ડો.શ્રીવાસ્તવે વીસી બનવા નકલી બાયોડેટા બનાવ્યો તો પણ સરકારે આંખ આડા કાન કર્યા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદેથી ડો. વિજય શ્રીવાસ્તવને યુજીસીના ધારાધોરણ પ્રમાણે પ્રોફેસર તરીકેનો જરુરી અનુભવ નહીં હોવાના મુદ્દે રાજીનામુ આપવું પડયું છે.એ બાદ સરકારી યુનિવર્સિટીઓમાં વાઈસ ચાન્સેલરની નિમણૂકોને લઈને કોંગ્રેસે રાજ્ય સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
આજે વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ અને પ્રવકતાઓએ કહ્યું હતું કે, કહ્યાગરા વાઈસ ચાન્સેલરોની નિમણૂકો કરીને ભાજપ સરકારે ઉચ્ચ શિક્ષણને ખાડામાં નાંખ્યું છે.ડો.શ્રીવાસ્તવ સામે તો પૂરાવા સાથે શિક્ષણ વિભાગને ફરિયાદો થઈ હતી.ડો.શ્રીવાસ્તવે પ્રોફેસર તરીકેનો અનુભવ દર્શાવવા માટે નકલી બાયોડેટા ૈયાર કર્યો હતો.જે ગંભીર બાબત હતી.આમ છતા સરકારે હાઈકોર્ટે લાલ આંખ ના કરી ત્યાં સુધી આંખ આડા કાન કર્યા હતા.આ જ રીતે એસ પી યુનિવર્સિટીના વીસી પદેથી પ્રો.શિરીષ કુલકર્ણીને રાજીનામુ આપવુ પડયું હતું.એ પછી પણ ગુજરાત યુનિવર્સિટી, નરસિંહ મહેતા યુનિવર્સિટી, ટીચર્સ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી અને નર્મદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરોની નિમણૂકમાં ધારાધારણનું ઉલ્લંઘન થયું હોવાની ફરિયાદો થઈ હતી.આમ છતા સરકારે આ તમામ યુનિવર્સિટીઓમાં વાઈસ ચાન્સેલરોને દૂર કર્યા નહોતા.
કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે હાલમાં પણ ત્રણ યુનિવર્સિટીઓમાં વાઈસ ચાન્સેલર યુજીસીના ધારાધોરણ પ્રમાણેની લાયકાત ધરાવતા નથી.આ વાઈસ ચાન્સેલરોનું પણ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવની જેમ રાજીનામુ લેવામાં આવે.