રસ્તા જ ન હોય તો વરરાજા ગામમાં કેવી રીતે આવે, તમે જ્યાં ભણ્યા તે કોંગ્રેસ વખતની છે : વિધાનસભામાં જુઓ કોણ શું બોલ્યું
ધારાસભ્યો સરકારી શાળામાં બાળકોને કેમ ભણાવતા નથી...?
આદિવાસી વિસ્તારોમાં એવી દશા હતી કે, ખરાબ રસ્તાને લીધે દીકરીઓનાં લગ્ન થતાં ન હતાં...
ગૃહમાં પૂરક માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સ૨કા૨ને સાણસામાં લીધી હતી. સરકારી શાળાઓની બદતર હાલતનો ચિતાર રજૂ કરી તેમણે એવો સવાલ ઉઠાવ્યોકે, તમે ઉત્તમ શિક્ષણની વાત કરી રહ્યાં છો તો એ વાતનો જવાબ આપોકે, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ પોતાના સંતાનોને કેમ સરકારી શાળામાં ભણાવતાં નથી ? સરકારી શાળાઓની એવી દશા છેકે, વાલીઓને નાછૂટકે બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવા મજબૂર થવુ પડે છે. પ્રવેશોત્સવ, ગુણોત્સવ સહિતના કાર્યક્રમ યોજી સરકાર શિક્ષણના ગુણગાન ગાઇ રહી છે પણ સરકારી શાળાઓમાં પુરતા ઓ૨ડા નથી.પુરતા શિક્ષકો નથી.
રસ્તા જ ન હોય તો વરરાજા ગામમાં આવે કેવી રીતે?
ભાજપના ધારાસભ્ય નિમીષા સુથારે આદિવાસી વિસ્તારોનો ખુબ વિકાસ થયો છે તેમ કહી સરકારની વાહવાહી કરી હતી. સાથે સાથે એવોય ઉલ્લેખ કર્યોકે, હું એક ગામમાં ગઇ ત્યારે ગ્રામજનોએ એવી ફરિયાદ કરીકે, બેન, અહીં દિકરીઓના લગ્ન પણ થતા નથી તેનુ કારણ એકે, ગામમાં રસ્તો જ નથી. રસ્તો જ ન હોય તો, વરરાજા જાન લઇને ગામમાં આવે કેવી રીતે? અગાઇની સરકારોએ કશું જ કામ કર્યુ નથી. આ સાંભળીને વિપક્ષના ધારાસભ્યએ બેઠા બેઠા ટિખળ કરીકે, તો પછી, આ વિસ્તારના અત્યાર સુધી જે લગ્ન થયાં તેમને કોણે છોકરીઆપી? એમના લગ્ન કેવી રીતે થયાં ?
હું તો કેરોસીનના દીવામાં ભણી, SSC પાસ થયો છું
પૂરક માંગણીઓની ચર્ચામાં ભાગ લેતાં ભાજપના ધારાસભ્ય જયંતિ ચૌધરીએ એ વાતનો ઉલ્લેખ કર્યોકે, અગાઉ કોંગ્રેસના શાસનમાં ૨૪ કલાક વિજળી જ મળતી નથી. હું પોતે કેરોસીનના દીવામાં ભણીને એસએસસી પાસ થયો છું. તેમ કહીને તેમણે વિપક્ષની ટીકા કરવાની તક ઝડપી હતી. ત્યાં વળી કોગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે એવી કોમેન્ટ કરી કે, તમે જે શાળામાં અભ્યાસ કર્યો છેને, એ કોંગ્રેસના વખતમાં બની છે. એ તો યાદ છેને..
ટેબલેટમાં સુવિધા છતાં મંત્રીઓ ચિઠ્ઠી વાંચે છે
ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવાઇ છે. મંત્રીથી માંડીને ધારાસભ્યોને ટેબલેટ અપાયા છે. આ ટેબલેટમાં મંત્રીઓ મુખ્ય પ્રશ્ન જ નહીં, પણ પેટા પ્રશ્નના સવાલનો જવાબ જોઇ શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે. નેવા એપમાં એવી સુવિધા છેકે, અધિકારીઓ ટેબલેટ પર લખે તો મંત્રીઓ સીધા ટેબલેટમાં જવાબ જોઇ શકે છે અને ગૃહમાં તુરંત જવાબ આપી શકે છે. નવાઇની વાત એછેકે, એપમાં સુવિધા હોવા છતાંય પેટા પ્રશ્ન પૂછાય તો અધિકારીઓ ગેલેરીમાંથી મંત્રીને ચિઠ્ઠીમાં જવાબ લખીને મોકલે છે. ટેબલેટ હોવા છતાંય મંત્રીઓ પણ ચિઠ્ઠી જ વાંચે છે. આમ, મોર્ડનાઇઝનેશનનો ઉલાળિયો થયો હોય તેમ દેખાઇ રહ્યુ છે.
હાર્દિક પટેલે સરકારની પોલીસી અંગે પ્રશ્ન ઉઠાવ્યો
પ્રશ્નોતરી કાળ વખતે પંચાયતના કામોને લઇને સવાલ જવાબ થઇ રહ્યા છે ત્યારે ધારાસભ્ય હાર્દિક પટેલે એવો સવાલ ઉઠાવ્યોકે, પેવરબ્લોક, આરસીસીના કામોની વધુ ડિમાન્ડ હોય છે તો સરકાર આ પોલીસીને બદલવામાં માંગે છે કે કેમ ? જોકે, મંત્રી બચુ ખાબડે સ્પષ્ટ કર્યુંકે, આ કેન્દ્ર સરકારની પોલીસી છે.આમાં કશુ થઇ શકે નહીં. ટૂંકમાં, હાર્દિકે કેન્દ્રની પોલીસીને લઇને સવાલ ઉઠાવ્યા હતાં. આ જોઇને અન્ય અંદરોઅંદર ધારાસભ્યો પણ ગણગણાટ કરતા જોવા મળ્યા હતાં.
અધ્યક્ષે ટપાર્યાં, વાત કરવી હોય તો ગૃહની બહાર જાવ
ગૃહમાં પૂરક માંગણીઓને ચર્ચા થઇ રહી હતી ત્યારે ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર વાત કરી રહ્યા હતાં.આ જોઇને અધ્યક્ષે બંનેને ટપાર્યા હતાં. તેમણે સ્પષ્ટ કહી દીધુકે, વાત કરવી હોય તો બંને જણાં ગૃહની બહાર જાઓ.
છેલ્લે.. વિધાનસભામાં માર્ગ મકાન વિભાગની પૂરક માંગણીઓ પરની ચર્ચામાં ઘણાં ધારાસભ્યોએ રસ્તાના જોબ નબર મળતા નથી તે મુદ્દે સરકાર પર પસ્તાળ પાડી હતી. જયારે ઘણાંએ જોબ નંબર મળ્યાં છે તેમ કહીને સરકારની વાહવાહી કરી હતી.આમ, જોબ નંબરમાં સરકાર ભેદભાવનીતિ દાખવી રહી છે તે વાત ઉપસી આવી હતી.