દેશમાં સૌથી વધુ બેંક ખાતાઓ અનફ્રિઝ કરવામાં ગુજરાત પ્રથમ નંબર, 20 દિવસમાં અઢી એકાઉન્ટ અનફ્રીઝ

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
harsh-Sanghavi


Cyber Fraud : ગુજરાત સહિત દેશભર વધતાં જતાં સાયબર ફ્રોડના બનાવોને અટકાવવા એ મોટો પડકાર છે. સ્કેમર્સ દરરોજ લાખો કરોડો રૂપિયાના કૌભાંડ આચરે છે. સ્કેમર્સ છાશવારે નવી નવી પદ્ધતિ અપનાવી ગુના આચારે છે. ત્યારે આજે વિધાનસભા ગૃહમાં ત્રીજા દિવસે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા સંદર્ભે પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, બેંક એકાઉન્ટને બદલે માત્ર સાયબર ફ્રોડમાં ટ્રાન્સફર થયેલી રકમ ફ્રીઝ કરવા અંગે નીતિ બનાવનાર ગુજરાત સમગ્ર દેશ માટે મોડેલ સ્ટેટ બન્યુ છે. 

ગૃહ વિભાગની સુચનાથી સાયબર ક્રાઈમનો ભોગ બનેલા મધ્યમવર્ગીય લોકોની મુશ્કેલીઓ દૂર કરવા ગુજરાત પોલીસના સાયબર સેલે રાત દિવસ એક કરી માત્ર 20 દિવસમાં 2.58 લાખથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા છે. એટલે કે, સમગ્ર દેશમાં આ પ્રકારે આટલી મોટી સંખ્યામાં બેંક ખાતાઓ અનફ્રિઝ કરવામાં ગુજરાત પ્રથમ નંબર પર છે. એટલુ જ નહિ, વર્ષ-2024માં રૂ.85.24 કરોડની છેતરપીંડી થઇ હતી, જેમાંથી રૂ.66.15 કરોડની રકમ રીફંડ કરાવવામાં પોલીસને સફળતા મળી છે. હજુ પણ બાકીની રકમ રીકવર માટે પ્રયત્નો કરી રીકવરી રેટ 100 ટકા સુધી લઇ જવાનો લક્ષ્યાંક છે.

આ પણ વાંચો : ખેડૂતો આનંદો! ગુજરાત સરકારે 350 કરોડના કૃષિ રાહત પેકેજની કરી જાહેરાત, કોને કેટલી મળશે સહાય?

નવી નીતિ મુજબ હવે આખા એકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરાશે. આ ખાતાઓ અનફ્રીઝ કરવા માટે સૂચના અપાઇ પરંતુ NCCRP પોર્ટલ પર Layer wise Report માં બેંક ખાતા સામે બેંકના નામ તેમજ તે બેંક ખાતામાં આવેલી ડિસ્પ્યુટેડ રકમ સાથેનો રીપોર્ટ  જનરેટ થતો ન હતો. જેથી ઉક્ત બેંક ખાતા અનફ્રિઝ કરવામાં વિલંબ થતો હતો, બાદમાં મિનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, નવી દિલ્હી (I4C) સાથે આ બાબતે જરૂરી સંકલન સાધી તે બાબતે સતત ફોલોઅપ મેળવી આ માહિતી સાથેનો રીપોર્ટ મેળવવા NCCRP Portal પર સુધારો કરાવવામાં સફળતા મળી છે અને હાલમાં આ જરુરી સુધારા સાથેનો રીપોર્ટ જનરેટ કરી શકાય છે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યુ કે, સાયબર ક્રાઇમ એક મોટી ચેલેન્જ છે. દુનિયાભરના તમામ વિકસિત દેશો પણ તેનો સામનો કરી રહ્યા છે. સાયબર ફ્રોડ કરતા ભેજાબાજોની એક મોડસ ઓપરેન્ડી હોય છે, જે મુજબ ફ્રોડમાં મળેલી રકમ અલગ અલગ લોકોના બેંક ખાતામાં તાત્કાલિક ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. જે પ્રક્રિયા દરમિયાન કેટલાય નિર્દોષ નાગરિકોના ખાતામાં પૈસા જમા કરી દેવાય છે. નિયમ મુજબ આ ખાતુ ફ્રિઝ કરી દેવામાં આવે, જેનાથી નિર્દોષ વ્યક્તિની બચત પણ ફ્રિઝ થઇ જતી હતી.

જેને કારણે નીતિ બદલવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો અને આ નિર્ણયથી જે લોકો સાયબર ફ્રોડ કરતા ભેજાબાજોની યુક્તિમાં ફસાઈને ડિજીટલ પેમેન્ટ સ્વીકારી છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા તો અજાણતા આ પ્રકારની ટ્રેપમાં ફસાઈ ગયા હતા તેવા લોકોને રાહત મળી છે. નવી પોલિસી મુજબ બેંક ખાતાની કુલ રકમને બદલે હવે છેતરપિંડી થઈ હોય તેટલા જ નાણાં ફ્રીઝ કરવામાં આવશે. એટલે કે હવે આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરાશે. 


Google NewsGoogle News