Get The App

ભુજમાં જાહેરમાં ફેંકાયેલા વિસ્ફોટક ટોટાથી શ્વાનનું મોત, પોલીસે બે શખસોની કરી અટકાયત

Updated: Jan 22nd, 2025


Google News
Google News
ભુજમાં જાહેરમાં ફેંકાયેલા વિસ્ફોટક ટોટાથી શ્વાનનું મોત, પોલીસે બે શખસોની કરી અટકાયત 1 - image


Bhuj News: કચ્છના ભુજ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભુજમાં એક શ્વાન કચરાપેટીમાં પડેલાં એક પદાર્થને ખોરાક સમજીને ખાવા જઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક બ્લાસ્ટ થયો. હકીકતમાં શ્વાને જે પદાર્થને ખોરાક સમજ્યો હતો તે વિસ્ફોટક જિલેટીન સ્ટિક (ટોટા) હતી. આ વિસ્ફોટકના કારણે શ્વાનનું જડબું ફાટી ગયું અને તેનું અરેરાટીભર્યું મોત નિપજ્યું હતું.

શું હતી સમગ્ર ઘટના? 

ભુજ શહેરના આશાપુરા રીંગરોડ વિસ્તારમાં સુમરા ડેલી નજીક શિફા હોસ્પિટલવાળી ગલીમાં દરબાર ગઢની ગઢરાંગ પાસે શ્વાનનું વિસ્ફોટકના કારણે દર્દનાક મોત નિપજ્યું હતું. શ્વાન અહીં ભોજનની શોધમાં હતું, ત્યારે તેણે કચરામાંથી ભોજન સમજી એક પદાર્થ ઉપાડ્યો. હકીકતમાં આ પદાર્થ ભોજનની બદલે વિસ્ફોટક ટોટા હતો. જેવું જ શ્વાને આ વિસ્ફોટક ટોટાને મોઢામાં લીધું કે, તેનું જડબું ફાટી ગયું અને આસપાસમાં લોહીના ખાબોચ્યા ભરાઈ ગયાં. જોકે, ઘટના બનતા તુરંત જ આસપાસના જાગૃત નાગરિકોએ આ બનાવ અંગે માધાપરની જીવદયા પ્રેમી સંસ્થાને આ વિશે જાણકારી આપી. બાદમાં તેઓ આ શ્વાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયાં પરંતુ, મોડી સાંજે શ્વાને હોસ્પિટલમાં પોતાનો દમ તોડી દીધો હતો. 

આ પણ વાંચોઃ રાજ્યમાં જંત્રીના ભાવ ઘટાડવા મુદ્દે સરકારને 61% જેટલી અરજીઓ મળી, વાંધા સૂચનો પર ચર્ચા પછી નિર્ણય: રાજ્ય સરકાર

પોલીસે બે શખ્સોને ઝડપ્યા

વિસ્ફોટક પદાર્થ કચરાપેટીમાં ફેંકીને માદા શ્વાનનું દર્દનાક મોત નીપજાવવા બદલ ભુજ-એ ડિવિઝન પોલીસે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેની અટકાયત કરી છે. વિસ્ફોટક પદાર્થના લીધે માણસો અને અબોલ પશુઓનું જીવન જોખમમાં મૂકાય તેવું જાણવા છતાં બંને લોકો બેદરકારી દાખવી હોવાનું પોલીસે ફરિયાદમાં જણાવ્યું છે.

પોલીસે ભુજના સલીમ આમદ કુંભાર (રહે. કેમ્પ એરિયા) અને અઝીઝ હાજી મણિયાર (રહે. સંજોગનગર) સામે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ, જીપી એક્ટ અને BNS કલમ 325, 287, 54 હેઠળ ગુનો નોંધ્યો છે. આ પદાર્થ કયા હેતુથી લઈ જવાતો હતો? ત્રીજો યુવક કોણ હતો? વિસ્ફોટકમાં જીલેટીન કે કેવા પ્રકારના એક્સપ્લોઝીવનો ઉપયોગ થયેલો છે? વગેરે મુદ્દે વધુ તપાસ શરૂ કરાઈ છે. આ મામલે પીઆઈ હાર્દિક ત્રિવેદી તપાસ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફૂટેજમાં બાઈક પર આવેલાં ત્રણ યુવકો પૈકી એક યુવકના જેકેટમાંથી ત્રણેક વિસ્ફોટક ટોટા નીચે પડી જતાં જણાય છે. રોડ પર પડેલાં આ વિસ્ફોટક પદાર્થ પરથી એક બાઈક અને ઓટો રીક્ષા પસાર થતાં પૈડાંના દબાણથી તે ફૂટ્યો હતો.

આ પણ વાંચોઃ ખેડામાં નીલગાયના કારણે ફરી સર્જાયો અકસ્માત, પોલીસકર્મી સહિત 2ના ઘટના સ્થળે જ મોત

અગાઉ બે ગાય થઈ હતી ઈજાગ્રસ્ત

સમગ્ર ઘટના બાદ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે કે, આવા વિસ્ફોટક ટોટા ક્યાંથી આવે છે અને કોણ આ રીતે જ્યાં-ત્યાં ફેંકી દે છે? હજુ પણ આવા વિસ્ફોટક ટોટા કોઈ અન્ય જગ્યાએ છે કે કેમ? ક્યાં સુધી આ પ્રકારે અબોલ જીવ આવા વિસ્ફોટકોનો ભોગ બનશે? નોંધનીય છે કે, આ થોડા દિવસો પહેલાં પણ માતાના મઢમાં બે ગાયના મોઢામાં વિસ્ફોટક ફાટતાં ગંભીર ઈજા થઈ હતી. પોલીસે આ મુદ્દે ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી હતી. જોકે, તેમ છતાં આજે ફરી શ્વાન સાથે આવી જ એક ઘટના બની.






Tags :
Gujarat-NewsBhuj

Google News
Google News