થઈ. આ ઘટના લાગણીમાં આવીને બની હતી. જ્યારે સમગ્ર ઘટનાની સમીક્ષા કરવામાં આવી તો જાણ થઈ કે, જે લોકો આમાં સામેલ નહતા તેવા અમુક લોકોના નામ પણ આવી ગયા છે. તેથી નિર્દોષને સજા ન થાય તેનું ધ્યાન રાખી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 360 હેઠળ આ કેસ પરત ખેંચવામાં આવ્યા છે'.
હાર્દિક પટેલે માન્યો આભાર
હાર્દિક પટેલે સોશિયલ મીડિયા X પર લખ્યું કે, 'ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના અનેક યુવાઓ પર લાગેલા ગંભીર રાજદ્રોહ સહિતના કેસ આજે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે. હું સમાજની તરફથી ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરું છું'.
આ પણ વાંચોઃ પાલનપુરમાં દબાણો પર ચાલ્યું બુલડોઝર, શહેર અને હાઈવે પરના એક હજાર જેટલા દબાણો હટાવાયા
વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે, 'પાટીદાર આંદોલનથી ગુજરાતમાં બિનઅનામત વર્ગો માટે આયોગ-નિગમ બનાવવામાં આવ્યું, 1000 કરોડના યુવા સ્વાવલંબનની યોજના લાગુ થઈ અને દેશમાં આર્થિક વર્ગીકરણને આધારે સ્વર્ણોને 10% આરક્ષણનો લાભ મળ્યો છે.