સાબરકાંઠા- અરવલ્લીના સાત ડેમ હાઇ એલર્ટ જાહેર; વાત્રક, હરણાવ, મેશ્વો નદીમાં પૂરની સ્થિતિ

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
સાબરકાંઠા- અરવલ્લીના સાત ડેમ હાઇ એલર્ટ જાહેર; વાત્રક, હરણાવ, મેશ્વો નદીમાં પૂરની સ્થિતિ 1 - image


Gujarat dam water level: એક સપ્તાહના વિરામ બાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. ત્રીજી સપ્ટેમ્બરની રાત્રિથી વરસી રહેલાં ભારે વરસાદ બાદ જળાશયોમાં ભરપૂર પાણીની આવક નોંધાતાં વાત્રક, માઝૂમ, જવાનપુરા, હરણાવ, લાંક, વૈડી સહિત 7 જળાશયો હાઈએલર્ટ મોડ ઉપર મૂકાયા છે. સપ્ટેમ્બરની સ્થિતિએ રૂલ લેવલ જાળવવા જળાશયોના દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેથી, કેટલાક તાલુકાઓના નદી કિનારાના ગામોને સાવધ કરવામાં આવ્યા છે. એક સપ્તાહમાં વરસાદના તોફાની રાઉન્ડના કારણે ફરી નદી કિનારાના ગામો સાવધ કરવાની નોબત આવી છે.

ઓડિશાની ડિપ્રેશનની અસર હવે જિલ્લાના વાતાવરણમાં જોવા મળી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ સોમવારની સમી સાંજથી કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતાં જિલ્લામાં હવે અતિવૃષ્ટિની ચિંતા તંત્ર માટે પડકારરૂપ બની શકે છે. જિલ્લામાં સ્થાનિક ઉપરાંત ઉપરવાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હોવાથી જિલ્લાના વાત્રક, ગુહાઈ, માઝૂમ, હાથમતી, લાંક, જવાનપુરા, હરણાવ, મેશ્વો, વૈડી, ખેડવા, વરાંસી અને ગોરઠિયા જળાશયમાં 300થી 24,000 ક્યુસેક સુધી પાણી આવક મંગળવાર સવારે 10 વાગ્યા સુધીમાં નોંધાઈ હતી. 

આ પણ વાંચોઃ 'ભુવા નગરી' વડોદરામાં પૂર ઓસરી ગયા બાદ સામ્રાજ્ય બંગ્લોઝ પાસે 20 ફૂટનો ભુવો પડ્યો, કેબિન ઊતરી ગઈ

જળાશયોમાં પાણીનો ધસમસતો પ્રવાહ શરૂ થતાં ડેમની રૂલ સપાટી જાળવવા માટે દરવાજા ખોલવાની પણ ફરજ પડી છે. જેના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. હરણાવ જળાશયના ઉપરવાસમાંથી પાણીની આવક વધુ રહી છે, જેથી 225 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે વિજયનગર, ખેડબ્રહ્મા તાલુકાના નદી કિનારાના ગામોને સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે. જ્યારે વાત્રક જળાશયમાં પ્રતિ કલાકે પાણીની વધતી આવકના કારણે 24,672 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

હાઈએલર્ટ જળાશયો
પાણીની ટકાવારી
વાત્રક 
95
માઝૂમ
90
જવાનપુરા
90
હરણાવ
97
લાંક
90
વૈડી
100

આ પણ વાંચોઃ વિશ્વામિત્રી નજીક આવેલા ઈ.એમ.ઈ. માંથી ત્રીજો મહાકાય મગર પકડાયો

જળાશયોમાં પાણીની આવક

જળાશય
આવક (ક્યુસેક)
જાવક (ક્યુસેક)
વાત્રક
24,672
24,672
ગુહાઈ
1535
-
માઝૂમ
2530
2530
હાથમતી
150
-
લાંક
289
289
જવાનપુરા
1200
-
હરણાવ
225
225
મેશ્વો 
539
-
વૈડી
1529
1529
ખેડવા
360
360
વરાંસી
1500
1500
ગોરઠીયા
1500 
1500 


જિલ્લામાં વરસાદના નવા રાઉન્ડ સાથે જળાશયોમાં પાણીની ધસમસતી આવક શરૂ થઈ છે, જેના કારણે તંત્રને ગેટ ખોલીને પાણી છોડવાની ફરજ પડતાં નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. વાત્રક જળાશયમાંથી 24,672 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતાં વાત્રક નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. વાત્રક નદી બેકાંઠે વહેતી થતાં અનેક લોકો નદીના જીવંત સ્વરૂપને જોવા માટે ઉમટ્યાં હતાં.



Google NewsGoogle News