રખડતા ઢોર અને ખરાબ રોડ-રસ્તા મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યો 5979 પાનાનો રિપોર્ટ
આજે હાઈકોર્ટમાં 8 મહાનગર પાલિકા અને 156 નગર પાલિકાઓનો રિપોર્ટ રજૂ કરાયો
27 ઓગસ્ટથી 5 નવેમ્બર સુધી કરાયેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કરાયો
Gujarat Government Report in High Court : હાઇકોર્ટે ગત સુનાવણીમાં રાજય સરકાર, AMC સહિતના સત્તાવાળાઓને ભોર ઠપકો આપતા 10 દિવસનો સમય આપ્યો હતો તેમજ તેઓની પાસેથી નક્કર કામગીરી કરી આ સમસ્યાઓની સમગ્ર પરિસ્થિતિમાં સુધારો લાવવા કડક તાકીદ કરી હતી. ત્યારે છેલ્લા બે મહિના બિસ્માર રસ્તા,રખડતા ઢોર અને ગેરકાયદે પાર્કિંગ મામલે કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા 5979 પાનાનો રિપોર્ટ રજૂ કરાયો હતો.
આજે 8 મહાનગર પાલિકા સહિત કુલ 156 નગર પાલિકાઓનો કામગીરીનો રિપોર્ટ રજૂ કરાયો
આજે હાઈકોર્ટમાં રાજ્યભરની 8 મહાનગર પાલિકા સહિત કુલ 156 નગર પાલિકાઓમાં 27 ઓગસ્ટથી 5 નવેમ્બર સુધી કરાયેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કરાયો હતો. રાજ્ય સરકારે કરેલા સોગંદનામાં પર નજર કરીએ તો સરકાર દ્વારા 5979 પાનાનો રિપોર્ટ રજૂ કરાયો હતો જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 1835 રખડતા ઢોર પકડ્યા અને 772 RFID લગાવી તેમજ 7 FIR નોંધી હતી. સુરત કોર્પોરેશનની વાત કરીએ તો 514 રખડતા ઢોર પકડ્યા હતા અને 373 RFID લગાવી અને 35 FIR નોંધી હતી.આ ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને 468 રખડતા ઢોર પકડ્યા હતા અને 369 RFID લગાવી જ્યારે કોઈ FIR નોંધી નથી. આ સિવાય વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને 305 રખડતા ઢોર પકડ્યા અને 1211 RFID લગાવી જ્યારે 8 FIR નોંધી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને 179 રખડતા ઢોર પકડ્યા, 175 RFID લગાવી એકપણ FIR નોંધી નથી. આ ઉપરાંત ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશને 367 રખડતા ઢોર પકડ્યા હતા અને 82 RFID લગાવી જ્યારે એકપણ FIR નોંધી નથી.આ સિવાય જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને 430 રખડતા ઢોર પકડ્યા, 225 RFID લગાવી અને 72 FIR નોંધી છે જ્યારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને 216 રખડતા ઢોર પકડ્યા, 50થી વધુ RFID લગાવી, 16 FIR નોંધી છે તો આ સાથે કુલ 156 નગર પાલિકાઓમાં 4328 રખડતા ઢોર પકડવામાં આવ્યા તેમજ 424 RFID લગાવાઈ અને 15 FIR નોંધવામાં આવી છે.