ગુજરાત ચૂંટણી: બીજા તબક્કામાં વડાપ્રધાન મોદી પ્રચાર માટે 35 સભાઓ ગજવશે
અમદાવાદ,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે પરંતુ તેમાં સૌથી વધુ જો ધ્યાન ખેંચ્યુ હોય તો પીએમ નરેન્દ્ર મોદીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ત્રણ જ દિવસમાં ગુજરાતમાં જુદા જુદા મતવિસ્તારોમાં ૧૬ જેટલી જાહેરસભા સંબોધી છે. જો કે, ચૂંટણી પ્રચારના બીજા તબક્કામાં પીએમ મોદી ૩૫ જનસભા સંબોધી ભાજપના પ્રચારકાર્યને બહુ મોટુ બળ પૂરું પાડશે.
આગામી દિવસોમાં ગુજરાતમાં વડાપ્રધાન મોદીના જાહેરસભા સહિતના ભરચક કાર્યક્રમો
વડાપ્રધાન મોદીની પ્રચારસભાઓ ભાજપ માટે ચૂંટણી પરિણામો પર બહુ નિર્ણાયક અને પરિણામલક્ષી અસરો પાડશે તેવું પણ રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં પીએમ મોદીએ ૧૬ જેટલી જાહેરસભા સંબોધી છે. જેમાં આજે રાજયના મહેસાણા, દાહોદ, ભાવનગર સહિતના મતક્ષેત્રોમાં વડાપ્રધાને વિશાળ જાહેરસભાને સંબોધન કર્યું હતું.
ભાજપે તેના સ્ટાર પ્રચારકો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા સહિતના મોટા માથાઓને પ્રચાર મેદાનમાં ઉતાર્યા છે પરંતુ તેમાં સૌથી વધુ જો આકર્ષણનું કેન્દ્ર બન્યા હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી. પીએમ મોદી આટલી ઉમંરે પણ એટલા જ ઉત્સાહ અને જોશ સાથે પ્રચારસભાને સંબોધન કરે છે અને જનતામાં પણ એટલો જ ઉત્સાહ અને પ્રેરણા પૂરા પાડે છે તે જોઇને રાજકીય દિગ્ગજોને નોંધ લેવી પડી રહી છે. વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચારના બીજા તબક્કામાં ૩૫ જાહેરસભા-રેલીને સંબોધન કરશે. જેમાં તેઓ ફરી એકવાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના રાજયના અન્ય મહત્ત્વના મતવિસ્તારોમાં પ્રચાર અભિયાન હાથ ધરશે. તા.૨૯મી નવેમ્બરે રાજયમાં પ્રચાર અભિયાન પૂરૂં થાય છે ત્યારે તે પહેલાં આ મહિનાના અંત પહેલાં પીએમ મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી પ્રચાર અભિયાનના અંતિમ તબક્કાને ફાઇનલ ટચ આપી માસ્ટર સ્ટ્રોક મારે તેવી પૂરી શકયતા છે. પીએમ મોદીના આગામી દિવસોમાં ભરચક કાર્યક્રમોને લઇ ભાજપ દ્વારા પણ આગોતરા આયોજન ચાલી રહ્યા છે.