Get The App

જ્યાંથી PM મોદી ચૂંટણી લડ્યા હતા એ ગુજરાતની લોકસભા બેઠક પર ભાજપમાં ભડકો

Updated: Mar 14th, 2024


Google News
Google News
જ્યાંથી PM મોદી ચૂંટણી લડ્યા હતા એ ગુજરાતની લોકસભા બેઠક પર ભાજપમાં ભડકો 1 - image


Vadodara Politics : વડોદરા લોકસભા બેઠક... આ બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી લડ્યા હતા. ત્યારે હવે આ બેઠક પર ભાજપમાં ભડકો થયો છે. વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટનું પત્તુ કપાશે તેવી ચર્ચા હતી પરંતુ ભારે વિવાદો બાદ પણ ભાજપે રંજન ભટ્ટને ત્રીજીવાર ટિકિટ આપીને રિપીટ કર્યા છે. જેને લઈને હવે વડોદરામાં એક નવો વિવાદ શરૂ થયો છે. વડોદરામાં ભાજપ નેતા જ્યોતિબેન પંડ્યા ટિકિટ ન મળતા નારાજ થયા હતા. ત્યારે હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડોદરાના ડૉ.જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી છ વર્ષ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. મહત્વનું છે કે, જ્યોતિબેન પંડ્યા ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા હતા. જ્યોતિબેન પંડ્યા વડોદરા શહેરના મેયર રહી ચૂક્યા છે. તેઓ ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને ભાજપના મધ્ય ઝોન પ્રવક્તા હતા. જોકે, હાલ તેમની ભાજપ પક્ષના તમામ પદો અને પ્રાથમિક સભ્યપદેથી હકાલપટ્ટી કરી દેવાઈ છે.

સસ્પેન્ડ થયા બાદ ડૉ. જ્યોતિબેન પંડ્યાએ શું કહ્યું?

પક્ષમાંથી સસ્પેન્ડ કરવા મામલે ડૉ. જ્યોતિબેન પંડ્યાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે રંજનબેન ભટ્ટ સામે કેટલાક સવાલો ઉભા કર્યા અને રંજનબેનનું નામ લીધા વગર ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવ્યા છે. ડૉ. જ્યોતિબેન પંડ્યાએ કહ્યું કે, 'વડોદારનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. શહેરના વિકાસના રૂપિયા ક્યાં જાય છે? રંજનબેનને શા માટે વારંવાર ટિકિટ આપવામાં આવી રહી છે? અમદાવાદ, સુરતની જેમ વડોદરાનો વિકાસ કેમ નથી થતો? રંજનબેનના કારણે કાર્યકરો દુઃખી છે. છેલ્લા ઘણા સમયથી વડોદરાના વિકાસની મૂડી ઘસાઈ રહી છે. શહેર જેને પસંદ નથી કરતું પાર્ટીએ તેને ટિકિટ આપી છે. વારાણસીની જેમ વડોદરાનો ક્યારે વિકાસ થશે ? હું લોકસભા ઉમેદવાર માટે લાયક છું. મે સવારે પાર્ટી છોડવા મુદ્દે હાઈકમાન્ડને જાણ કરી છે. હું છેલ્લા 30 વર્ષથી સક્રિય કાર્યકર છતાં પાર્ટીએ મને ટિકિટ ન આપી. રંજનબેનને ત્રીજી વખત ટિકિટ આપવાની પક્ષની એવી કઈ મજબૂરી હશે કે ખ્યાલ નથી.'

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ થોડા સમય અગાઉ વડોદરાનો વિકાસ રૂંધાયો હોવાની વાત કરી હતી. ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અમદાવાદની સુરતની વચ્ચે હોવા છતા વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું.

ડૉ. જ્યોતિબેન પંડ્યા લોકસભા લડે તેવી સંભાવના

જ્યોતિબેને આ વર્ષે અને પાંચ વર્ષ પહેલા 2019માં પણ વડોદરા લોકસભા બેઠક પરથી લોકસભાની ટિકિટની માંગી હતી. ભાજપ દ્વારા લોકસભાની ટિકિટ ન મળવા અને રંજનબેન ભટ્ટને ફરી ટિકિટ આપવાને લઈને નારાજ થયેલા ડૉ. જ્યોતિબેન પંડ્યા લોકસભા લડશે તેવા સમાચાર મળી રહ્યા છે. ડૉ. જ્યોતિબેન પંડ્યા કોંગ્રેસ અથવા અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે જો હવે જ્યોતિબેન ચૂંટણી લડે તો વડોદરા બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળી શકે છે.

વડાપ્રધાન મોદી પણ આ બેઠકથી લડ્યા હતા ચૂંટણી

વડોદરા બેઠક પર જ્યાં રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે તે બેઠક પર અગાઉ વડાપ્રધાન મોદી પણ ચૂંટણી લડ્યા હતા. તેમણે પોતાની બેઠક ખાલી કરીને વારાણસીની બેઠક જાળવી રાખતા વડોદરામાં પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં ભાજપે રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી. રંજનબેન ભટ્ટ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના તત્કાલિન શહેર પ્રમુખ નરેન્દ્ર રાવત સામે જંગી બહુમતીથી ચૂંટાયા હતા.

રંજનબેન ભટ્ટને લઈને પ્રેસ કોન્ફરન્સ કરે તે પહેલા જ કરાયા સસ્પેન્ડ

ડૉ.જ્યોતિબેન પંડ્યા વડોદરા શહેરના ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. જેને લઇને ભાજપ દ્વારા તેમની તાત્કાલિક ધોરણે હકાલપટ્ટી કરવામાં આવી છે. જેમાં ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાજપના મધ્ય ઝોન પ્રવક્તા ડો. જ્યોતિબેન પંડ્યાને ભાજપ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ પંડ્યા દ્વારા આજે જાહેર કરાયેલી એક નોંધ અનુસાર, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની સૂચના પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ભાજપે સસ્પેન્ડ કરવા પાછળનું કારણ જાહેર કર્યું નથી.

જ્યાંથી PM મોદી ચૂંટણી લડ્યા હતા એ ગુજરાતની લોકસભા બેઠક પર ભાજપમાં ભડકો 2 - image


કોણ છે રંજનબેન ભટ્ટ?

57 વર્ષીય ડૉ. રંજનબેન ભટ્ટનો અભ્યાસ ઇન્ટર હાયર સેકન્ડરી સુધીનો છે, તેઓ વડોદરા શહેરના ડેપ્યુટી મેયર હતા. 2014માં પહેલીવાર તેઓ સાંસદ તરીકો ચૂંટાયા હતા. રંજનબેન ભટ્ટ ઉદ્યોગની સંસદીય કમિટિના સભ્ય રહી ચૂક્યા છે. 2014ની ચૂંટણી સમયે રંજનબેન ભટ્ટ અને તેમના પતિ ધનંજય ભટ્ટની મળીને કુલ મિલકત રૂપિયા 66 લાખ હતી.

Tags :