ગૃહ ખાતામાં ધાંધિયા : પોલીસ સ્ટેશન CCTV સર્વેલન્સનું ટેન્ડર છેલ્લા 2 વર્ષથી લટકેલું, સરકાર દ્વારા કોઈ નિર્ણય નહીં

તમામ કંપનીઓએ એક જ પ્રોડક્ટના સ્પેસિફિકેશન ભર્યા, 250થી વધુ ફરિયાદો થઈ

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
ગૃહ ખાતામાં ધાંધિયા : પોલીસ સ્ટેશન CCTV સર્વેલન્સનું ટેન્ડર છેલ્લા 2 વર્ષથી લટકેલું, સરકાર દ્વારા કોઈ નિર્ણય નહીં 1 - image

ગાંધીનગર, તા.26 ઓક્ટોબર-2023, ગુરુવાર

સરકારના વિવિધ ડીપાર્ટમેન્ટમાં દરેક કામમાં ધાંધીયા થઈ રહ્યા છે. હોમ ખાતામાં છેલ્લા કેટલાક વર્ષથી જૂદા જૂદા ટેન્ડરો અટકી રહ્યાં છે. દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ગોઠવવા માટેનું ટેન્ડર પણ બે વર્ષથી અટકી પડ્યુ છે. સરકાર દ્વારા કોઈ નિર્ણય કરાતો નથી.

ભૂતકાળમાં કેટલાય પોલીસ સ્ટેશનોમાં આરોપીઓને ઢોર માર મારવાના કિસ્સા બહાર આવ્યા હતા. નિર્દોષ નાગરીકો પર ટોર્ચરીંગ કરાતું હતું. કેટલાય આરોપીઓના તો પોલીસ લોકઅપમાં જ મોત થયા હતા. જેથી લોકોએ પોલીસ સામે બળાપો કાઢી આક્ષેપો કર્યા હતા. જેને લઈને સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો હતો કે દરેક પોલીસ સ્ટેશનમાં, લોકઅપ રૂમમાં અને દરેક જગ્યાએ સીસીટીવીથી સર્વેલન્સ થવું જોઈએ. આદેશ મુજબ પોલીસ સ્ટેશનોમાં મુકાયેલા સીસીટીવીનુ રેકોર્ડીંગ 18 મહિના સુધી રાખવાનું ફરજીયાત છે. આ સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે ગાઈડલાઈન આપી હતી, જેનો અમલ અન્ય કેટલાય રાજ્યોમાં થઈ ગયો છે. 

ગુજરાતમાં બે વર્ષ પહેલા આનું ટેન્ડર બહાર પડાયુ હતું. જો કે, અજ્ઞાત કારણોસર માત્ર એક દિવસમાં જ તે ટેન્ડરને પાછું ખેંચાયુ હતુ. ત્યાર બાદ તેમાં અનેક સુધારા કરીને ફરીથી આ ટેન્ડર ફેબ્રુઆરીમાં બહાર પડાયું હતું. જે કેટલીક કંપનીઓએ ભર્યુ છે. આશ્ચર્યની વાત એ છે કે, ટેન્ડરની શરતો મુજબ ટેકનિકલ સ્પેશિફિકેશન એ પ્રકારના રખાયા છે કે, જેથી તમામ કંપનીઓએ ચોક્કસ એક જ કંપનીની પ્રોડક્ટ ભરવાની ફરજ પડી છે. જેને કારણે ભાવની તંદૂરસ્ત હરીફાઈ પણ થઈ શકી નથી. ઉપરાંત ટેન્ડરમાંથી રિવર્સ ઓક્શનની શરત પણ કાઢી નાખવામાં આવી હતી.

આ સંદર્ભમાં જૂદી જૂદી કંપનીઓ દ્રારા અનેક ફરિયાદો કરાઈ છે. ગૃહ ખાતામાં અને ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ વિભાગમાં લેખિતમાં વાંધાઓ રજૂ કરાયા છે. સરકાર સમક્ષ 250થી વધુ ક્વેરીઓ અને ફરિયાદો છે પણ અધિકારીઓ દ્રારા કોઈ જવાબ અપાતો નથી કે કોઈ પ્રકારના સુધારા કરાતા નથી. નિર્ણય લેવાતો ન હોવાથી રૂ.300 કરોડથી વધુની રકમનુ આ ટેન્ડર હાલમાં અટકી પડ્યુ છે.

આ અંગે ગૃહખાતાના સચિવ તેમજ મુખ્ય સચિવ તેમજ રાજ્યકક્ષાના ગૃહમંત્રીનો સંપર્ક કરવાના અનેક પ્રયત્નો કર્યા હતા પણ તેઓએ વાત કરવાનુ પણ ટાળ્યુ હતુ. 

250 કરોડનુ વિશ્વાસ ફેઝ-2નુ ટેન્ડર ખુલી ગયા બાદ કંઈ થતુ નથી

સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી લગાવવા માટે અગાઉ વિશ્વાસ ફેઝ-1 ટેન્ડર બહાર પડ્યુ હતુ. જ્યારે ડીસેમ્બર 2022માં અમદાવાદ, સુરત અને વડોદરાના લોકેશન માટે વિશ્વાસ ફેઝ-2નું 250 કરોડની કીંમતનુ ટેન્ડર બહાર પડ્યુ હતુ. ટેકનિકલ ઈવેલ્યુએશન થયા બાદ જુલાઈમાં ભાવ પણ ખુલી ગયા છે. એલ-1 કંપનીને ઓર્ડર આપવાની પ્રક્રિયા આઈટીની ખાસ કમિટીમાં થાય છે.આ કમિટીમાં મુખ્ય સચિવ, એડિશનલ ચીફ સેક્રેટીરી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ હોય છે. આ કમિટીની બેઠક જ મળતી નથી. મળે ત્યારે ટેન્ડરનો કોઈ એજન્ડા હોતો નથી.

ટેક રીફ્રેશરના ટેન્ડરના ભાવો ખુલતા પહેલા તેની ખબર કઈ રીતે પડી?

થોડા દિવસો પહેલા જીએનએફસીના તાબા હેઠળ આવતી એનકોડ નામની સરકારી કંપનીએ ટેક રિફ્રેશરનુ 13 કરોડની કીંમતનુ ટેન્ડર બહાર પાડ્યુ હતુ. સૌના આશ્ચર્ય વચ્ચે જે દિવસે બપોરે સત્તાવાર રીતે ટેન્ડર ભરનારી કંપનીઓની પ્રાઈઝબીડ ઓપન કરવાની હતી એ જ દિવસે સવારે 11 વાગ્યે અન્ય કંપનીઓને પણ કોણે કેટલા ભાવો ભર્યા છે તેની ખબર પડી ગઈ હતી. આ સંદર્ભમાં કોઈએ સીએમઓના ઉચ્ચ અધિકારીને વોટ્સ કરી ધ્યાન દોર્યુ હતુ. જેમાં સ્પષ્ટ લખ્યુ હતુ કે, જે ભાવ ખુલશે તેની ચોક્કસ રકમ અને કઈ કંપનીને ટેન્ડર મળશે તેની વગતો હતી. આમછત્તા કોઈએ તેને અટકાવ્યુ નહોતુ. આખરે સેટીંગ થયા મુજબ વિદેશની એક કંપનીને આ ટેન્ડર પધરાવાયુ છે.


Google NewsGoogle News