ગુજરાતમાં હવે ઓરિજનલ મેરેજ સર્ટિફિકેટ ઓનલાઈન જ મળશે, સરકારે કર્યો નિયમમાં ફેરફાર
અમદાવાદ,તા.20 સપ્ટેમ્બર 2022, મંગળવાર
રાજય સરકાર દ્વારા ગુજરાતમાં નિયત કાયદા હેઠળ નોંધાયેલા લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. લગ્નોના રજીસ્ટ્રાર જનરલ- નોંધણી સર નિરીક્ષક, ગાંધીનગર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
વેબસાઈટ
ડિજિટલ ગુજરાત અંતર્ગત આ નિર્ણયથી નાગરિકોને સંબંધિત કચેરીમાં રૂબરૂ ગયા વગર ઘરે બેઠા ઓનલાઇન ઇ-પેમેન્ટ કરીને રાજય સરકારની મહેસૂલ વિભાગની વેબસાઈટ http://stampsregistration gujarat.gov.in અથવા https://garvibeta.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ ઓનલાઈન સર્વિસમાં જરૂરી ડેટા એન્ટ્રી કરી કચેરી ખાતે જમા લગ્ન સર્ટીફિકેટની ઉપલબ્ધ રેકર્ડ આધારીત ખરી નકલ ઓનલાઈન મેળવી શકાશે.
ઓફલાઇન પ્રક્રિયા બંધ?
સરકારે ડિજીટલ ફ્રેન્ડલી કામકાજ માટે લીધેલા નિર્ણય મહદઅંશે ભારે પણ પડી શકે છે. કારણ કે, ઓફલાઈન પ્રક્રિયા ફરજીયાત પણે બંધ કરવામાં આવી છે. ઓનલાઇન અરજી માટે http://stampsregistration gujarat.gov.in વેબસાઈટ પર માર્ગદર્શિકા ઉપલબ્ધ છે.
ઉલેખનીય છે કે, ગુજરાતમાં ધી ઇન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ ૧૮૭૨ હેઠળ નોંધણી થયેલ અસલ લગ્ન સર્ટીફિકેટ નોંધણી સર નિરીક્ષકશ્રી, ગાંધીનગરની કચેરીમાં જમા થાય છે. આ કાયદા હેઠળ નાગરિકો દ્વારા લગ્ન નોંધણીના સર્ટીફીકેટની ખરી નકલ મેળવવા નોંધણી સર નિરીક્ષક કચેરી, ગાંધીનગર ખાતે રૂબરૂ આવવું પડતું હતું. આ નિર્ણયથી નાગરિકોના સમય-નાણાની બચત થશે અને ઘરે બેઠા સરળતાથી પ્રમાણપત્રની ખરી નકલ ઉપલબ્ધ થશે.