Gujarat Budget : ગુજરાતનું 3 લાખ 70 હજાર કરોડનું બજેટ રજૂ, જુઓ કયા ક્ષેત્રને શું મળ્યું
Gujarat Budget News | ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરુઆત થઈ ચૂકી છે ત્યારે રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. તેમણે ચોથા બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષીય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે. તેમજ વિકસિત ભારત મિશનમાં ગુજરાતને સિંહફાળો આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું જણાવ્યું છે.
કયા મુદ્દાઓ પર મૂકાશે ભાર?
આ વખતે બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરુઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ ગઈ હતી. રાજ્યપાલે 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતા.
GUJARAT BUDGET 2025 UPDATES
દિવ્યાંગોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય
નાણામંત્રીએ બજેટમાં કહ્યું કે, “સંત સુરદાસ યોજના” હેઠળ 80 ટકાને બદલે હવેથી 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 85 હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
કન્યા છાત્રાલય અંગે મોટી જાહેરાત
10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે. તે સિવાય 81 લાખ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા 4827 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હતી.
5 લાખ રોજગારીના સર્જનનો વાયદો
મેન્યુફેકચરિંગ પાર્ક અને ટેક્સટાઇલ નીતિથી પાંચ લાખ રોજગારીનું સર્જન કરવામાં આવશે. તે સિવાય SC-ST-OBCને અભ્યાસ માટે 6 ટકા વ્યાજે લોન આપવાની પણ જોગવાઈ કરાઈ હતી. મહાનગરોમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે. વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ મળતી લોન અને સબસિડીની રકમમાં વધારો કરાયો હતો.
ITIને અપગ્રેડ કરવા માટે 450 કરોડની ફાળવણી
ઘરનું ઘર સ્વપ્ન સાકાર કરવા 3 લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન છે. બજેટમાં પોષણલક્ષી યોજના માટે 8,200 કરોડ રૂપિયા, મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડ, ITIને અપગ્રેડ કરવા માટે 450 કરોડની જોગવાઈ કરાઈ છે.
બજેટમાં 'સેન્ટ્રલાઇઝડ કીચન' યોજનાનું એલાન
ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓને ભોજન સારી ગુણવત્તાનું અને સમયસર મળી રહે તે માટે “સેન્ટ્રલાઇઝડ કીચન” યોજનાની જાહેરાત કરી છે, આ માટે નાણામંત્રીએ 551 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ યોજનાની જાહેરાત
મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ યોજના હેઠળ મુખ્ય શહેરોમાં ગ્રીન રિંગ રોડ વિકસાવવા માટે 200 કરોડની જોગવાઈ
બે નવા એક્સપ્રેસની જાહેરાત
રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમોશક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે.
બજેટની કેટલીક મહત્ત્વની જાહેરાતો...
આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5120 કરોડની ફાળવણી
વનબંધુ કલ્યાણ યોજના-2 અંતર્ગત વર્ષ 2021-22માં આગામી પાંચ વર્ષમાં 1 લાખ કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત માર્ચ 2025ના અંત સુધીમાં 69882 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે અને આ વર્ષે અંદાજિત 30121 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે.
સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે 912 કરોડની જોગવાઈ.
અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા 755 કરોડની જોગવાઈ.
664 આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતાં અંદાજે 1 લાખ વિધાર્થીઓ માટે 547 કરોડની જોગવાઈ.
176 સરકારી છાત્રાલયો અને 921 ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયોના અંદાજિત 70 હજાર વિદ્યાર્થીઓ માટે 313 કરોડની જોગવાઈ.
દૂધ સંજીવની યોજના અંતર્ગત 233 કરોડની જોગવાઈ.
રાજ્યમાં 48 એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ, 43 ગર્લ્સ લીટરસી રેસિડેન્શીયલ સ્કૂલ, બે સૈનિક સ્કૂલ તથા 74 આદર્શ નિવાસી શાળાઓ એમ કુલ 167 નિવાસી શાળાઓ કાર્યરત છે. જેનો વ્યાપ વધારતા આ વર્ષે ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલી ખાતે 4 નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ શરૂ કરવામાં આવશે. આમ આ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 40 હજાર વિદ્યાર્થીઓ માટે અને નવી શરુ થનાર સ્કૂલો માટે કુલ 285 કરોડની જોગવાઈ.
પ્રિ મેટ્રીકના આશરે 13 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા 160 કરોડની જોગવાઈ.
ધો.1થી 8માં અભ્યાસ કરતાં અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 108 કરોડની જોગવાઈ.
વિદ્યા સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી 33 હજાર આદિજાતિ વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે સાયકલ આપવા 15 કરોડની જોગવાઈ.
મુખ્યમંત્રી આદિમજુથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ 125 કરોડની જોગવાઈ.
મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ 102 કરોડની જોગવાઈ.
મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ 100 કરોડની જોગવાઈ.
સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ 87 કરોડની જોગવાઈ.
કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે 42 કરોડની જોગવાઈ.
