આ ચૂંટણી 5 નહીં, પરંતુ આગામી 25 વર્ષ માટે છે : PM મોદીનું બોટાદ ચૂંટણી સભામાં સંબોધન
ગુજરાત પ્રવાસ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ બોટાદમાં જનસભાને સંબોધી
PM મોદીએ કહ્યું, બોટાદ, ધોલેરા, ભાવનગર પ્રોજેક્ટ અને ઉદ્યોગોનું કેન્દ્ર બનશે
અમદાવાદ,તા.20 નવેમ્બર-2022, રવિવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલથી ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન PM મોદીએ બોટાદમાં જનસભાને સંબોધી હતી. સભામાં તેમણે કહ્યું કે, આ ચૂંટણી માત્ર આગામી પાંચ વર્ષ માટે નથી, પરંતુ 25 વર્ષ બાદ ગુજરાત કેવું દેખાશે, તે નક્કી કરશે. બોટાદ સાથે સંબંધ જનસંઘના જમાનાનો છે. જ્યારે કોઈ અમારા વિશે કંઈ જાણતું ન હતું ત્યારે બોટાદે જ અમને આદેશ આપ્યો હતો. બોટાદની પ્રજા હંમેશા અમારી સાથે રહી છે.
PM મોદીએ બોટાદની સભામાં શું કહ્યું
- રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું ગુજરાતના તમામ સ્થળોએ ગયો અને લોકોની ઉર્જાને જોઈ. મારી ગુજરાત મુલાકાત બાદ હું કહી શકું છું કે ગુજરાત અમને જનાદેશ આપવા જઈ રહ્યું છે. જનતાએ ગુજરાત ચૂંટણીનું પરિણામ નક્કી કર્યું છે.
- માત્ર ભાજપ જ એવો પક્ષ છે જેણે તમામ રાજકીય પક્ષોને માત્ર વિકાસની વાત કરવા મજબૂર કર્યા છે. અન્યથા તમામ પક્ષો પહેલા જાતિ અંગે વાત કરતા હતા.
- મારા શબ્દો યાદ રાખો બોટાદ, ધોલેરા, ભાવનગર પ્રોજેક્ટ અને ઉદ્યોગોનું કેન્દ્ર બનશે, તે દિવસ દૂર નથી. ગુજરાતમાં જ્યાં સાઇકલ બનતી ન હતી, ત્યાં હવે એરોપ્લેન બનશે.
- હવે લોકો ઘરમાં પાણીના નળ માંગે છે. લોકો રેલ્વે સ્ટેશન માંગે છે અને હવે લોકો એરપોર્ટ માંગે છે.
- ગુજરાતની જનતા વધુમાં વધુ વિકાસ ઈચ્છે છે. આજે ગુજરાતની મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ સમગ્ર ભારત માટે એક મોડેલ છે. અહીં 20 હજાર શાળાઓ 5G ટેક્નોલોજી હેઠળ કામ કરશે.
- બોટાદમાં ધંધુકા અને અન્ય સ્થળોએ લોકોએ ક્યારેય પાણી જોયું નથી. લોકો પાસે નહાવા માટે પાણી ન હતું. અમે સરદાર સરોવર કેનાલ લાવ્યા. આજે દરેક ખેતરમાં પાણી છે.
- મોદીએ કહ્યું કે આ ચૂંટણી આગામી 25 વર્ષ માટે છે. માત્ર 5 વર્ષ માટે જ નથી.