ગુજરાતમાં ફરી ચૂંટણીનો માહોલ જામશે, બે મહિના બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માર્ગ મોકળો
Gujarat Assembly Elections: ગુજરાતમાં બે વર્ષથી વિલંબમાં પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે 27 ટકા ઓબીસી બેઠકોને અનુરૂપ વોર્ડ રચના અને અનામત બેઠકો અંગે નોટિફિકેશન જાહેર કર્યા છે, જ્યારે પંચાયત વિભાગે ઓબીસી બેઠક અંગે નોટિફિકેશન ઇસ્યુ કર્યા છે.
ચૂંટણી પંચની તૈયારીઓ શરૂ
જાહેરનામા પછી વાંઘા-સૂચનો માટે એક મહિનાની પ્રક્રિયા ચાલશે, ત્યારબાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે મુદ્દત વિતી ગઇ હોય તેવી પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓ ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં યોજવા માટેની તૈયારી શરુ કરી દેવામાં આવી છે.
રાજ્યની 80 નગરપાલિકા, ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત અને 539 નવી ગ્રામ પંચાયતો સહિત કુલ 4765 પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી બાકી રહેલી ચૂંટણી ઉપરાંત અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સભ્યોના રાજીનામા કે મૃત્યુને કારણે ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણી યોજાય તે દિશામાં રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે.
આ પણ વાંચો: PM મોદીના જન્મદિવસે જ ગુજરાતમાં 'હલ્લાબોલ' ની તૈયારી, લાખો સરકારી કર્મચારી કરશે હડતાળ
ચૂંટણી પંચ આગામી દિવસોમાં ચૂંટણીની તારીખ જાહેર કરશે
રાજ્ય સરકારે તાજેતરમાં જ રાજ્ય ચૂંટણી પંચમાં ઓએસડી તરીકે આઇએએસ અધિકારી ડો. મુરલી ક્રિશ્નાની નિયુક્તિ કરી છે. આ નોટિફિકેશનના આધારે હવે રાજ્ય ચૂંટણી પંચ આગામી દિવસોમાં ચૂંટણીની તારીખ જાહેર કરશે. સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી કેટેગરીની 27 ટકા અનામત સાથે નગરપાલિકાઓમાં નવી વોર્ડરચના પણ જોવા મળશે.
27 ટકા ઓબીસી અનામત બેઠકો અને વોર્ડરચનાના નોટિફિકેશન બહાર પડ્યા
હવે પછીની કોઈપણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત સાથે સાત ટકા એસસી અને 14 ટકા એસટી અનામત સાથે કુલ 48 ટકા અનામત બેઠકો રહેશે. ઓક્ટોબરના મધ્ય સુધીમાં અનામતની પ્રક્રિયા પૂર્ણ થશે તેવું પંચના અધિકારીએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઓબીસી અનામતની પ્રક્રિયાના કારણે ગુજરાતમાં બે વર્ષ સુધી સ્થાનિક ચૂંટણી મુલતવી રહી છે અને વહીવટદારનું શાસન છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનું લેટેસ્ટ અપડેટ્સ, જાણો આજે કયા કયા જિલ્લામાં જળબંબાકાર થવાની શક્યતા
ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણીઓ નિશ્ચિત
ઝવેરી કમિશનના અહેવાલના આધારે, નગરપાલિકા અધિનિયમ-1963, ગુજરાત પંચાયત અધિનિયમ- 1993 અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ- 1994માં સુધારા દ્વારા અનામતના વિધેયકો મંજૂર થયાં છે. રાજ્યમાં પ્રથમવાર 27 ટકા ઓબીસી અનામત સાથે ચૂંટણીઓ થશે.