ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની માત્ર વાતો પણ સ્થિતિ જુદી, વિધાનસભામાં ચર્ચા
BJP Government in Gujarat : ભાજપ સરકારે ગુજરાતમાં સત્તા ગ્રહણ કરી ત્યારે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ આજે પરિસ્થિતિ તેનાથી વિપરીત છે અને ગુજરાતમાં ભ્રષ્ટાચાર, ભય અને ભૂખ વધી છે. ભાજપ સરકારની ઇચ્છા શક્તિના અભાવને પરિણામે જ હપ્તાખોરી વધી છે અને તેના જ પરિણામ સ્વરૂપે ગુજરાતની ગલીએ ગલીમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે. યુવાનો બરબાદ થઈ રહ્યા છે. યુવતીઓ વિધવા બની રહી છે. પરિવારો બરબાદ થઈ રહ્યા છે. દેશી દારૂને બદલે કેમિકલયુક્ત દારૂ વેચાઈ રહ્યો હોવાથી નડિયાદ અને બોટાદ જેવા લઠ્ઠાકાંડ પણ સર્જાય છે.
સરકાર ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની યાદી તૈયાર કરીને તેની જાહેરાત કરી કરપ્શન અટકાવવા પગલાં લે
બજેટમાં ગૃહ વિભાગે મૂકેલી માગણીઓ અંગેની ચર્ચામાં બુધવારે વિધાનસભામાં બોલતા ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતના પોલીસ વિભાગમાં તોડબાજી કરતાં, જમીનમાં સેટિંગ કરી આપીને રૂ. 22 કરોડ જેટલી તગડી રકમ મેળવતા પોલીસ અધિકારીઓ હાજર છે. મહાત્મા ગાંધીના ગુજરાતમાં કાયદો માત્ર કાગળ પર જ દેખાઈ રહ્યો છે. બુટલેગરો પાસેથી પોલીસ હપ્તા લેતી હોવાથી ગુજરાતના ગામેગામ અને ગલીએ ગલીએ દારૂ વેચાઈ રહ્યો છે.
રાજસ્થાન, મઘ્યપ્રદેશ, દમણ, સેલવાસથી ગુજરાતમાં દારૂ પહોંચી રહ્યો છે. રાજસ્થાન અને મઘ્ય પ્રદેશથી આવતો દારૂ અમદાવાદમાં કે નડિયાદમાં પહોંચે તે પૂર્વે તે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ખેડા અને નડિયાદ પહોંચે છે. આ તમામ જિલ્લાની પોલીસ ગેરકાયદે દારૂને ઘૂસતો અટકાવવા માટે શું કરી રહી છે તે જ એક મોટો સવાલ છે. આ રીતે દારૂ આવતો રોકવા માટે બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવા જોઈએ.
આ પણ વાંચો: આંદોલન બાદ ખેલ સહાયક ભરતીની યાદી જાહેર કરવાનું સરકારનું નાટક, ફક્ત 1,465 લોકોનો કરાર રિન્યુ કરાશે
તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં જમીનના કબજા લેવાના હોય, વિવાદાસ્પદ જમીનોમાં પતાવટ કરવાની હોય તેવા કેસમાં કેટલાક પોલીસ અધિકારીઓ જરૂર કરતાં વધારે રસ લે છે. આ પ્રકારના એક કેસમાં રૂ.22 કરોડનો તોડ થયો હતો. ગુજરાતના એ કેટેગરીના અધિકારીઓ તેમની આવક કરતાં વઘુ વૈભવી જીવન જીવી રહ્યા છે. ગુજરાતમાં ગુંડાગીરી કરનારાઓની યાદી તૈયાર કરવાનો થોડા સમય પહેલા જ નિર્ણય લેવાયો હતો.
આ જ રીતે ગુજરાતના પોલીસ વિભાગના અપ્રામાણિક અધિકારીઓની યાદી પણ તૈયાર કરવી જરૂરી છે. ગુજરાતમાં ટપોરીઓ, ગુંડાઓ ખુલ્લેઆમ તલવાર, લાકડીઓ લઈને પ્રજાને બાનમાં લઈ રહ્યા હોવાથી પ્રજાજનોએ ભય હેઠળ જીવવું પડી રહ્યું છે. પ્રજા ભય હેઠળ છે, પરંતુ ખનન માફિયા, ડ્રગ માફિયા બેફામ બની રહ્યા છે. પોલીસે તેમની સામે પગલાં લેવા જોઈએ.