ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત, પરંતુ EV પરની સબસિડી હજુ પણ છે બંધ
Electric Vehicle Tax : ગ્રીન મોબિલિટી અને ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે 31 માર્ચ, 2026 સુધી ઈલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. જેથી હવે ઈવી ખરીદનારને માત્ર 1% ટેક્સ ભરવાનો રહેશે. નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઈલેક્ટ્રિક વાહનોની ઓનલાઇન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે. રાજ્યના પરિવહનમંત્રીનું કહેવું છે કે, આ નાગરિક-કેન્દ્રિત પહેલ હરિયાળા અને સ્વચ્છ ગુજરાત તરફ રાજ્ય સરકારનું એક પગલું છે. ગુજરાત સરકારે વર્ષ 2025-26ના બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી. જેને હવે લાગુ કરવામાં આવી છે અને આજે શુક્રવારથી જ તેનો અમલ શરૂ થઈ ગયો હોવાની વાત પરિવહન મંત્રીએ કરી છે.
આ જાહેરાતને પગલે ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં ફરી વધારો થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન 75760 ઈ-વ્હિકલનું વેચાણ થયું હતું. એક જ વર્ષમાં સૌથી વધુ ઈ-વ્હિકલનું વેચાણ થયું હોય તેવા રાજ્યમાં ઉત્તર પ્રદેશ 3.69 લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર 2.41 લાખ સાથે બીજા, કર્ણાટક 1.79 લાખ સાથે ત્રીજા જ્યારે ગુજરાત 10માં સ્થાને છે. ગુજરાતમાં હાલ ઈ વ્હિકલ પર છેલ્લા એક વર્ષથી સબસીડી બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હિકલમાં ટુ વ્હિલર પર 20 હજાર, થ્રી વ્હિલરમાં 50 હજાર, કારમાં 1.50 લાખ સુધી સબસીડી આપવામાં આવતી હતી.
ઇલેક્ટ્રિક વ્હીકલ પર મળતી સબસિડી બંધ કરી
મહત્વનું છે કે ઈલેક્ટ્રિક વાહનો અને ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહ આપવાની વાત કરનાર ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહનો પરની સબસિડી ઘણા સમયથી બંધ કરી દીધી છે. અગાઉ ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા અને પ્રદૂષણને ઘટાડવા માટે ટુ વ્હીલર પર 20 હજારની સબસિડી આપતી હતી, જ્યારે 15 લાખથી ઓછી કિંમતના ફોર વ્હીલર પર 1.50 લાખ રૂપિયાની સબસિડી આવતી હતી. જેને બંધ કરી દેવામાં આવતાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. ત્યારે હાલ આપવામાં આવેલી માત્ર 5 ટકા ટેક્સ છૂટથી ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધે છે કે નહીં તે જોવાનું રહેશે.
ટેક્સ છૂટથી શું થશે ફાયદો?
કોઈ વ્યક્તિ જો 10 લાખની ઇલેક્ટ્રિક કાર ખરીદે તો તેના પર પહેલા છ ટકા ટેક્સ લાગતો હતો. એટલે કે ગ્રાહકે જે તે કાર પર 60 હજાર રૂપિયા ટેક્સ ભરવાનો રહેતો હતો. પરંતુ હવે સરકારે ટેક્સમાં પાંચ ટકા છૂટ આપી છે. જેથી હવે 10 લાખની ઇલેક્ટ્રિક કાર પર ગ્રાહકે ફક્ત એક ટકા લેખે 10 હજાર રૂપિયા જ ટેક્સ ભરવો પડશે, જેથી કાર માલિકને 50 હજાર રૂપિયાનો ફાયદો થશે.
ઈ-વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન મામલે ગુજરાત આઠમાં સ્થાને
ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ માટે હાલ માત્ર 1008 ચાર્જિંગ સ્ટેશન છે. ગુજરાતની સરખામણીએ કર્ણાટક (5879), મહારાષ્ટ્ર (3842), ઉત્તર પ્રદેશ (2113), દિલ્હી (1951), તામિલનાડુ (1495), કેરળ (1288), રાજસ્થાન (1285) વધુ ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન ધરાવે છે.
ગુજરાતમાં વર્ષ 2024માં માત્ર 75 હજાર ઈ-વ્હિકલ વેચાયા
ઉલ્લેખનીય છે કે પરિવાહન મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ઈલેક્ટ્રિક વાહનો પર ટેક્સ છૂટની જાહેરાતની માહિતી શેર કરી હતી.