ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય: સરકારી કર્મચારી માટે પ્રોપર્ટી રિટર્ન ફરજિયાત, જાણી લો છેલ્લી તારીખ

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
swarnim sankul gandhinagar


Government Employees News: ગુજરાત સરકારે એક મહત્ત્વનો નિર્ણય લઈને રાજ્ય સરકારના ચોથા વર્ગના કર્મચારીઓ સિવાય તમામ કર્મચારીઓને પોતાની સંપત્તિની તમામ વિગતો આપવા આદેશ આપ્યો છે. ગુજરાત સરકારના પાંચ લાખથી વધારે કર્મચારીઓમાંથી 4 લાખથી વધારે કર્મચારીઓએ આ વિગતો 15 જુલાઈ સુધીમાં આપવી ફરજિયાત છે. વિગતો નહીં આપનારા કર્મચારીઓ સામે આકરાં પગલાં લેવાશે.

ગુજરાત સરકારના સૂત્રોનું કહેવું છે , કે, રાજ્ય સરકારના કર્મચારીઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ અત્યંત વધી ગયું  હોવાની ફરિયાદોના પગલે રાજ્ય સરકારે ચોથા વર્ગ સિવાયના તમામ કર્મચારીઓ માટે એન્યુઅલ પ્રોપર્ટી રીટર્ન (એપીઆર) ફરજિયાત કર્યાં છે. કર્મચારીએ પોતાની પર્સનલ ઈન્કમ ઉપરાંત જીવનસાથીની આવક તથા પરિવારના અન્ય સભ્યોની વિગતો પણ આપવી પડશે. આ ઉપરાંત પોતાને તથા પરિવારના સભ્યોને વારસામાં મળેલી સંપત્તિની તમામ વિગતો આપવી પડશે.

સંપત્તિમાં રોકડ, બેંક ખાતાં, એફડી, સોના-ચાંદીના દાગીના, ખેતીની જમીન, રીયલ એસ્ટેટમાં કરેલું રોકાણ સહિતની તમામ વિગતો આપવી પડશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ (જીએડી)ના એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દયાનીની સહીથી બહાર પડાયેલા પરિપત્રમાં સરકારના ઉચ્ચ અધિકારીઓથી માંડીને કલાર્ક સુધીના તમામ કર્મચારીઓને પોતાની તમામે તમામ સંપત્તિની વિગતો આપવા ફરમાન કર્યું છે. 

ચોથા વર્ગના કર્મચારીઓને સંપત્તિની વિગતો આપવામાંથી બાકાત રખાયા છે પણ એ સિવાય બધા વર્ગના કર્મચારીઓએ 15 જુલાઈ સુધીમાં એન્યુઅલ પ્રોપર્ટી રીટર્ને (એપીઆર) સરકારમાં સબમિટ કરવા પડશે. અત્યાર સુધી ઓલ ઈન્ડિયા કેડરમાં આવતા અધિકારીઓએ જ એન્યુઅલ પ્રોપર્ટી રીટર્ન (એપીઆર) ભરવાં પડતાં હતાં. આઈએએસ, આઈપીએસ તથા આઈએફએમ અધિકારીઓએ દર વરસે એન્યુઅલ પ્રોપર્ટી રીટર્ન (એપીઆર) ભરવાં પડતાં પણ હવે બીજા કર્મચારીઓએ પણ એન્યુઅલ પ્રોપર્ટી રીટર્ન (એપીઆર) ભરવાં પડશે.


Google NewsGoogle News