ગુજરાતનો દરિયાકાંઠો નશીલા પદાર્થોની હેરાફેરીનો હબ! કચ્છમાંથી ફરી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
Drugs Found In Kutch: ગુજરાતનો દરિયાકાંઠો જાણે નશીલા પદાર્થોની હેરાફેરી માટે હબ બની ગયું હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણાં દિવસોથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી માદક પદાર્થોનો જથ્થો મળી આવે છે. ત્યારે આજે (20મી જૂન) બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોએ કચ્છના સરક્રીક વિસ્તારમાંથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં હેરોઈન, ચરસના ત્રણ અલગ અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા હતા. છેલ્લા એક અઠવાડિયામાં BSFએ 150થી વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે.
નશીલા પદાર્થો મળવાનો સિલસિલો યથાવત્
કચ્છના દરિયાકાંઠેથી બુધવારે (19મી જૂન) સર્ચ ઓપરેશન દરમિયાન 60 પેકેટ ચરસના મળી આવ્યા હતા. અગાઉ 18મી જૂને પણ બે જુદા જુદા બેટ પરથી ડ્રગ્સના 23 પેકેટ મળી આવ્યા હતા. ત્યારે સતત મળી રહેલા નશીલા પદાર્થોના જથ્થાને પગલે સુરક્ષા એજન્સીઓએ સઘન પેટ્રોલિંગની પ્રક્રિયા વધારી દીધી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, આ નશીલા પદાર્થોનો જથ્થો પાકિસ્તાન તરફથી આવે છે. પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ માછીમારી બોટમાં પેડલરો મારફતે ડ્રગ્સ મોકલતા હોય છે. દરિયામાં કોસ્ટગાર્ડ કે અન્ય એજન્સીની બોટ જોઈ જાય તો આ પેડલરો આ માદક પદાર્થોના કોથળા દરિયામાં ફેંકી દે છે. ચરસ સહિતના માદક પદાર્થોને પેકિંગ એવી રીતે કરવામાં આવે છે કે, દરિયાના પાણીથી આ પેકેટને નુકશાન થતું નથી. દરિયો કોઈપણ વસ્તુ સમાવતો નથી એટલે દરિયાનાકાંઠે ફેંકી દે છે અને તે એજન્સીઓના હાથે લાગે છે.