ગુજરાત ભાજપને લઈને હાઇ કમાન્ડ એલર્ટ, એક પછી એક વિવાદની વણઝાર, હવે કંઈક નવાજૂનીના એંધાણ

Updated: May 15th, 2024


Google NewsGoogle News
ગુજરાત ભાજપને લઈને હાઇ કમાન્ડ એલર્ટ, એક પછી એક વિવાદની વણઝાર, હવે કંઈક નવાજૂનીના એંધાણ 1 - image


Gujarat Political Crisis : ગુજરાતમાં પહેલીવાર એવું જોવા મળ્યું છે કે, લોકસભાની ચૂંટણીના પ્રારંભથી માંડીને અત્યાર સુધી એક વિવાદ શમતો નથી ત્યાં બીજા વિવાદની આગ ભભૂકે છે. સૌથી પહેલાં વડોદરામાં રંજન ભટ્ટને ઉમેદવાર જાહેર કરાયા ત્યાં જ્યોતિ પંડ્યાએ બંડ પોકાર્યું ને ભાજપનું ઘર સળગ્યું. આ વિવાદની આગ હજુ બુઝાઇ નથી. કેમકે, આ જ વિવાદે નારણ કાછડિયાથી માંડીને જયેશ રાદડિયાને રાજકીય તાકાત બક્ષી છે. અત્યારે દુભાયેલા, સાઇડલાઇન થયેલા નેતાઓ ખુલીને સામે આવ્યાં છે.

ભાજપનો ભરતી મેળો હોય કે પછી ઉમેદવારની પસંદગીનો મુદ્દો હોય, આ મામલો ભાજપના નેતા-કાર્યકરો માટે નારાજગીનું મુખ્ય કારણ બની રહ્યુ છે. શિસ્તબદ્ધ પક્ષ ગણાતાં ભાજપમાં આંતરિક વિવાદો એટલી હદે વકર્યો છે કે, બધુંય શાંત પાડવામાં પ્રદેશ નેતાગીરીનો પનો ટૂંકો પડ્યો છે. આ જોતાં એટલું કહી શકાય કે, ભાજપ હાઇકમાન્ડ ગુજરાતને લઈને એલર્ટ મોડમાં છે. રાજકીય પંડિતોનું અનુમાન છે કે, હાલ ભાજપનું ઘર સળગ્યું છે. જો આ જ પરિસ્થિતિ રહી અને ચૂંટણી પરિણામમાં અવળું પરિણામ આવ્યું તો અસંતુષ્ટોને ભાવતું ભોજન મળી રહેશે. એટલું જ નહી, ભાજપનો  આંતરિક જૂથવાદ બળવાનું સ્વરૂપ ધારણ કરે તો નવાઇ નહીં.

ટિકિટની ભાંજગડ : રંજન ભટ્ટને ટિકિટ અપાતાં ભાજપના મહિલા આગેવાન જ્યોતિ પંડ્યાએ જોરદાર વિરોધ નોધાવ્યો હતો. જેના પગલે તેમને પક્ષમાંથી હાંકી કઢાયા હતાં. લોકસભાની ચૂંટણી પહેલાં આ વિવાદ ચગતાં ભાજપનું ઘર સળગ્યુ હતું. એટલી હદે આ વિવાદ વકર્યો કે, ભાજપે નાછૂટકે ઉમેદવાર રંજન ભટ્ટને બદલવા પડ્યા હતાં.

ભાજપનો ભરતી મેળાનો વિરોધ : સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું ધર્યુ હતું. કેમ કે તેમનું કહેવું હતું કે, પક્ષના આમ કાર્યકરનું સન્માન જળવાતું નથી ને પક્ષપલટુ માટે લાલ જાજમ પાથરાય છે. છેવટે તેમના મનામણાં કરવા પડ્યા હતાં.

અટકકાંડ : સાબરકાઠામાં ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર વિરૂદ્ધ અટકને લઇને ભાજપના કાર્યકરોએ પત્રિકા વૉર કર્યું હતું. ઠાકોર નહીં બલ્કે આદિવાસી છે તેવું પુરવાર કરતાં ભાજપ હાઇકમાન્ડે ભીખાજી ઠાકોરને બદલવા પડ્યા હતાં. આ તમામ વિખવાદ પાછળ ભાજપના એક નેતાનો જ હાથ હતો. 

