Get The App

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સરકારે ગોઠવ્યા સોગઠાં, એક નવો જિલ્લો-નવી 9 મહાનગરપાલિકાને આપી મંજૂરી

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સરકારે ગોઠવ્યા સોગઠાં, એક નવો જિલ્લો-નવી 9 મહાનગરપાલિકાને આપી મંજૂરી 1 - image


Gujarat Politics: આજે (1 જાન્યુઆરી 2025) ગુજરાત સરકારે એક નવા જિલ્લાની જાહેરાત કરી છે. બનાસકાંઠાનું વિભાજન કરીને વાવ-થરાદને 34મો જિલ્લો બનાવાયો છે. આ નિર્ણય બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો હતો. આ સાથે રાજ્યમાં 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો પણ નિર્ણય લેવાયો છે. ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાના વિભાજન અને નવી 9 મનપા બનાવવાને લઈને રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે નવો જિલ્લો અને નવી મહાનગરપાલિકાઓ બનાવીને રાજકીય સોગઠાં પણ ગોઠવ્યા છે.

વાવ-થરાદ: નવા જિલ્લા વાવ-થરાદ જિલ્લાનું હેડક્વાર્ટર થરાદ હશે. આ નવો જિલ્લો 8 તાલુકા - વાવ, થરાદ, સુઈગામ, ધાનેરા, દિયોદર, ભાભર, લાખણી અને કાંકરેજને સામેલ કરશે. તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે. વાવ-થરાદ જિલ્લામાં 6257 ચો. કિ.મી વિસ્તાર રહેશે. 

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં પહેલા કુલ 14 તાલુકા હતા, જે હવે ઘટીને 6 થયા છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા હશે. જેમાં પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે. બાનસકાંઠા જિલ્લામાં 4486 ચો. કિ.મી વિસ્તાર રહેશે. વિભાજન પહેલા બનાસકાંઠા જિલ્લામાં 1249 જેટલા ગામ હતા. પરંતુ હવે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં 600-600 આસપાસ ગામની વહેંચણી થશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે સોગઠાં ગોઠવ્યા

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણી પહેલા ભાજપ સરકારે પોતાના પાસા ફેંક્યા છે. નવા જિલ્લા અને નવી મહાનગરપાલિકાઓમાં ગ્રામ્ય વિસ્તારને પણ સમાવી લેવામાં આવશે. તેના કારણે ભાજપને ફાયદો થશે. કારણ કે, ભાજપનું ગ્રામ્ય કરતાં શહેરોમાં પ્રભુત્વ વધુ છે. જેમ-જેમ શહેરીકરણ વધે તેમ ભાજપનો ફાયદો થશે તે વાતને નકારી ના શકાય.

વાવ-થરાદમાં ચૌધરી-ઠાકોર, બનાસકાંઠામાં પાટીદારનો દબદબો!

બનાસકાંઠા જિલ્લાના વિભાજનથી ઘણા જાતિવાદી સમીકરણો પણ બદલાઈ શકે છે. કારણ કે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ પાટીદાર સમાજનું પ્રભુત્વ વધશે. કારણ કે, વાવ-થરાદમાં ચૌધરી-ઠાકોરનો દબદબો છે, ત્યાં પાટીદાર સમાજનું પ્રભુત્વ નથી પરંતુ વિભાજન બાદના બનાસકાંઠા વિસ્તારમાં પાટીદારનો દબદબો વધશે. બનાસકાંઠા જિલ્લાની પાલનપુર, ડીસા અને દિયોદર બેઠક ઉપર પાટીદાર સમાજનો દબદબો છે.  તો બીજી તરફ નવા જિલ્લા વાવ-થરાદમાં ચૌધરી સમાજ અને ઠાકોર સમાજની સહુથી મોટી બહુમતી છે. ત્યારે આ સીમાંકન બાદ હવે પાટીદાર સમાજ સહિત અન્ય સમાજના લોકોનું વર્ચસ્વ વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લામાં વધશે. તો જિલ્લાના વિભાજનના કારણે જિલ્લાના રાજકારણ ગરમાવો આવ્યો છે.

બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં સૌથી વધુ ઠાકોર સમાજના 3,43,122 મતદારો છે. જ્યારે ચૌધરી સમાજના 2,70,950 મતદારો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વાવ-થરાદ જિલ્લાની વાવ બેઠક ઉપર સૌથી વધુ ઠાકોર સમાજના 82,852 મતદારો, જ્યારે થરાદ બેઠક ઉપર સોથી વધુ ચૌધરી સમાજના 72,567 મતદારો હોવાનો અંદાજ છે. 

બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના સ્થાનિક નેતા નારાજ!

બનાસકાંઠાનું વિભાજન થતાં લોકોમાં ખુશીનો માહોલ છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ નેતાઓમાં નારાજગી શરુ થઈ છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું કહેવું છે કે, 'જિલ્લા વિભાજન કરવું એ ભાજપની બેધારી નીતિ છે. એક તરફ રાજસ્થાનના 9 જિલ્લા રદ કર્યા તો બીજી તરફ ગુજરાતમાં જિલ્લા વિભાજનની વાત લાવ્યા. પાલનપુર જિલ્લા મથક છે તેનાથી કોઈને કોઈ ફરક પડતો નથી. માત્ર આ ભાજપની બેધારી નીતિ છે. 2026 પહેલાં વિધાનસભાની સીટોનું સીમાંકન થવાનું છે ત્યારે વિસંગતાઓ ઊભી થશે. જો અલગ જિલ્લો બને તો દિયોદરને ભૌગોલિક દૃષ્ટિએ જિલ્લો જાહેર કરવો જોઈએ. લોકોના અભિપ્રાય લઈને જ જિલ્લો અલગ કરવાની વાત કરવી જોઈતી હતી.'

