ગુજરાતનાં આદિવાસી યુવાનોને ફટકો: 'ટેલેન્ટ પુલ વાઉચર' યોજના થઈ બંધ, રૂ.60થી 80 હજારનું નુકસાન

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
ગુજરાતનાં આદિવાસી યુવાનોને ફટકો: 'ટેલેન્ટ પુલ વાઉચર' યોજના થઈ બંધ, રૂ.60થી 80 હજારનું નુકસાન 1 - image

Representative  Image



Talent Pool Voucher Scheme is closed In Gujarat: ગુજરાતમા શ્રેષ્ઠ આદિવાસી યુવાનને શોધવા માટે નરેન્દ્ર મોદીની સરકારે 2008-09માં શરૂ કરેલી ટેલેન્ટ પુલ યોજનાને વર્તમાન સરકારે બંધ કરી દીધી છે. આ યોજનામાં પ્રવેશ મેળવ્યા પછી વિદ્યાર્થીઓ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં જતા રહેતા હોવાનું કારણ આપીને આ નિર્ણય લેવામાં આવતાં વિદ્યાર્થીઓને 60 હજાર થી 80 હજારનું નુકસાન થયું છે.

રાજ્યના આદિજાતિ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આદિવાસી યુવાનોને વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ઉત્તમ કક્ષાના આવાસીય વિદ્યાલયમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે તે હેતુથી 2008-09ના વર્ષમાં ટેલેન્ટ પુલનું  નિર્માણ કરવા માટે યોજનાને અમલમાં મૂકવામાં આવી હતી. રાજ્યમાંથી ધોરણ પાંચના અનુસૂચિત જનજાતિના વિદ્યાથીઓની પસંદગી માટે ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા આયોજિત ઈએમઆઈએસ પ્રવેશ પરીક્ષામાં 60 ટકા કે તેથી વધુ માર્કસ સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાથીઓને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવતો હતો. ટેલેન્ટ પુલ યોજના હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને 60 હજાર રોકડ વાઉચર તરીકે ચુકવવામાં આવતા હતા. જો શાળાની ફી તે કરતા ઓછી હોય તો બાકીની રકમ વિદ્યાર્થીને છાત્ર શિષ્યવૃત્તિ તરીકે ચુકવવાની રહેતી હતી. તદુપરાંત સ્કૂલ વાઉચર યોજના હેઠળ આવરી લેવામાં આવેલી શાળામાં પ્રવેશ મેળવનાર વિધાથીને શાળાની ફી અથવા 80 હજાર, બેમાંથી જે ઓછું હોય તે રોકડ વાઉચર તરીકે ચુકવવામાં આવે છે. 

યોજના બંધ કરવા પાછળનું ગણિત

આ યોજનામાં પ્રવેશ મેળવેલ વિદ્યાથીઓ જવાહર નવોદય વિદ્યાલય, ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એકલવ્ય મોડલ  રેસિડેન્શિયલ સ્કૂલ, ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલ્સ જેવી ઉત્તમ શાળાકીય અને આવાસીય સુવિધા ધરાવતી સ્કૂલોમાં પ્રવેશ ફેરબદલ કરાવી રહ્યાં હતા. તેઓ આ યોજના છોડીને અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવી લેતા હોવાથી યોજનામાં નિયત કરતાં ઓછા વિદ્યાર્થીઓ લાભ મેળવતા હોવાથી તેને બંધ કરી દેવામાં આવી છે.

 સમાન લાભ આપતી યોજના અમલમાં મુકી

ચાલુ વર્ષે શિક્ષણ વિભાગમાં સમાન પ્રકારની જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ તેમજ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અમલમાં છે જેને ધ્યાને લઈ ટેલેન્ટ પુલ સ્કૂલ વાઉચર યોજના બંધ કરવાનું આયોજન હતું જેથી હવે આગામી શૈક્ષણિક વર્ષથી આદિવાસી વિદ્યાર્થીઓ આ યોજનામાં પ્રવેશ મેળવી શકશે નહીં. 2008-09માં અમલી ટેલેન્ટ પુલ વાઉચર યોજનામાં 2023-24માં કે તે અગાઉ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હોય તેમને યોજનાના નિયત માપદંડ પ્રમાણે નિયમોનુસાર મળવાપાત્ર લાભ  અપાશે.  યોજના હેઠળ અગાઉ પસંદગી પામેલા શ્રેષ્ઠ અને અતિશ્રેષ્ઠ તમામ શાળાઓનું દર વર્ષે નિયત થયેલી સમિતિ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે.

  ગુજરાતનાં આદિવાસી યુવાનોને ફટકો: 'ટેલેન્ટ પુલ વાઉચર' યોજના થઈ બંધ, રૂ.60થી 80 હજારનું નુકસાન 2 - image



Google NewsGoogle News