અંધશ્રદ્ધા, કાળા જાદુ કરતા પાખંડીઓ સામે ગુજરાત સરકારની લાલ આંખ, ચોમાસુ સત્રમાં લાવશે વિધેયક
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના 21મી ઓગસ્ટથી શરૂ થતાં ત્રણ દિવસના ચોમાસુ સત્રમાં સરકારે ચાર વિધેય લાવવાનું નક્કી કર્યું છે. જેમાંથી એક વિધેયક અંધશ્રદ્ધા અને કાળા જાદુ વિરોધી પગલાં સૂચવતું છે અને બીજું દારૂ કે કેફી પદાર્થોમાં જપ્ત કરાયેલા વાહનોનો તત્કાલ નિકાલ કરવાનું છે. આ ઉપરાંત બીજા બે વિધેયક કેન્દ્રીય કાયદા સુધારાને આનુષાંગિક છે.
ગુજરાતમાં અજ્ઞાનતાના કારણે ઘણી જગ્યાએ અનિષ્ટ અને દુષ્ટ પ્રથા ચાલતી આવે છે. જેમાં માનવ બલિદાન, વાળથી બાંધી લટકાવવાના બનાવો, મરચાંનો ધુમાડો કરવાની કે ભૂત અને ડાકણ કાઢી આપવાના કૃત્યો, અધોરી પ્રથા અને કાળા જાદુના પ્રયોગ થતાં હોય છે. કોઈ વ્યક્તિ કહેવાતા ચમત્કારો હેઠળ નાણાંનું ઉપાર્જન કરી લોકોને ત્રાસ આપે છે. અલૌકિક શક્તિના આશીર્વાદ મેળવવાના હેતું માટે કોઈની જિંદગી જોખમમાં મૂકે છે. વશીકરણ કરે છે અથવા તો જાદુનો વ્યવસાય કરે છે. આ તમામ પ્રવૃત્તિ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: 'ગરીબી હટાવો'નો નારો માત્ર ભાષણ પૂરતો: 'સમૃદ્ધ' ગુજરાતમાં 1.02 કરોડ લોકો ગરીબ, આંકડા ચોંકાવનારા
આવી પ્રથાઓ અને તેના પ્રસાર પર રોક લગાવવા ઉપરાંત તેનું નિર્મૂલન કરવા વિશેષ અને કડક કાયદો બનાવવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના આદેશને ધ્યાને લઈને રાજ્ય સરકારે અંધશ્રદ્ધા અને કાળા જાદુ સામે વિશેષ કાયદો લાવવાની તૈયારી કરી છે. આ વિધેયકમાં 14 એવા મુદ્દાને આવરી લેવાયા છે કે જે અંધશ્રદ્ધા ફેલાવે છે. આ કેસોમાં ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી જવાબદારો સામે અદાલતી કાર્યવાહી સુધીના પગલાં લઈ શકશે.