રાજ્ય સરકારના કર્મચારીઓએ મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારાની કરી માગ, મુખ્યમંત્રીને લખ્યો પત્ર
Demand For Increase In DA : કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરીને તેમને દિવાળીની ભેટ આપી છે. પરંતુ રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થા-એરિયર્સની જાહેરાત ન કરતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી ભીપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ પટેલને રજૂઆત કરી કેન્દ્ર સરકારની જેમ મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની માગ કરી છે.
રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રીએ શું કહ્યું?
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે, કેન્દ્રના ધોરણો મુજબ રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 50 ટકાથી વધારો કરીને 53 ટકા કરવો જોઈએ. દિવાળીના તહેવારના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યના કર્મચારીઓની દિવાળી સુધરે તે માટે મોંઘવારી ભથ્થામાં વધારાની માગ કરાઈ છે.
કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારો
કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. આ સાથે કર્મચારીઓને જુલાઈથી સપ્ટેમ્બર એટલે કે ત્રણ મહિનાનું એરિયર્સ પણ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષમાં બે વખત એટલે કે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે.