બનાસકાંઠામાં દાંતાના ગંગેશ્વર મંદિરમાં તોડફોડ, શિવાલયના ગર્ભગૃહમાં શ્વાનનો મૃતદેહ ફેંક્યો
Banaskantha News: બનાસકાંઠાના દાંતા તાલુકામાં ગંગેશ્વર મહાદેવના મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. અસામાજિક તત્ત્વો દ્વારા મંદિર અને શિવાલયને ખંડિત કરવામાં આવ્યું છે. આ સિવાય મંદિરના ગર્ભગૃહમાં શ્વાનના બચ્ચાનો મૃતદેહ પણ ફેંકવામાં આવ્યો છે. જેને લઈને શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. જોકે, આ અસામાજિક તત્ત્વો કોણ છે અને આ પ્રકારનું કૃત્ય કેમ કર્યું તે વિશે તપાસ હાથ ધરવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના?
બનાસકાંઠાના દાંતા તાલુકામાં ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં ગુરૂવારે (6 ફેબ્રુઆરી) અસામાજિક તત્ત્વો દ્વારા મંદિર તેમજ શિવાલયોને ખંડિત કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે જ્યારે ગ્રામજનો મંદિરે દર્શનાર્થે પહોંચ્યા ત્યારે મંદિરની હાલત જોઈને ચોંકી ગયા હતાં. સ્થાનિકોએ જોયું કે, ત્યાં મંદિરથી લઈને મૂર્તિઓ અને શિવાલયોને ખંડિત કરવામાં આવ્યા છે. આ સિવાય તેઓ મંદિરના ગર્ભગૃહમાં શ્વાનના બચ્ચાંનો મૃતદેહ જોતા હચમચી ગયા હતાં. બાદમાં તેઓએ તાત્કાલિક ધોરણે પોલીસને આ વિશે જાણ કરી અને હાલ પોલીસે સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી છે.
પોલીસે હાથ ધરી તપાસ
મંદિરને અપવિત્ર કરવાના પ્રયાસને લઈને ભક્તો તેમજ ગ્રામજનોની આસ્થાને ભારે ઠેસ પહોંચી છે. હાલ, પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ અસામાજિક તત્ત્વો કોણ છે તે વિશે તપાસ હાથ ધરી છે. આ સિવાય પોલીસે સ્થાનિકોને આશ્વાસન આપ્યું છે કે, 24 કલાકની અંદર આરોપીને પકડી લેવામાં આવશે.