ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ 82.56% જાહેર, આ જિલ્લાનું સૌથી વધુ, આ રીતે રિઝલ્ટ ચેક કરો
Gujarat Board SSC Results: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું થોડા દિવસ પહેલા પરિણામ જાહેર કરી દેવાયું હતું ત્યારે હવે આજે ધોરણ 10 (SSC)નું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ તેમજ વોટ્સએપ નંબર 6357300971 નંબર પર તેમનો બેઠક ક્રમાંક મોકલીને તેમના પરિણામની વિગતો જાણી શકશે. ધોરણ 10નું બોર્ડની પરીક્ષાનું પરિણામ 82.56 ટકા જાહેર થયું છે.
જાણો આ વખતનું રિઝલ્ટ કેવું રહ્યું...?
ધોરણ 10ના બોર્ડના રિઝલ્ટની વાત કરીએ તો આ વખતે પરિણામ 82.56 ટકા જાહેર થયું છે. આ વખતે કુલ 6,99,598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમનું પરિણામ 82.56 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્ર દાલોદ (જિલ્લો અમદાવાદ ગ્રામ્ય) 100 ટકા, તલગાજરડા (જિલ્લો ભાવનગર) 100 ટકા રહ્યા છે. જ્યારે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર રહ્યો છે જેનું પરિણામ 87.22 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલલો પોરબંદર જેનું 74.57 ટકા રહ્યું છે. આ વખતે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની વાત કરીએ તો આ વખતે 2023ની તુલનાએ આવી સ્કૂલોની સંખ્યા વધીને 1389ને આંબી ગઈ છે જે 2023માં 272 જ હતી. 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા આ વખતે ઘટી છે જે 70ની આજુબાજુ છે.
ધોરણ 10ના પરિણામની સંપૂર્ણ વિગત
ક્યારે લેવાઈ હતી પરીક્ષા?
નોંધનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પરથી સવારે આઠ વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડનું વર્ષ 2023માં ઘોરણ 10નું 64.62 ટકા પરિણામ આવ્યુ હતુ.