પાટણની સરસ્વતી નદીમાં બાળકને બચાવવા પરિવારના છ લોકો કૂદ્યા, ચારના મોત, ગણેશ વિસર્જન વખતે સર્જાયેલી દુર્ઘટના

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
પાટણની સરસ્વતી નદીમાં બાળકને બચાવવા પરિવારના છ લોકો કૂદ્યા, ચારના મોત, ગણેશ વિસર્જન વખતે સર્જાયેલી દુર્ઘટના 1 - image


Patan Prajapati Family Drowned : હાલ રાજ્યભરમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે પાટણમાં આજે ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના બની છે. સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના સાત લોકો ડૂબી ગયા છે, જેમાંથી ત્રણ લોકોને તરવૈયાઓએ બચાવી લીધા છે, જોકે ચાર લોકોના મોત નિપજ્યા છે. મળતા અહેવાલો મુજબ બાળક નદીમાં ડુબી રહ્યો તો, ત્યારે તેને બચાવવા માટે પરિવારના છ લોકો નદીમાં કુદ્યા હતા, જેમાંથી ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. એક જ પરિવારના માતા, બે પુત્રો અને મામાએ જીવ ગુમાવ્યો છે.

પ્રજાપતિ પરિવારના સાત સભ્યો પાણીમાં ગરકાવ

મળતા અહેવાલો મુજબ પાટણ શહેરના વેરાઈ ચલકા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના સાત સભ્યો આજે ગણેશ વિસર્જન કરવા માટે સરસ્વતી નદીએ ગયા હતા, જ્યાં આખો પરિવાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તરવૈયાઓએ ત્રણ લોકોને બચાવી લીધા હતા, જ્યારે યુવકનો મૃતદેહ હાથ લાગ્યો છે અને હાલ અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને તાત્કાલીક બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે. 

મૃતકોમાં શિતલબેન નિતિનભાઇ પ્રજાપતિ (માતા), જિનિત નિતિનભાઇ પ્રજાપતિ (પુત્ર), દક્ષ નિતિનભાઇ પ્રજાપતિ (પુત્ર) અને નયન રમેશભાઇ પ્રજાપતિ (મામા)નો સમાવેશ થાય છે.

આઠ જેટલી 108ની એમ્બ્યુલન્સ પણ તહેનાત

ઘટનાની જાણ થતાં જ એમડીએમ, મામલતદાર, ફાયર વિભાગ અને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આ ઉપરાંત આસપાસના તાલુકાના વિસ્તારોમાંથી ઘટના સ્થળે આઠ જેટલી 108ની એમ્બ્યુલન્સ પણ તહેનાત કરવામાં આવી છે. 

ઘટના અંગે પ્રાંત અધિકારી મિતુલ પટેલે જણાવ્યું કે, સરસ્વતી નદીમાં સાત લોકો ડૂબ્યા છે, જેમાંથી ત્રણ લોકોને બચાવી લેવાયા છે. જ્યારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય ત્રણ લોકોની શોધખોળ ચાલી રહી છે.


Google NewsGoogle News