Get The App

લોનથી લઈને ભાડાપટ્ટા સુધી ગુજરાતનાં બજેટમાં સ્ટેમ્પ ડ્યુટી પર ત્રણ મોટી રાહત

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
લોનથી લઈને ભાડાપટ્ટા સુધી ગુજરાતનાં બજેટમાં સ્ટેમ્પ ડ્યુટી પર ત્રણ મોટી રાહત 1 - image


Gujarat Budget 2025: ગુજરાત રાજ્યનું વર્ષ 2024-25 નું બજેટ બુધવારે (20 ફેબ્રુઆરી) નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, Ease of Living ના મંત્રને લક્ષ્યમાં રાખીને સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની જોગવાઈમાં સરળીકરણ કરી પ્રજાલક્ષી સુધારાઓ આવરી લેતું વિધેયક રજૂ કરવામાં આવશે,  જેમાં અમુક સુધારા કરવામાં આવશે.

કનુભાઈ દેસાઈએ આ વિશે વધુ વાત કરતાં કહ્યું કે, વારસામાં મળતી સંપત્તિમાં આવસાન પામેલી દીકરીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના લેખ પર, વર્તમાન 4.90% સ્ટેમ્પ ડ્યુટીના બદલે પુત્રોના વારસદારોની જેમ ફક્ત 200 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે. 

આ પણ વાંચોઃ અંબાજી માટે 180 કરોડ, દ્વારકા-બહુચરાજીનો પણ વિકાસ: ગુજરાતમાં ટુરિઝમ વધારવા બજેટમાં મોટી જાહેરાત

1 કરોડ સુધીની લોન પર સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની જોગવાઈ મુજબ, વર્તમાન સમયમાં રૂપિયા 1 કરોડ સુધીની મોર્ગેજ લોન પર 0.25% લેખે મહત્તમ 25 હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થાય છે. જે ઘટાડીને હવે મહત્તમ 5 હજારની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે. જેથી હાઉસિંગ લોન ધારકો તેમજ નાના ઉદ્યોગકારો જેવા વર્ગોને આર્થિક લાભ થશે તેમજ સરળતા વધશે.

એક વર્ષ કરતાં ઓછા સમયગાળાના ભાડાપટ્ટાના લેખ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર 1% સ્ટેમ્પ ડયુટી ભરવાની જોગવાઇ છે. જેના સ્થાને રહેણાંક માટે 500 રૂપિયા તથા વાણિજ્ય માટે 1000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે તેમજ અન્ય સમયગાળાના ભાડાપટ્ટાના લેખ માટે લાગુ પડતા દરોનું સરળીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત, નાગરિકો અને નાના ઉદ્યોગકારોના સમય અને શક્તિનો બચાવ થાય તે હેતુસર, ગીરોખત, ગીરોમુકિત લેખ, ભાડા પટ્ટા લેખ કરવા માટે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં જવાને બદલે, ઘરે બેઠા ઇ-રજીસ્ટ્રેશનની સુવિધા ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચોઃ મહિલાઓની આત્મનિર્ભરતા માટે નવી 'સખી સાહસ યોજના', વર્કિંગ વુમન માટે હોસ્ટેલ: બજેટમાં મહિલાઓ માટે 5 મોટી જાહેરાત

મોટર વ્હીકલ ટેક્સ

ગ્રીન ગ્રોથની સંકલ્પનાને સાકાર કરવાના ભાગરૂપે પર્યાવરણની જાળવણી અને સંવર્ધન માટે જે ઇલેક્ટ્રીક વાહનો પર હાલમાં 6% સુધી ઉચ્ચક(Lumpsum) વ્હીકલ ટેક્સ અમલમાં છે, તેવા સંપૂર્ણપણે ઇલેક્ટ્રીક બેટરીથી સંચાલિત વાહનો પર 1 વર્ષ માટે 5% સુધી રીબેટ આપી અસરકારક 1% લેખે વેરાનો દર રાખવાનો પ્રજાલક્ષી અને પર્યાવરણલક્ષી નિર્ણય કરેલ છે. વેરાના દરમાં વધુ સરળીકરણ માટે મેક્સી કેટેગરીમાં પેસેન્જર વહનની ક્ષમતા મુજબ હાલના ૮% તથા ૧૨%ના દરને બદલે એક જ દર એટલે કે ૬% દર રાખવામાં આવશે. જેનાથી રાજ્યના પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે. 



Google NewsGoogle News