આદિજાતિ વિસ્તારની નિવાસી શાળાઓમાં ગ્રીન કેમ્પસ બનાવવા 7 કરોડની જોગવાઈ.
આદિજાતિના લોકોને વ્યક્તિગત ધોરણે આવાસ સહાય માટે 99 કરોડની જોગવાઈ.
યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત આદિજાતિના યુવક-યુવતીઓ સ્વરોજગાર શરુ કરી આર્થિક વિકાસની નવી તકો ઊભી કરે તે હેતુથી બૅન્ક ધિરાણ પર વ્યાજ સહાય આપવા માટે 74 કરોડની જોગવાઈ.
નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ માટે મોટી જાહેરાત
- નવલખી અને મગદલ્લા બંદર માટે 250 કરોડ રૂપિયા
- યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ રૂપિયા
- દાહોદમાં નવું ગ્રીન ફિલ્ડ ઍરપોર્ટ વિકસાવાશે.
- પોરબંદર, ભાવનગર, સુરત ઍરપોર્ટના વિસ્તરણ માટે 210 કરોડ રૂપિયા
- પારસી સર્કિટ, ક્રૂઝ ટુરિઝમ, બીચ હોટલ્સ માટે 50 કરોડની જોગવાઈ
- નાના શહેરોને મોટા શહેરોનો હવાઈ માર્ગે જોડવા 45 કરોડની ફાળવણી
ઉદ્યોગ અને ખાણ વિભાગને શું મળ્યું?
બંદરો અને વાહન વિભાગ માટે 4283 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ હતી. જ્યારે વિદ્યા અને ટૅક્નોલૉજી વિભાગ માટે 2535 કરોડ રૂપિયા તથા, ઉઘોગ અને ખાણ વિભાગ માટે 11706 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ હતી. બીજી બાજુ પ્રવાસન યાત્રાધામ માટે 2748 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ હતી.
કયા મંત્રાલયને કેટલા ફંડની ફાળવણી
- કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22498 કરોડ રૂપિયા
- ઉર્જા અન પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 6751 કરોડ રૂપિયા
- સામાન્ય વહીવટ વિભાગ માટે 1999 કરોડ રૂપિયા
- કલાયમેન્ટ ચેન્જ માટે 429 કરોડ રૂપિયા, ગૃહ વિભાગ માટે 12659 કરોડ રૂપિયા
- કાયદા વિભાગ માટે 2654 કરોડ રૂપિયા
- માહિતી અને પ્રસારણ વિભાગ માટે 362 કરોડ રૂપિયા
- મહેસુલ વિભાગ માટે 5427 કરોડ રૂપિયા
- વન અને પર્યાવણ વિભાગ માટે 3140 કરોડ રૂપિયા
બજેટમાં મહત્ત્વના વિભાગો માટેની ફાળવણી
- શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડની જોગવાઈ
- આરોગ્ય અને પરિવહન-કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડની જોગવાઈ
- સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે 6,807 કરોડની જોગવાઈ
- મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ
- અન્ન-નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2,712 કરોડની જોગવાઈ
- રમત-ગમત, યુવા-સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ માટે 1,093 કરોડની જોગવાઈ
- માર્ગ-મકાન વિભાગ માટે 24,705 કરોડ રૂપિયાની જોગવાઈ
- આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની જોગવાઈ
- શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયાની જોગવાઈ
- પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયાની જોગવાઈ
બજેટની મોટી જોગવાઈઓ....
- શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા
- બજેટમાં આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની
- શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા
- પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયા
- નર્મદા, જળસંપતિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,642 કરોડ રૂપિયા
- ભાડભૂત બેરેજ યોજના માટે 876 કરોડ રૂપિયાની જોગવાઈ
એસટી બસ સુવિધા અંગે મોટી જાહેરાત
1450 ડિલક્સ અને 450 મીડી બસ એમ કુલ 1850 નવી બસ, 200 પ્રીમિયમ એસી બસો અને 10 કાર વાન મૂકાશે. એસટી બસના અકસ્માત નિવારવા માટે ઓડિયો-વીડિયો ઍલર્ટ સિસ્ટમ ગોઠવાશે
દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ ઍરપોર્ટ વિકસાવાશે
દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ ઍરપોર્ટ બનાવવામાં આવશે. આ સાથે નાના શહેરોને હવાઈ માર્ગે જોડવા માટે 45 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે કુલ 617 કરોડ રૂપિયાની જોગવાઈ
માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદના સભર “પઢાઈ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-2024થી શરુઆત કરવામાં આવેલ છે. જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ 617 કરોડ રૂપિયાની જોગવાઈ કરીએ છીએ.
આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઈ
બાળકોના પોષણ અને વિકાસને સુદૃઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયા
શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ 290 કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
MSMEને પ્રોત્સાહન
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ એમએસએમઈને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. જેમાં MSME અને સ્ટાર્ટઅપની વિવિધ યોજનાઓ માટે 3600 કરોડ રૂપિયાની જોગવાઈ છે. ટેક્સટાઇલ નીતિના કારણે 5 લાખ લોકોને રોજગાર મળશે. વધુમાં ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાયો માટે બે હજાર કરોડ રૂપિયાની ફાળવણી
દિવ્યાંગોને વાર્ષિક રૂ. 12 હજારની સહાય
નાણામંત્રીએ દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે. જેમાં 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ 85 હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે.
