વડોદરામાં બોર્ડ પરીક્ષાની તૈયારીઓ પેપરો મૂકવાના સ્ટ્રોંગરુમ કાર્યરત કરાયા
વડોદરાઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ચાલી રહેલી પરીક્ષાઓ વચ્ચે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાની તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે.જેના ભાગરુપે વડોદરા શહેરમાં ચાર સ્ટ્રોંગરુમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.આ વખતે તા.૨૭ ફેબુ્રઆરીથી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થવાનો છે.
ડીઈઓ કચેરીના સૂત્રોએ કહ્યું હતું કે, પરીક્ષા કેન્દ્રો પરના બિલ્ડિંગોમાં સીસીટીવી કેમેરા ચેક કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે.ધો.૧૦ અને ધો.૧૨ના કુલ બાર ઝોનમાં ઝોનલ અધિકારીઓની નિમણૂક પણ કરી દેવામાં આવી છે.સાથે સાથે વડોદરા શહેરમાં પરીક્ષાને ધ્યાનમાં રાખીને ચાર ઝોનમાં ચાર સ્ટ્રોંગરુમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.જેમાં પરીક્ષાના આગલા દિવસે પેપરો મૂકવામાં આવશે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.
બોર્ડ પરીક્ષાની તૈયારીઓના ભાગરુપે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક પણ આવતીકાલે, બુધવારે અથવા તો ગુરુવારે બોલાવવામાં આવે તેવી શક્યતાઓ છે.ડીઈઓ કચેરીના સૂત્રોએ કહ્યું હતું કે, આજથી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હોલ ટિકિટો પણ ડાઉનલોડ કરવાનું શરુ થઈ ગયું છે.સ્કૂલો દ્વારા આચાર્યના સહી સિક્કા સાથે આવતીકાલ, બુધવારથી હોલ ટિકિટોનું વિતરણ શરુ કરવામાં આવી શકે છે.વડોદરા શહેર જિલ્લામાંથી ધો.૧૦ના ૬૩૭૪૦ અને ધો.૧૨ના વિજ્ઞાાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના ૩૬૮૭૦ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપનાર છે.
૭ એપ્રિલથી વડોદરામાં ૩ લાખ વિદ્યાર્થીઓ ધો.૩ થી ૮ની વાર્ષિક પરીક્ષા આપશે
શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૩ થી ૮ની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે.આ તમામ ધોરણના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા તા.૭ એપ્રિલથી યોજાશે.ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ એમ બંને પ્રકારની સ્કૂલોએ એક જ ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષા લેવાની હોવાથી વડોદરા શહેર અને જિલ્લામાં લગભગ ૩ લાખ જેટલા વિદ્યાર્થીઓની એક સાથે પરીક્ષા લેવાશે.તા.૨૫ એપ્રિલ સુધી આ પરીક્ષા ચાલશે.તમામ સ્કૂલોએ શિક્ષણ વિભાગે નક્કી કરેલી પેપર સ્ટાઈલ પ્રમાણે જ પ્રશ્નપત્રો તૈયાર કરવાના રહેશે.ગ્રાન્ટેડ સ્કૂલોના પ્રશ્નપત્ર એક સરખા રહેશે.નોન ગ્રાન્ટેડ સ્કૂલો ઈચ્છે તો આ પેપરોનો ઉપયોગ કરી શકશે.પેપરોનું પ્રિન્ટિંગ જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કરાવવાનું રહેશે.
કોમર્સ ફેકલ્ટીમાં૧૫૦૦૦ વિદ્યાર્થીઓની ઈન્ટરનલ પરીક્ષા, ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સર્જાઈ શકે છે
એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પહેલી વખત તા.૧૯ ફેબુ્રઆરી, બુધવારથી એક સાથે એફવાય, એસવાય અને ટીવાયની ઈન્ટરનલ પરીક્ષાનો પ્રારંભ થશેે.કોમર્સ ફેકલ્ટીમાં ૧૫૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ એક સાથે પરીક્ષા આપશે.જેમના માટે ફેકલ્ટીના જ વિવિધ બિલ્ડિંગોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ફેકલ્ટીના ટાઈમ ટેબલ પ્રમાણે ટીવાયની પરીક્ષા ૧૧ વાગ્યાથી, એસવાયની પરીક્ષા બપોરે ૧૨-૩૦ વાગ્યાથી અને એફવાયની પરીક્ષા બપોરે ૩ વાગ્યાથી શરુ થશે.આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હોવાથી યુનિવર્સિટી કેમ્પસમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા પણ સર્જાઈ શકે છે.જેને ધ્યાનમાં રાખીને કોમર્સ ફેકલ્ટી સત્તાધીશોએ યુનિવર્સિટીની સિક્યુરિટીની સાથે સાથે ટ્રાફિક પોલીસની પણ મદદ માગી છે અને પોલીસ તંત્રને આ માટે એક પત્ર પણ લખ્યો છે.