રૂપાણી સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ કરી દીધું, કોંગ્રેસ કહ્યું આ લોકો પાસે મુદ્દા જ નથી
અમદાવાદ, તા. 19 જાન્યુઆરી 2021, મંગળવાર
કેન્દ્રમાં મોદી સરકાર આવી ત્યારથી ગામના નામ, સ્ટેશન કે પછી સંસ્થાઓના નામ બદલવાનો ટ્રેન્ડ શરુ થયું છે. જોકે રાજ્યની બીજેપી સરકારે કેન્દ્રથી એક ડગલું આગળ વધીને ફ્રુટનું નામ બદલ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે હોર્ટીકલ્ચર નીતિની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે ચીનના હુલામણા નામ ડ્રેગન પર વાર કરતા એક ફળનું નામ જ બદલી નાંખ્યું છે. રૂપાણી સરકારે ડ્રેગન ફૂટને કમલમ નામ આપ્યું છે.
મુખ્યમંત્રીએ આ ફળનું નામ ડ્રેગન ફ્રૂટ શોભે એવું નામ નથી તેમ કહી કમલમ રાખ્યું છે અને વધુમાં કહ્યું કે, કમલમ સંસ્કૃત નામ છે જે ખુબ જ સારૂ છે. આમ હવે રાજ્યમાં ડ્રેગન ફ્રૂટ કમલમના નામથી ઓળખાશે.
જોકે, નામ બદલતા વિવાદ છંછેડાયો હતો. ડ્રેગન ફ્રુટને કમલમ નામ આપવા પર કોંગ્રેસે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, સરકાર નામકરણ કરવામાં વ્યસ્ત છે. આ સાથે જ એવું પણ કહ્યું હતું કે, હવે કોઈ મુદ્દો નથી એટલે ફ્રુટના નામકરણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા કહ્યું કે, ગુજરાત સરકાર નામકરણ કરવામાં વ્યસ્ત છે. આ સરકારમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવે ગુજરાત સરકાર પાસે કોઈ મુદ્દો નથી એટલે ફ્રુટના નામકરણ કરી રહ્યા છે.