સરકારી આવાસને પ્રોત્સાહન આપશે
નાણામંત્રીએ સરકારી આવાસને વેગ આપવા પર ફોક્સ કર્યું છે. ગુજરાતના ગરીબો માટે ત્રણ લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રૂ. 200 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. આવાસ ખરીદવા પર સરકાર 1.70 લાખ રૂપિયા સબસિડી આપશે.
નાણાંમંત્રીએ રજૂ કર્યું બજેટ
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ 2025-26 રજૂ કર્યું છે. તેમણે ભાષણમાં રાજકોષીય ખાધ ઓછી રાખવા તેમજ સેમિ કંડક્ટર ક્ષેત્રે વિકસિત ભારત વિઝનને સાકાર કરવા પર ભાર મૂક્યો છે.
ગુજરાતનું લાઇવ બજેટ ક્યાં જોઈ શકાશે?
ગુજરાતના અંદાજપત્ર સાથે નાણામંત્રી કનુ દેસાઈની તસવીર સામે આવી
નાણાંમંત્રી કનુ દેસાઈ ગુજરાત વિધાનસભામાં 2025-26નું અંદાજપત્ર રજૂ કરવા આવી પહોંચ્યા છે. તેમણે રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ રાખ્યું હતું. આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાર્લી પેઇન્ટિંગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે. સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને દર્શાવેલ છે. આમ આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે.
બજેટ પહેલા કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ
બજેટ પહેલા બીજા દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં દેખાવો કર્યા હતા. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ દેખાવો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ હથકડી અને પોસ્ટર પહેરીને કોંગ્રેસના ધારાસભ્યોએ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોને જે રીતે હથકડી અને સાંકળ બાંધીને મોકલવામાં આવ્યા હતા તેને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
બજેટ અંગે ઋષિકેશ પટેલનું નિવેદન
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે આ વખતે ગુજરાતનું વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવશે. ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ પર બજેટ ખરું ઉતરશે. દરેક ક્ષેત્રને આવરી લેતું બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં દરેકની આશાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.
આ વખતનું બજેટ 11 ટકા વધુ હોવાનો અંદાજ
નાણાંમંત્રી કનુભાઈ આ વખતે બજેટમાં લગભગ 11 ટકાનો વધારો વધારી શકે છે. જેથી આ વખતનું બજેટ લગભગ પોણા ચાર લાખ કરોડની રકમને આંબી શકે છે. જ્યારે બીજી બાજુ થોડા દિવસ પહેલા જ રાજ્યમાં 9 મહાનગરપાલિકાઓ અને 1 નવા જિલ્લા અંગે જાહેરાત કરવામાં આવી હતી જેને લઈને પણ બજેટમાં મહત્ત્વની જાહેરાત કરવામાં આવી શકે છે.
ગત વર્ષનું બજેટ 3,32,465 કરોડનું હતું
ગયા વર્ષે રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. રાજ્ય સરકારે જે બજેટ 2024-25 રજૂ કર્યું હતું એ ઐતિહાસિક કુલ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ હતું. ત્યારે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ તેમનું ત્રીજું બજેટ રજૂ કર્યું હતું.
ગુજરાતનું પહેલું બજેટ કોણે રજૂ કર્યું હતું?
1 મે 1960ના રોજ મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયું. ત્યારપછી ગુજરાતનું પહેલું બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. તે સમયે ડૉ. જીવરાજ મહેતા મુખ્યમંત્રી પણ હતા અને નાણાંમંત્રીનો હોદ્દો પણ તેમની પાસે જ હતો. ગુજરાતનું પહેલું બજેટ 22 ઑગસ્ટ 1960ના રોજ અમદાવાદ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
પેપરલેસ બજેટ રજૂ કરાશે
ગુજરાત વિધાનસભામાં આજે નાણાંકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરાશે. આ બજેટમાં કુલ 10 જેટલી નવી જાહેરાતો પણ કરાઈ શકે છે. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક પણ રજૂ થશે.
વિપક્ષની કેવી છે તૈયારી?
ગુજરાત વિધાનસભામાં આ બજેટ સત્ર લગભગ દોઢ મહિનો ચાલશે. જેમાં વિપક્ષે પણ સરકારને ઘેરવાની તૈયારી કરી રાખી છે જેમાં વિપક્ષ દ્વારા જમીન કૌભાંડ, ખ્યાતિકાંડ, ભરતી કાંડ સહિતના વિવિધ મુદ્દે સરકારે ઘેરવાનો પ્રયાસ કરશે.
બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે
આ વખતે કનુભાઈ દેસાઈ પર રજૂ કરવામાં આવનારા સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પ્રથમ દિવસે બે મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. જ્યારે બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.
ગુજરાત વિધાનસભામાં આચાર્ય દેવવ્રતનું સંબોધન