પક્ષપલટુને ટિકિટ : ભીખાજીને ઘર ભેગા કરીને ભાજપના સ્થાનિક નેતાઓ પોતાનો ઇરાદો પાર પાડ્યો હતો. પણ ત્યારબાદ ભીખાજીના સમર્થકોએ સાબરકાઠાં-અરવલ્લી માથે લીધુ હતું. પક્ષપલટુને ટિકિટ અપાતાં એવો જોરદાર વિરોધ કરાયો કે, મુખ્યમંત્રી-ગૃહમંત્રીને  મનામણાં માટે આંખે પાણી આવ્યું હતું પણ મેળ પડ્યો ન હતો.

સીડીકાંડ : આણંદ બેઠક પર ભાજપના સાંસદની સીડીનો વિવાદ એટલી હદે ચગ્યો કે, સાંસદને ખુલાસો કરવા દિલ્હી દોડી જવું પડ્યું હતું. ભાજપના સ્થાનિક નેતાઓએ હાઇકમાન્ડને ફરિયાદ કરી હતી. આખરે ભાજપે એજ સાંસદને પુન: ટિકિટ આપતાં છતાંય ઘીના ઠામમાં ઘી પડ્યુ હતું. 

ક્ષત્રિયો વિરૂદ્ધ ટિપ્પણી :  પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિરૂદ્ધ ટિપ્પણી કરતાં આ વિવાદે રાજકોટ પુરતી તો જ નહીં, ક્ષત્રિયો પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પણ ભાજપને નુકશાન વહોરવુ પડે તેવી સ્થિતિ ઊભી કરી દીધી હતી. હજુ આ મુદ્દે ક્ષત્રિયો ભાજપની ભારોભાર નારાજ છે. 

ટિકિટ કપાતાં મારામારી : અમરેલીમાં નારણ કાછડિયાની ટિકિટ કપાતાં બે જૂથો વચ્ચે મારામારી થઇ હતી. મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ખુદ પ્રદેશ નેતાગીરીને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. 

પત્રિકા વૉર : વલસાડ બેઠક પર આયાતી ઉમેદવાર ધવલ પટેલને ટિકિટ આપી દેવાતાં ભાજપના સ્થાનિક નેતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો, જેથી પત્રિકા વૉર જામ્યું હતું. જેથી પ્રદેશ નેતાઓએ જૂથવાદ ઠારવા દોડી જવુ પડ્યું હતું.

મેન્ડેટની અવગણના : ઇફ્કોની ચૂંટણીએ ભાજપની આબરુ ઘૂળધાણી કરી છે. ભાજપે સત્તાવાર બિપિન ગોતાને મેન્ડેટ આપ્યો હોવા છતાંય જયેશ રાદડિયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી જીત મેળવી દેખાડી. આ ઘટના ભાજપની પ્રદેશ નેતાગીરી સામે બળવા સમાન છે.

પત્ર વૉર : ચૂંટણી પૂરી થતાં જ ભાજપમાં પત્રવોર જામ્યો છે જેમકે, નારણ કાછડિયાએ ભાજપે થેન્કયૂ બોલતાય નથી આવડતુ તેને ટિકિટ આપી છે, તેમ કહીને પત્ર લખી હૈયાવરાળ ઠાલવી છે. તો અરવિંદ લાડાણીએ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ હરાવવા મથામણ કરી છે તેવા આરોપ સાથે પાટીલને પત્ર લખ્યો છે. તો ભરત સુતરિયાએ કાછડિયાની ટિકિટ કેમ કપાઇ છે તે મુદ્દો ઉઠાવીને પત્ર વાયરલ કર્યો છે.

કંઇક નવાજૂનીના એંધાણ

શિસ્તબધ્ધ ભાજપમાં જૂથવાદ ફુંફાડા મારી રહ્યો છે ત્યારે પ્રદેશ નેતાગીરી વામણી પુરવાર થઇ છે. જ્યોતિ પંડ્યાએ બંડ પોકારતાં ભાજપનું ઘર સળગ્યું અને આ જ વિવાદે કાછડિયા, રાદડિયા, લાડાણી, સુતરિયાને તાકાત બક્ષી. હવે લોકસભાની ચૂંટણીથી માંડીને અત્યાર સુધી જે વિવાદો થયા છે તે જોતાં એક વાત ચોક્કસ છે કે, ટૂંક સમયમાં ભાજપ હાઇ કમાન્ડ કંઇક નવાજૂની કરી શકે છે.


Google NewsGoogle News