સરકારી લાભ લેવામાં ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઇ! ધારાસભ્યોના વૈભવી ફ્લેટમાં 110 કરોડનું ફર્નિચર
Gujarat MLA Luxurious Flats in Gandhinagar | ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓ માટે નવા એમએલએ ફલેટનું નિર્માણ થઈ રહ્યુ છે. સેક્ટર-17માં ધારાસભ્યો માટે 200 નવા ફલેટનું બાંધકામ થઈ રહ્યું છે. રૂા. 203 કરોડના ખર્ચે નવનિર્મિત ફલેટમાં રૂા. 110 કરોડનું તો ફર્નિચર બનાવવામાં આવી રહ્યુ છે. જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે.
ગાંધીનગરમાં હાલ એમએલએલ ક્વાર્ટસ છે તે જર્જરીત અવસ્થામાં છે પરિણામે નવા ફલેટ બનાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે. સેક્ટર-17માં ધારાસભ્યો માટે 200 નવા ફલેટ બાંધવામાં આવી રહ્યાં છે. આ લકઝુરિયસ ફલેટમાં ત્રણ રૂમ, હોલ, કિચન ઉપરાંત ધારાસભ્યની ઓફિસની સ્પેસની સુવિધા રહેશે. સાથે સાથે વાઈફાઈ, કેન્ટીન, વોક વે, ગાર્ડન અને સ્વિમિંગ પુલ સહિતની આધુનિક સુવિધા રાખવામાં આવશે.
પાંચ-સાત માળના આ ફલેટનું બાંધકામ હાલમાં ચાલી રહ્યુ છે. એમએલએ ફલેટના નિર્માણ પર એક કમિટી દેખરેખ રાખી રહી છે. આ કમીટીની એક બેઠક મળી હતી જેમાં એવી ચર્ચા કરવામાં આવી કે, ફલેટનું બાંધકામ પૂર્ણ થવા આવ્યુ છે ત્યારે બેડ સહિતના ફર્નિચર માટે રૂા.80 કરોડનું ટેન્ડર બહાર પાડવામા આવ્યુ છે. આ ઉપરાંત આર્કિટેકે વધારાના રૂા. 30 કરોડ માંગ્યા છે.
કમિટીના એક સભ્યનું કહેવુ છે કે, ધારાસભ્યોના ફલેટ્યાં રાચરચીલા ઉપરાંત ઇલેકટ્રીક કામગીરી માટે રૂા.110 કરોડ વધુ પડતી રકમ છે. માત્રના માત્ર સરકારી રકમનો ઉપયોગ કરવો એ યોગ્ય નથી. સરકારી જમીન હોવા છતાંય પ્રત્યેક એમએલએ ફલેટની કિંમત દોઢેક કરોડ સુધી પહોંચે તેમ છે.
એક બાજુ, ધારાસભ્ય ગરીબ મતદારોની ચર્ચા કરી મસિહા હોય તેવો ડોળ કરે છે. બીજી બાજુ, ચૂંટાયેલાં જનપ્રતિનીધીઓ પ્રજાના ટેક્સના પૈસે સરકારી સુવિધા મેળવવામાં જરાયે પાછીપાની કરતાં નથી. લાભ મેળવવામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષનો એક જ સૂર હોય છે.