99 રૂપિયાની સ્કીમ 32 લોકોના જીવન પર ભારે પડી, રાજકોટમાં અનેક પરિવારોના દીપ ઓલવાયા

Updated: May 26th, 2024


Google NewsGoogle News


99 રૂપિયાની સ્કીમ 32 લોકોના જીવન પર ભારે પડી, રાજકોટમાં અનેક પરિવારોના દીપ ઓલવાયા 1 - image

Rajkot Gamezone Fire news | ગુજરાતના રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક 32ને સ્પર્શી ગયો છે ત્યારે આ ઘટના જે ટીઆરપી ગેમિંગ ઝોનમાં બની હતી તેને લઈને એક મોટા અહેવાલ આવ્યા છે. માહિતી અનુસાર શનિવારના દિવસે આ ગેમિંગ ઝોનમાં 99 રૂપિયાની ટિકિટ રખાઈ હતી જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેના લીધે જાનહાનિનો આંકડો ઊંચો રહ્યો છે. અનેક પરિવારોએ તેમના પ્રિયજનોને ખાસ કરીને બાળકોને ગુમાવી દીધા છે. 

ગેમિંગ ઝોનમાં આગની ઘટના બેદરકારીનું પરિણામ 

ટીઆરપી ગેમ ઝોનમાં જનરેટર માટે 1500 થી 2000 લિટર ડીઝલ, ગો કાર રેસિંગ માટે 1000 થી 1500 લિટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેના કારણે આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે આખું માળખું બળીને રાખ થઈ ગયું હતું. ગેમ ઝોનમાંથી બહાર નીકળવા અને પ્રવેશવા માટે 6 થી 7 ફૂટનો એક જ રસ્તો હતો. એન્ટ્રી માટે 99 રૂપિયાની સ્કીમ હતી જેના કારણે અકસ્માત સમયે ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

ચાર વર્ષથી એનઓસી વગર ધમધમતું હતું ગેમ ઝોન 

ગુજરાતના ઈતિહાસની અતિ ભયાનક દુર્ઘટના રાજકોટમાં ઘટવા માટે સરકારી તંત્રની ઘોર જીવલેણ લાપરવાહી ઉડીને આંખે વળગી છે. અસંખ્ય લોકોના અત્યંત દર્દનાક, કમકમાટી ઉપજે તેવા મોત માટે તંત્રના આંખ મિચામણા જવાબદાર હોવાનું ખુલ્યું છે. આશરે 2000 ચો.મી.થી વધુ જગ્યામાં આ ગેમ ઝોન ચાર વર્ષથી ધમધમતો હતો છતાં આજ સુધી આ સ્થળ માટે ફાયર એન.ઓ.સી. લેવાયું નથી અને સેફ્ટીના ધારાધોરણોનું પાલન ન્હોતું છતાં મહાપાલિકા, કલેક્ટર, પોલીસ સહિતના તંત્રોએ તેને ચાલવા દીધું છે. 

રાજ્ય સરકારે વળતર જાહેર કર્યું 

આ સાથે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. આ સંદર્ભે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 4.30 વાગ્યે ગેમિંગ પ્રવૃત્તિ માટે બનાવવામાં આવેલા ફાઇબર ડોમમાં આગ લાગી હતી. ત્યારપછી પાંચ કલાક પછી પણ ટીઆરપી ગેમ ઝોનમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ હતી.

અત્યાર સુધી 10 લોકોની ધરપકડ 

પોલીસે રાજકોટ ગેમ ઝોનના સંચાલક અને માલિક સહિત અત્યાર સુધી કુલ 10 લોકોની ધરપકડ કરી હોવાના અહેવાલ છે. SIT વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની તપાસ કરશે. આ ગેમિંગ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને નિતિન જૈન મેનેજર હોવાનું બહાર આવ્યું છે. આ બંને પોલીસે ધરપકડ કરી છે.

99 રૂપિયાની સ્કીમ 32 લોકોના જીવન પર ભારે પડી, રાજકોટમાં અનેક પરિવારોના દીપ ઓલવાયા 2 - image


Google NewsGoogle News