ગુજરાતમાં 14,820 પોલીસ સ્ટાફની કરાશે ભરતી, ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા
Gujarat Police Department Recruitment : ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે આજે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે કહ્યું કે, વર્ષ 2025માં રાજ્ય પોલીસ દળમાં 14,820 તેમજ સિવિલિયન સ્ટાફની 245 જગ્યા પર સીધી ભરતી કરવામાં આવશે. વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ 12,472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ સીધી ભરતીની કાર્યવાહી કરાશે.
કઈ કઈ પોસ્ટ પર થશે ભરતી?
તેમણે કહ્યું કે, વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં 129 SRPFના હથિયારી PSI, 126 વાયરલેસ PSI, 35 MT PSI, 551 ટેકનિકલ ઓપરેટર, 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ-1, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર ગ્રેડ-2, 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ-2, 7218 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3214 SRFPના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 300 જેલ સિપાઈ(પુરુષ) અને 31 જેલ સિપાઈ(મહિલા) સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કુલ 14,820 જગ્યાઓ પર ભરતી કરાશે. આ ઉપરાંત વર્ષ-2025માં પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્કની 45 તથા જુનિયર ક્લાર્કની 200 જગ્યાઓ મળી કુલ 245 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે.