નિલેશ કુંભાણી મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન, 'હાલ કોઈએ આ બાબતે...'
Lok Sabha Elections 2024: સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આજે કોંગ્રેસની શિસ્ત સમિતિએ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારબાદ આજે નિલેશ કુંભાણીનો એક વીડિયો સામે આવ્યો હતો. તો બીજી તરફ નિલેશ કુંભાણી મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મોટું નિવેદન આપ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, 'આ મુદ્દો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાનો છે. હું વકીલ છું, જે મેટર સબ જયુડીશીયલ થવા જઈ રહી છે તે મુદ્દે હાલ હું નહીં બોલું. નિલેશ કુંભાણીની ભલામણ બદઇરાદે થઈ છે કે કેમ તેની તપાસ થશે. આ બાબતે પિષ્ટપેષણ કરવું અયોગ્ય છે. હાલ કોઈએ આ બાબતે કૂદી પડવું ના જોઈએ.'
નિલેશ કુંભાણીનો વીડિયો જાહેર
નિલેશ કુંભાણીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે 'હું મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો, મારી બાબુભાઈ માગુંકિયા સાથે મારી વાત થઈ હતી. મેં સગા સંબધીને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કાઈ ડરવાની જરુર નથી. બધાનો સાથ સહકાર લઈને પીટીશન દાખલ કરવા અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોના ઈશારે કોંગ્રેસના કાર્યકરો અહીં ઘરે આવીને અને મારો વિરોધ પ્રદર્શન કરીને મને પરત ફરવા મજબૂર કર્યો હતો.'
નિલેશ કુંભાણી કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ
આજે કોંગ્રેસની શિસ્ત સમિતિએ એક પત્ર જાહેર કરીને નિલેશ કુંભાણીને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસની શિસ્ત સમિતિએ પત્રમાં જણાવ્યું છે કે, 'ફોર્મને રદ થવાની બાબતમાં તમારી (નિલેશ કુંભાણી) સંપૂર્ણપણે નિષ્કાળજી અથવા ભાજપ સાથે તમારું મેળાપીપણું હોવાની પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ આવ્યું હતી. આમ છતાં, કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તમે આવીને પૂરી સ્પષ્ટતા કરી શકો અને તમારો પક્ષ રજૂ કરી શકો તે માટે શિસ્ત સમિતિએ તમને સમય આપ્યો હતો. તમો નાટ્યાત્મક રીતે ગાયબ છો અને તમે કોઈપણ જાતનો તમારા પક્ષે ખુલાસો કર્યો નથી, જેથી પક્ષે છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.'