ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ ચાર જિલ્લામાં હવે આઠના બદલે 10 કલાક આપશે વીજળી
Gujarat News : ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં આજે મોટો નિર્ણય લીધો છે. સરકારે પાકની સિંચાઈ માટે ચાર જિલ્લામાં વધુ બે કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે. થોડા દિવસ પહેલાં વધુ વીજળી આપવાની માંગ ઊભી થઈ હતી. સરકારના આ નિર્ણય બાદ હવે રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદરમાં હવે 8 કલાકને બદલે 10 કલાક ખેડૂતોની વીજળી અપાશે. રાજ્ય સરકારે એવું પણ કહ્યું છે કે, જ્યાં પણ વીજળી માંગ અંગે રજૂઆત કરવામાં આવશે, ત્યાં અમે વીજળીનો સમય વધારી આપીશું. આમ ખેડૂતોએ રજૂઆત કર્યા બાદ સરકારે ચાર જિલ્લામાં આઠના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે.
કેટલાક સંજોગો હેઠળ આઠ કલાકથી વધુ વીજ પુરવઠો અપાય છે : ઉર્જામંત્રી
આ વિશે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વધુ માહિતી આપતા જણાવ્યું છે કે, સામાન્ય રીતે રાજયમાં ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને એક અઠવાડિયે દિવસે અને બીજા અઠવાડિયે રાત્રેની રોટેશન પદ્ધતિથી દરરોજ નિયમિત સમયસર 8 કલાક વીજળી આપવામાં આવે છે. જોકે સૌર ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્રે લગભગ 75%થી વધુ સપ્લાય દિવસ દરમિયાન અપાય છે. વરસાદ ખેંચાતો હોય અથવા ઊભા પાકને બચાવવું જરૂરી જણાય તેવા વિવિધ સંજોગોમાં તેમજ ઋતુ પ્રમાણેના ડાંગર, જીરું જેવા પાક ને બચાવવા માટે જરૂરિયાત પ્રમાણે કૃષિ વીજગ્રાહકોને પ્રતિદિન સરેરાશ 8 કલાક ઉપરાંત વધારાના કલાકો માટે વીજપુરવઠો પુરો પાડવામાં આવે છે.
આ પણ વાંચો : ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડીજે પાર્ટીમાં ભાવી ડૉક્ટરો ઝૂમ્યાં
હાલ માત્ર ચાર જિલ્લા પૂરતો લેવાયો નિર્ણય
થોડા દિવસો પહેલા એવી માંગ ઊભી થઈ હતી કે, જ્યાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યાં વીજળી પુરવઠો આપવાનો સમય વધારવામાં આવે. આ માંગને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં 10 કલાક વીજળી આપવાનું શરુ કરાયું છે. હાલ રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદર જિલ્લા પૂરતો આ નિર્ણય કરાયો છે.
સપ્ટેમ્બરમાં વીજ માંગ વધી
ઓગષ્ટના અંતિમ અઠવાડિયામાં પીજીવીસીએલની મહત્તમ વીજમાગ 3147 મેગાવોટ અને વીજ વપરાશ ૫૫ મિલિયન યુનિટ હતી, જે સપ્ટેમ્બરના અંત સુધીમાં વીજ માગમાં વધારો થઈ અનુક્રમે 9053 મેગાવોટ અને 154 મિલિયન યુનિટ સુધી પહોંચ્યી હતી. તેમજ પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની મહત્તમ વીજમાગ 187 મેગાવોટ અને વીજ વપરાશ 03 મિલિયન યુનિટ હતી, જે હાલમાં વધીને અનુક્રમે 5820 મેગાવોટ અને 55 મીલીયન યુનિટસ નોંધાઈ છે.
આ પણ વાંચો : સુરતમાં બીઆરટીએસના ડ્રાઇવરે 6 વર્ષના બાળકનો લીધો જીવ, અકસ્માત બાદ બસ મુકી ફરાર