ગ્રાસિમ કંપની પર ગુજરાત સરકાર મહેરબાન! જાહેર સમિતિની ના છતાં 280 કરોડના લેણાં માફ કર્યા

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
Gujarat Government Favouring Grasim company
Image : Internet

Government Favouring Grasim company: સામાન્ય વ્યક્તિ વેરો ન ભરે તો નળ કનેક્શન કાપી અથવા સીલ મારી દેવાય છે જ્યારે ઉદ્યોગો કરોડો લિટર પાણીનો વપરાશ કર્યા પછીય પાણીની કરોડો રૂપિયાની રકમ ચૂકવતા નથી. વેરાવળ (Veraval) સ્થિત ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝે પણ વર્ષ 1999થી પાણીનો વપરાશ કર્યો છતાંય રૂપિયા 434 કરોડ જેટલી માતબર રકમ ચૂકવી નહી. સરકારને પણ ઉદ્યોગો પ્રત્યે એટલો પ્રેમ વરસ્યો છેકે, ગ્રાસિમ કંપનીને રૂપિયા 280 કરોડનો ફાયદો કરાવ્યો છે. જાહેર હિસાબ સમિતીએ કંપની પાસેથી સંપૂર્ણ બાકીની રકમ વસૂલવા આદેશ કર્યો હોવા છતાં ખુદ સરકારે જ ખાસ કિસ્સામાં સેટલમેન્ટ કરી માત્ર રૂપિયા 157 કરોડ ભરવા આદેશ કર્યો છે.

ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ વર્ષ 1999થી પાણીનો વપરાશ કરે છે

વેરાવળ સ્થિત ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ વર્ષ 1999થી હિરણ ડેમ-1માંથી પાણીનો વપરાશ કરે છે. જળસંપત્તિ વિભાગે (Department of Water Resources) નક્કી કરેલાં પાણીના દર મુજબ દર વર્ષે પાણીના બિલ કંપનીને અપાય છે. વર્ષ 1999થી માંડીને નવેમ્બર 2023 સુધી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના વોટર ચાર્જીસ, પેનલ્ટી એમ કુલ મળીને રૂપિયા 434.71 કરોડ ચૂકવવાના બાકી હતા. ઉલ્લેખનીય છેકે, વર્ષ 2021- 22માં જાહેર હિસાબ સમિતીએ ભલામણ કરતાં કલેક્ટરે કંપની પર રૂપિયા 264 કરોડનો બોજા પણ નાંખ્યો હતો. મહેસૂલી નિયમ અનુસાર, એક વાર બોજો નાંખ્યા બાદ પાણીની બાકી રકમ માફ થઈ શકે નહીં.

આ પણ વાંચો : ઓખા-બેટ દ્વારકાને જોડતાં સુદર્શન બ્રિજમાં ગાબડાં, PM મોદીના હસ્તે થયું હતું ઉદઘાટન

ભાજપ સરકારે ગ્રાસિમને ફાયદો કરાવાયો

ભાજપ સરકારે ખાસ કિસ્સામાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝને ફાયદો કરાવવા રૂપિયા 280 કરોડ માફ કરી દીધા હતાં જેમાં મોટી લેતી દેતી થઈ હોવાની ય ચર્ચા ચાલી રહી છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (Gujarat Pollution Control Board)ના વોટરસેસ મુજબ વપરાશ કરેલાં પાણીના જથ્થા મુજબ પાણીદરની બાકી મુદ્દલ રકમ એક સાથે એક હપ્તામાં ભરવામાં આવે તો પેનલ્ટી- વ્યાજ માફ કરી શકાય તેવો નર્મદા જળસપંતિ વિભાગનો પરિપત્ર છે. આ સંદર્ભમાં સેટલમેન્ટ થતાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝને રૂપિયા 157.15 કરોડ ભરવા નક્કી કરાયું હતું. આમ, ગ્રાસિમને રૂપિયા 280 કરોડનો ફાયદો કરાવાયો છે. 

આ પણ વાંચો : ગુજરાતના એક પછી એક 16 જિલ્લામાં ફેલાયો 'ચાંદીપુરા વાયરસ', વધુ 3 બાળકોએ ગુમાવ્યાં જીવ

ઈન્ડસ્ટ્રીઝે ગેરકાયદેસર રીતે પાણીનો વપરાશ કર્યો

મહત્વની વાત એછેકે, સરકારની માનીતી ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝે ગેરકાયદેસર રીતે હિરણ નદીના કાંઠે કુવાઓ બનાવી પાણીનો વપરાશ કર્યો છે છતાંય સરકારે કંપની વિરૂધ્ધ શિક્ષાત્મક પગલાં લેવાને બદલે કરોડો રૂપિયા માફ કરી દીધાં છે. આ ઉપરાંત વર્ષ 2019માં ગીર સોમનાથ કલેક્ટરે ગ્રાસિમ કંપની પર રૂપિયા 264 કરોડનો બોજો નાંખી દીધો હતો ત્યારે રકમ વસૂલવાનુ તો ઠીક પણ બોજા કરતાં રૂપિયા  107 કરોડ ઓછી વસૂલાત કરાઈ છે.જાહેર હિસાબ સમિતીના પૂર્વ અધ્યક્ષ પૂંજા વંશે માંગ કરી છેકે, જાહેર હિસાબ સમિતીએ રકમ વસૂલવા ભલામણ કરી છતાંય કરોડો રૂપિયા માફ કરી દેવાયાં છે ત્યારે રાજ્ય સરકાર આ મામલે ગુજરાતની જનતા સમક્ષ સ્પષ્ટતા જાહેર કરે.

ગ્રાસિમ કંપની પર ગુજરાત સરકાર મહેરબાન! જાહેર સમિતિની ના છતાં 280 કરોડના લેણાં માફ કર્યા 2 - image


Google NewsGoogle News