Get The App

વડોદરા, સુરત, ભરૂચ, સૌરાષ્ટ્રમાં જળબંબાકારને પગલે તંત્ર સફાળું જાગ્યું, રાજ્યની સ્થિતિનો તાગ મેળવ્યો

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
Bhupendra Patel Review Meeting State rainfall situation
Image : Twitter

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પોરબંદર, દ્વારકા, જામનગર, ભુજ, નખત્રાણા, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકાના વરસાદ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારે હવે આજે (25 જુલાઈ) ગાંધીનગર સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચીને વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

CMએ વીડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી

મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત 7 જિલ્લાઓના કલેક્ટરો અને વડોદરા તથા સુરત મ્યુનિસપિલ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી હતી. અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય, અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે તેમણે જાયજો મેળવ્યો હતો.

આ પણ વાંચો: સુરત જળમગ્નઃ ખાડીપૂરના ગંદા પાણી ઘરોમાં ઘૂસતા લોકોને હાલાકી, હજુ વરસાદની આગાહી

Bhupendra Patel Review Meeting State rainfall situation

સતર્કતા સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું

મુખ્યમંત્રીએ જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં પાણી ઓસરે અને વરસાદ અટકે એટલે તુરંત જ માટી-કાંપની સફાઈ, જંતુનાશક દવાઓના છંટકાવ તથા પડી ગયેલા ઝાડની આડશો દૂર કરવાના કામો અગ્રતાએ ઉપાડવા સૂચનાઓ આપી હતી. તેમજ જિલ્લા તંત્ર વાહકોની સતર્કતા અને સંકલનને પરિણામે આપણે વ્યાપક નુકશાન અટકાવી શક્યા છીએ તેમ જણાવ્યું હતું. આવનારા દિવસોમાં ચોમાસામાં જો હજુ વધુ વરસાદ પડે તો પણ આજ સતર્કતા સાથે કાર્યરત રહેવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું. સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંકલનમાં રહીને  ઓછામાં ઓછું નુકશાન થાય તેવા આગોતરા આયોજન માટે પણ મુખ્યમંત્રીએ સૂચનો કર્યા હતા.

આ પણ વાંચો: વડોદરામાં 13 ઇંચ ખાબક્યા બાદ મેઘરાજાના ખમૈયા, વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી, જનજીવન ઠપ

માર્ગ-મકાન વિભાગને સૂચનાઓ આપી

વરસાદને પરિણામે રાજ્યના જે વિસ્તારોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે ત્યાં યુદ્ધના ધોરણે મરામત કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા તંત્ર કામે લાગ્યું છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી. માર્ગોને થયેલા નુકસાન, બંધ થયેલા માર્ગો ત્વરાએ પુનઃવાહન વ્યવહારયુક્ત બને તે માટે ઝાડ-થાંભલા વગેરેની આડશો હટાવવા જે.સી.બી સહિતની મશીનરી કામે લગાડવા તેમણે માર્ગ-મકાન વિભાગને સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને તાકીદ કરી

આ હેતુસર જરૂર જણાયે નજીકના જિલ્લામાંથી સાધનો અને મેનપાવરની વ્યવસ્થા કરીને પણ સ્થિતિ ઝડપભેર પૂર્વવત કરવા ભૂપેન્દ્ર પટેલે એ સંબંધિત વિભાગોને પણ તાકીદ કરી હતી. રાજ્યમાં હાલની સ્થિતિએ જે જળાશયો, ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયા છે કે ભયજનક સપાટીએ છે તે વિસ્તારોના વરસાદ, ઉપરવાસના વરસાદનું સતત મોનિટરિંગ કરી અને કમાન્ડ તથા કેચમેન્ટ વિસ્તારના લોકોની જાન-માલ સલામતીના પગલાં લેવાય તેની તાકીદ પણ મુખ્યમંત્રીએ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 54 ટકા ભરાયો, 46 જળાશયો છલકાતા એલર્ટ

મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો 

માનવ મૃત્યુ, પશુમૃત્યુ, ખેતીવાડી નુકસાન વગેરે કિસ્સામાં યોગ્ય સર્વે કરીને સહાય માટેના પ્રબંધો અંગે પણ બેઠકમાં ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી. NDRF અને SDRFની ટીમ બચાવ, રાહત અને રેસ્ક્યુ કામગીરીમાં સ્થાનિક તંત્રની મદદમાં તૈનાત છે તે અંગેની વિગતો પણ મુખ્યમંત્રીએ મેળવી હતી. આ વરસાદી આફતનો ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે સામનો કરવા તેમજ હવામાન વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત-બચાવ ઉપાયો માટે તેમણે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો. 

આ પણ વાંચો: ગુજરાતમાં સિઝનનો સરેરાશ 53 ટકાથી વધુ વરસાદ, સૌથી વધારે આ ઝોનમાં નોંધાયો

વડોદરા, સુરત, ભરૂચ, સૌરાષ્ટ્રમાં જળબંબાકારને પગલે તંત્ર સફાળું જાગ્યું, રાજ્યની સ્થિતિનો તાગ મેળવ્યો 3 - image


Google NewsGoogle News