ગુજરાતમાં સમાન સિવિલ કૉડ નહીં સમાન કામ-વેતનની જરૂર, ભાજપે રાજકીય ગેંગવૉર ભુલાવવા પગલું ભર્યું?
Gujarat UCC: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકારે તૈયારી આદરી છે ત્યારે કોંગ્રેસે માંગ કરી છે કે, રાજ્યમાં સમાન સિવિલ કોડ નહીં, સમાન કામ-સમાન વેતનની જરૂર છે. એવો આક્ષેપ કરાયો કે, યુસીસીએ ભાજપની વોટબેન્કની રાજનીતિ સિવાય બીજુ કશું નથી. ગુજરાતમાં ભાજપની આંતરિક લડાઈ, રાજકીય ગેંગવોર અને લેટરકાંડના મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવા સરકારે યુસીસી કમિટીની રચના કરી છે.
વિપક્ષના પ્રહાર
ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. બેરોજગારી, મોઘવારી સહિતના પ્રશ્નોથી પ્રજા પિડાઈ રહી છે. સરકારની નિષ્ફળતાઓ વ્યાપક છે. આ બધાય મુદ્દાથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા સરકારે યુસીસી કમિટીની જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ બેટ દ્વારકામાં ગેરકાયદે ધાર્મિક સ્થળ હટાવવા ગુજરાત હાઈકોર્ટની લીલીઝંડી, તમામ અરજીઓ ફગાવી
UCCથી આદિવાસી સહિત અનેક જાતિની પરંપરાને થશે અસર
વધુમાં અમિત ચાવડાએ ઉમેર્યું કે, લઘુમતી સમાજની સાથે આદિવાસી, બક્ષીપંચ સહિત વિચરતી અને વિમુક્તિ જાતિ ઉપરાંત અન્યસમાજોના રીત રિવાજો અને પરંપરા પર અસર થશે. ભાજપમાં અલગ અલગ ગેંગો સામસામે પત્રો લખી રહી છે. નિવેદનબાજી કરી રહી છે. એકબીજાના કરતૂતો ખુલ્લા પાડી રહી છે ત્યારે ગુજરાતની જનતાનું ધ્યાન બીજે દોરવા યુસીસીની કમીટીની જાહેરાત કરાઈ છે.
સમાન સિવિલ કૉડ નહીં સમાન કામ-વેતનની જરૂર
રાજ્યમાં યુનિફોર્મ સર્વિસકોર્ડની જરુર છે તેવી માંગ કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું કે, આજે ગુજરાતમાં સમાન કામ-સમાન વેતનની અતિ જરૂરિયાત છે. ગુજરાતને આજે યુનિફોર્મ એજ્યુકેશન કોડની જરૂર છે કેમકે, પરવડે તેવી ફીમાં સારુ શિક્ષણ મેળવી શકે. યુનિફોર્મ હેલ્થ કોડની જરુર છે તેનું કારણ એ છે કે, ગરીબ-મધ્યમ વર્ગના લોકો ઓછી ફીમાં સારી તબીબી આરોગ્ય સેવા મેળવી શકે. ટૂંકમાં, રાજ્ય સરકારે શિક્ષણ, સ્વાસ્થય, સુરક્ષા સહિત ખેડૂત- ખેતી અને ગામડાને બચાવવા કાયદો ઘડી અમલવારી કરવી જોઈએ.