ગેનીબેન ઠાકોરની પ્રથમ પ્રતિક્રિયા

બનાસકાંઠા જિલ્લાના વિભાજનના નિર્ણયને સાંસદ ગેનીબેન ઠાકોરે આવકાર્ય ગણાવ્યો છે. પરંતુ સાથે સાથે તેમણે વ્યંગ કરતાં કહ્યું કે, 'કોઈપણ જિલ્લાનું વિભાજન થતું હોય ત્યારે સ્થાનિક પંચાયતો અને આગેવાનોના અભિપ્રાય લેવા જરૂરી હોય છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કોઈના પણ મંતવ્ય લીધા વગર બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવાનો એક તરફી નિર્ણય લીધો છે.'

ગુજરાતમાં હવે કુલ 17 મહાનગરપાલિકા

રાજ્યમાં આજ સુધી 8 મહાનગરપાલિકા હતી. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર સામેલ છે. પરંતુ રાજ્ય સરકારે 9 નવી મહાનગરપાલિકાને મંજૂરી આપતાં હવે મનપાની સંખ્યા વધીને 17 અને નગરપાલિકાઓની સંખ્યા 149 થઈ ગઈ છે. રાજ્ય સરકારે 9 નગરપાલિકા મહાનગરપાલિકા બનાવી છે. જેમાં મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. છેલ્લા ઘણાં સમયથી આ તમામ શહેરના લોકોની માગ હતી, જે હવે પૂર્ણ થઈ છે. જેને લઈને હાલ અહીંના લોકોમાં ખુશીનો માહોલ છે.

ગામડાંઓનો મહાનગરપાલિકાઓમાં સમાવેશ

નવી 9 મહાનગરપાલિકાઓ બનાવવાની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પણ સમાવી લેવાયા છે. તેથી હવે ગ્રામ પંચાયતો મહાનગરપાલિકામાં ભળી જશે. આમ, સરકારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શહેરીકરણની ચાલથી નવી રણનીતિ ઘડી હોવાની ચર્ચા છે.

  1. નવસારીઃ રાજ્યમંત્રી મંડળના નિર્ણય અનુસાર નવસારી નગરપાલિકા તેમજ દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઈને નવસારી મહાનગરપાલિકા બનશે. 
  2. ગાંધીધામ: ગાંધીધામ નગરપાલિકા તેમજ કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઈને ગાંધીધામ મહાનગરપાલિકા બનશે. 
  3. મોરબી: મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઇન્દિરાનગર) અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઈને મોરબી મહાનગરપાલિકા બનશે. 
  4. વાપી: વાપી નગરપાલિકા તેમજ બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઈને વાપી મહાનગરપાલિકા બનશે. 
  5. આણંદ: આણંદ, વલ્લભવિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા તેમજ મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઈને આણંદ મહાનગરપાલિકા બનશે. 
  6. મહેસાણા: મહેસાણા નગરપાલિકા તેમજ ફતેપુરા, રામોસણા, રામોસણા N.A. વિસ્તાર, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારો સમાવિષ્ટ થઈને મહેસાણા મહાનગરપાલિકા બનશે. 
  7. સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર/ દૂધરેજ/ વઢવાણ નગરપાલિકા તેમજ ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઈને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનશે. 
  8. પોરબંદર: પોરબંદર/ છાયા નગરપાલિકા તેમજ વનાણા (વિરપુર), દિગ્વીજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઈને પોરબંદર મહાનગરપાલિકા બનશે. 
  9. નડિયાદ: નડિયાદ નગરપાલિકા તેમજ યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમલા, માંજીપુરા, ડભાણ, બીલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઈને નડિયાદ  મહાનગરપાલિકા બનશે. 

ગુજરાતમાં હવે કુલ 34 જિલ્લા

જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા 9 મહાનગરપાલિકાની સાથે એક નવા જિલ્લાની પણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠાના વિભાજનની સાથે જ વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરાયો છે. વાવ-થરાદમાં સમાવેશ કરીને નવો જિલ્લો જાહેર કરાયો છે. આ નવા જિલ્લાનું વડું મથક થરાદ રહેશે. ત્યારે હવે ગુજરાતમાં 33 નહીં કુલ 34 જિલ્લા છે.

ક્રમજિલ્લોમુખ્ય શહેર
1અમદાવાદઅમદાવાદ
2અમરેલીઅમરેલી
3આણંદઆણંદ
4અરવલ્લીમોડાસા
5બનાસકાંઠાપાલનપુર
6ભરૂચભરૂચ
7ભાવનગરભાવનગર
8બોટાદબોટાદ
9છોટા ઉદેપુરછોટા ઉદેપુર
10દાહોદદાહોદ
11ડાંગઆહવા
12દેવભૂમિ દ્વારકાખંભાળિયા
13ગાંધીનગરગાંધીનગર
14ગીર સોમનાથવેરાવળ
15જામનગરજામનગર
16જૂનાગઢજૂનાગઢ
17ખેડાનડિયાદ
18કચ્છભુજ
19મહીસાગરલુણાવાડા
20મહેસાણામહેસાણા
21મોરબીમોરબી
22નર્મદારાજપીપળા
23નવસારીનવસારી
24પંચમહાલગોધરા
25પાટણપાટણ
26પોરબંદરપોરબંદર
27રાજકોટરાજકોટ
28સાબરકાંઠાહિંમતનગર
29સુરતસુરત
30સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર
31તાપીવ્યારા
32વડોદરાવડોદરા
33વલસાડવલસાડ
34વાવ-થરાદથરાદ

દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ

Google NewsGoogle News