પાલનપુરમાં ગુજરાતનો પહેલો અને ભારતનો બીજો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, આવતીકાલે ઉદ્ઘાટન
Gujarat's First three leg Elevated Bridge : ગુજરાતના પાલનપુરમાં જમીનથી 17 ફૂટ ઊંચો ભારતનો બીજો થ્રી લેગ એલિવેટેડ આરટીઓ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. માર્ગ પરિવહન રાજમાર્ગ મંત્રાલય અને ભારત સરકારના સહયોગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર એલ.સી 165 પર 89.10 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભાદરવી પૂનમે થશે લોકાર્પણ
ભાદરવી પૂનમના દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા આ નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ સમયે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેત ઠાકર સહિતના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. આવતી કાલે ઉદ્ઘાટનને લઈને બ્રિજને લાઈટ દ્વારા શણગારવામાં આવ્યો છે. પાલનપુરના લોકો માટે હાલ આ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ગુજરાતનાં પહેલાં થ્રી લેગ એલિવેટેડ બ્રિજ પર પાલનપુર અને આબુરોડ તરફ 1700 મીટર લંબાઈના લેગ બનાવવામાં આવ્યા છે, જયારે પાલનપુર અને આબુરોડ તરફ બે લાઈન અને અંબાજી તરફ ફોરલાઇન લેગ બનાવવામાં આવ્યા છે. આ આખો બ્રિજ 79 પિલર પર ઉભો છે. જેમાં 84 મીટર ના ઘેરાવોનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવવામાં આવ્યુ છે. આ બ્રિજમાં કુલ 180 ગડર કોંક્રિટના છે અને 32 ગડર સ્ટીલના લગાવવામાં આવ્યા છે. પેરાપીડ સાથે આ બ્રિજની ઊંચાઈ 18 મીટર છે.
ગજરાતનો પહેલો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ
ગુજરાતનો આ સૌથી પહેલો પિલર પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે. આ પહેલાં થ્રી લેગ એલિવેટેડ બ્રિજ ચેન્નઈમાં બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ બનાવવા માટે 16000 મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે તેમજ 3600 મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ એશિયાની સૌથી મોટી એપીએમસીની ચૂંટણીનો માર્ગ મોકળો, 20 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પડશે
નોંધનીય છે કે, ગુજરાતના પ્રથમ અને પિલર પર થ્રી લેગ એલિવેટેડ ઓવરબ્રિજની કામગીરી દરમિયાન 11 મહિના પહેલાં જ એજન્સીના છ ભારે ભરખમ ગર્ડર તૂટી પડતાં 2 યુવરો રિક્ષા નીચે દબાઈને મોતને ભેટ્યા હતાં. આ ઘટના બનતા જી. પી. ચૌધરી કન્સ્ટ્રક્શન કંપની સામે ઓવર બ્રિજની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઊભા થયા હતાં. આ સિવાય લોકોએ ઓવરબ્રિજની ઊંચાઈને લઈને પણ ડરામણો હોવાનો રિવ્યુ આપ્યો હતો.