ગુજરાતના યુવાનોનું સરકારી નોકરીનું સપનું પૂરું થશે, 22,000થી વધુ શિક્ષકની ભરતી કરવાનું આયોજન, બજેટમાં મોટી જાહેરાત
More Than 22,000 teacher Recruitment Announcement in the Budget : ગુજરાત રાજ્યના 2025-26ના બજેટમાં સરકારી નોકરીઓને લઈને મોટા આયોજનને લઈને જાહેરાત કરવામાં આવી હતી. જેથી સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાનોનું સરકારી નોકરીનું સપનું સાકાર થતું જોવા મળી રહ્યું છે. જેમાં સરકાર દ્વારા આગામી સમયમાં 22,000થી વધુ શિક્ષકની ભરતી કરવાનું આયોજન છે, જ્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને અસરકારક બનાવવા માટે SRP, બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે સંવર્ગની 14 હજારથી વધુ ભરતી કરવાનું આયોજન છે.
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજિત 22,000 કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. તો બીજી તરફ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5ની 5000 જગ્યાઓ, ધોરણ 6થી 8ની 7000 જગ્યાઓ અને અન્ય માધ્યમની 1852 જગ્યાઓ એમ કુલ 13852 જગ્યાઓ ભરવા વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેની કામચલાઉ મેરિટ યાદી આજે બપોરે 3:30 વાગે પ્રસિદ્ધ કરવામાં આવશે. આ કામ ચલાઉ યાદી https://vsb.dpegujarat.in પર પ્રસિદ્ધ કરવામાં આવશે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને લઈને જાહેરાત
- 'મિશન સ્કૂલ્સ ઑફ એકસેલન્સ' અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે 5000થી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે ₹2914 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- 'નમો લક્ષ્મી યોજના' માટે ₹1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- 'રાઇટ ટુ એજયુકેશન ઍક્ટ' અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹782 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના' અંતર્ગત અંદાજે 2,50,000 વિદ્યાર્થીઓને સહાય માટે ₹250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- એસ.ટી. નિગમની બસોમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન માટે ₹223 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- જ્ઞાનશક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ્સ ઑફ એકસલન્સ માટે ₹200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજિત 22,000 કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે.
- 'મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ' હેઠળ અંદાજે 75,000 વિદ્યાર્થીઓને સહાય માટે ₹ 100કરોડની જોગવાઈ.
- મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અંદાજે 90,000 વિદ્યાર્થીઓને સહાય માટે ₹ 70 કરોડની જોગવાઈ.
SRP, બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે સંવર્ગની 14 હજારથી વધુ ભરતી કરવાનું આયોજન
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી કાયદો અને વ્યસ્થાની કથળતી સ્થિતિના ઉદાહરણ સામે આવ્યા છે. એવામાં ગુનાખોરી ઘટાડવા માટે ગુજરાત રાજ્યના 2025-26ના બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતાં સમયે નાગિરકોની સુરક્ષા અને સલામતી માટે ખાસ જોગવાઈ અને નવી પોલીસ ભરતી માટે મહત્ત્વની જાહેરાત કરી છે.
નાણાંમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને અસરકારક બનાવવા માટે SRP, બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે સંવર્ગની 14 હજારથી વધુ ભરતી કરવાનું આયોજન છે. માર્ગ સલામતીના પગલાં વધારવા તથા ટ્રાફિક નિયમોના અસરકારક અમલીકરણ માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે.