6 નકલી કચેરી બનાવી 18 કરોડનું કૌભાંડ : દાહોદના તત્કાલીન પ્રાયોજના વહીવટદાર નિવૃત્ત IASની ગાંધીનગરથી ધરપકડ

નિનામાને દાહોદ કોર્ટમાં રજૂ કરાતા 6 દિવસના રિમાન્ડ મંજૂર

ચાર દિવસ પૂર્વે છોટાઉદેપુરથી લવાયેલો અંકિત સુથાર 11 દિવસના રિમાન્ડ પર

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
6 નકલી કચેરી બનાવી 18 કરોડનું કૌભાંડ : દાહોદના તત્કાલીન પ્રાયોજના વહીવટદાર નિવૃત્ત IASની ગાંધીનગરથી ધરપકડ 1 - image


છોટાઉદેપુરના બોડેલી ખાતે નકલી કચેરીના બહુચચત રાજ્યવ્યાપી કૌભાંડ મામલે દાહોદની પ્રાયોજના અમલદારની કચેરીના તત્કાલીન અધિકારી અને હાલ નિવૃત IAS અધિકારી બી.ડી. નિનામાની ગાંધીનગરથી ધરપકડ કરાઈ હતી. જેમને ગઈકાલે દાહોદ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

નિનામાને દાહોદ કોર્ટમાં રજૂ કરાતા 6 દિવસના રિમાન્ડ મંજૂર 

દાહોદ ખાતેના 18 કરોડ ઉપરાંતના કૌભાંડમાં નકલી સરકારી અધિકારી અંકિત સુથારની 4 દિવસ પહેલા જ દાહોદ પોલીસે ટ્રાન્સફર વોરંટથી છોટાઉદેપુર પોલીસ પાસેથી કબજો મેળવ્યો હતો. સમગ્ર કૌભાંડમાં પોલીસની પૂછપરછ દરમિયાન અનેક ચોકાવનારા ખુલાસા અંકિત સુથાર દ્વારા કરાયા હોવાનું અંતરંગ વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે.  દાહોદ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછ અને ટેકનિકલ સોર્સ તેમજ વૈજ્ઞાનિક ઢબ અને ક્રોસ વેરિફિકેશન સાથે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી પ્રાયોજના અમલદારની સાથે અન્ય કઈ કચેરીના અધિકારી સંડોવાયેલા છે તે અંગેની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કૌભાંડમાં દાહોદ કચેરીના 100 જેટલા કેસો પૈકી 82 જેટલા કેસો ધરપકડ કરાયેલા પૂર્વ IAS અધિકારી બી.ડી. નિનામાના સમયગાળા દરમિયાનજ મંજૂર કરાયા હોવાનું સામે આવ્યું છે.  ત્યારે આ અધિકારીના અન્ય સાથીદારોના નામ પણ તપાસમાં બહાર આવવાની સંભાવના છે. જ્યારે નકલી કચેરી કૌભાંડના માસ્ટર માઈન્ડ અબુ બકરના ફરતે ગાળીયો કસાતા તે આઘાતમાં સરી પડયો હતો. તેની તબિયત લથડતાં હાલ તે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે. આ કૌભાંડમાં દાહોદ ખાતેની એક પણ કચેરીનું સરનામું સાચું દર્શાવાયું નહી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેથી પત્ર વ્યવહાર ક્યાં અને કેવી રીતે થયો તે પણ સવાલ મહત્વનું બની રહ્યો છે. દાહોદ ખાતે અલગ અલગ વિસ્તારના સરનામા દર્શાવી કરોડોની ગ્રાન્ટ મેળવનારા આ કૌભાંડકારીઓએ જે તે કામ માટે લીધેલી ગ્રાન્ટ ક્યાં વાપરી તે પણ તપાસનો વિષય છે. 

પોલીસે આ મામલામાં તપાસ હાથ ધરી સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદના નામના બે ઠગબાજોને પકડયા હતા. આ બન્નેને કોર્ટમાં રજૂ કરીને ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. પૂછપરછમાં ચોંકાવનારી વિગતો એવી સામે આવી હતી કે દાહોદ અને ઝાલોદમાં પણ છ જેટલી સિંચાઇ વિભાગની બોગસ કચેરીઓ ઉભી કરી મોટું કૌભાંડ આચર્યું હતું. તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ કૌભાંડ 18 કરોડનું છે. આ ઠગબાજોએ બોગસ કચેરી હેઠળ દાહોદ અને ઝાલોદમાં 100 જેટલા વિકાસ કામો મંજૂર કરાવીને 18,59,96,774 રૂપિયા જેટલી રકમની ગ્રાન્ટ મેળવી લીધી હતી. આ કેસમાં પણ પોલીસ તપાસ ચાલી રહી છે.

NGO માટે કામ કરતાં અબુબકરને નકલી કચેરીનો આઈડિયા આવ્યો

માસ્ટર માઈન્ડ ગણાતા અબુબકર અને તેનો ભાઈ એજાજ કોન્ટ્રાક્ટર તરીકે નાના મોટા રીડેવલોપમેન્ટના કામો કરતા હતા. અખબારમાં એક જાહેરાત બાદ ધોરણ 10 પાસ નકલી કાર્યપાલક એન્જિનિયર સંદીપ રાજપૂત સાથે એજાજની મુલાકાત થઈ હતી. ત્યારબાદ આ બંનેએ સાથે મળીને નાના મોટા રીડેવલોપમેન્ટના કામો કર્યા હતાં. આ દરમિયાન માસ્ટર માઈન્ડ અબુ બકર એનજીઓ મારફતે સરકારી કામો કરતો હોવાથી તે વહીવટી પ્રક્રિયામાં પારંગત બન્યો હતો. જેથી નાનું નાનું કરવાના બદલે કંઈક મોટું કરવાનું વિચારીને અબુ બકરના દીમાગમાં નકલી કચેરી કૌભાંડના બીજ રોપાયા અને અબુ બકર અને એજાજના માર્ગદર્શનમાં નકલી કચેરી કૌભાંડનું પાયો નંખાયો હતો. જેમાં સંદીપ રાજપૂત નકલી નાયબ કાર્યપાલક એન્જિનિયર બન્યો હતો. દરમિયાન વડોદરા ખાતેની મુલાકાત બાદ અંકિત પણ  આ ટોળકીમાં જોડાયો હતો.

બી.ડી. નિનામાના કાર્યકાળમાં કુલ 82 કેસ મંજૂર કરાયા

કૌભાંડમાં ધરપકડ કરાયે લા તત્કાલીન IAS અધિકારી બી.ડી.નીનામાની વિકાસ ગાથા પણ અનેરી છે. વર્ગ-3ના કર્મચારી તરીકે જોડાયા બાદ પ્રમોશન મેળવી મેળવી અંતે IAS થયા હતા. દાહોદ પ્રાયોજના અમલદાર કચેરીમાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે તેમના કાર્યકાળ દરમિયાન આ કૌભાંડને અંજામ  આપ્યો હોવાનું બહાર આવ્યું છે. વર્ષ ૨૦૧૮થી ૨૦૨૩ દરમિયાન તેમના કાર્યકાળમાં  કુલ 82 કેસો મંજૂર કરાયા હતાં. જેમાંથી મોટાભાગના કેસો માત્ર એક જ દિવસમાં મંજૂર કરી દેવાયા છે.



Google NewsGoogle News